crime
એકટ્રેસ શ્રદ્ધા કપૂરના જ્વેલરી શોરૂમમાં તસ્કર ત્રાટક્યો:સુરતના પલમોનાઝમાં શટરનું લોક તોડીને ઘૂસ્યો અને દાગીના લઈને રફુચક્કર, પોલીસ તપાસ શરૂ
સુરતના પોશ અડાજણમાં બોલિવૂડ એકટ્રેસ શ્રદ્ધા કપૂરની જ્વેલરી બ્રાન્ડ ‘પલમોનાઝ’ના શોરૂમમાં ચોરીની સનસનાટીભરી ઘટના સામે આવી છે. વહેલી સવારે તસ્કર શટરનું લોક તોડીને ઘૂસ્યો અને દાગીના લઈને રફુચક્કર થયો હતો. સમગ્ર વિસ્તાર અને વેપારીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે. શ્રદ્ધા કપૂર આ જ્વેલરી બ્રાન્ડમાં સહ-સ્થાપક/પાર્ટનર છે, જેથી આ હાઇપ્રોફાઇલ શોરૂમમાં ચોરીની જાણ થતાં જ અડાજણ પોલીસ કાફલો તેમજ ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાચ તોડી જ્વેલરી સમેટી લીધી, ચોર CCTV કેમેરામાં કેદ આજે(25 ઓગસ્ટ) વહેલી સવારે તસ્કર શોરૂમ પાસે પહોંચ્યો હતો. તેને મુખ્ય શટરનું લોક ટેકનિકલ રીતે ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. શોરૂમની અંદર પ્રવેશ્યા બાદ તસ્કરે ડિસ્પ્લેમાં મુકેલા કાચના બોક્સ તોડી નાખ્યા અને કિંમતી જ્વેલરીના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર કરતૂતો શોરૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં એક જ શખ્સ અંદર ઘૂસતો સ્પષ્ટ દેખાય છે. QR કોડ સિસ્ટમના આધારે ચોરાયેલા મુદામાલની ગણતરી અડાજણ પોલીસ સ્ટેશનના PI એન.એ. ચાવડાએ ભાસ્કરને કહ્યું કે, પલમોનાઝ જ્વેલર્સમાં તમામ પ્રોડક્ટ્સ પર QR કોડ અને બારકોડ સાથેની લાઈવ સિસ્ટમ કાર્યરત છે. કંપનીના સોફ્ટવેર અને સ્ટોક ડેટાના આધારે હાલમાં કેટલા રૂપિયા અને કેટલી માત્રામાં જ્વેલરીની ચોરી થઈ છે તેની ગણતરી કરવામાં આવી રહી છે. સ્ટોક ઓડિટ પૂર્ણ થયા બાદ ચોરી થયેલા કુલ મુદામાલની ચોક્કસ કિંમત સામે આવશે. પોલીસની ટીમોએ તસ્કરની શોધખોળ શરૂ કરી આ ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચ અને અડાજણ પોલીસે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી છે. પોલીસે શોરૂમના તેમજ આસપાસના મુખ્ય રસ્તાઓ પર લાગેલા CCTV ફૂટેજ કબ્જે કર્યા છે. તસ્કર ક્યાંથી આવ્યો હતો, તેની સાથે બહાર કોઈ અન્ય સાગરીત હાજર હતો કે કેમ અને ચોરી કર્યા બાદ તે કઈ દિશામાં ભાગ્યો તે તમામ પાસાંઓ પર પોલીસે 3થી વધુ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar