crime
ગાંજા કેસમાં આરોપીની જામીન અરજી રદ:આરોપી અરજણ લાંબા સમય સુધી ફરાર રહ્યો હતો; પાટણ સેશન્સ કોર્ટનો બાલિસણા પોલીસ કેસમાં કડક નિર્ણય
પાટણની સેશન્સ કોર્ટ દ્વારા ગાંજાના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા કેસમાં આરોપી અરજણભાઈની નિયમિત જામીન અરજી રદ કરવામાં આવી છે. બાલિસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એકટ હેઠળના ગુનામાં સહ-આરોપીઓ પાસેથી ₹1,50,200 ની કિંમતનો 3.004 કિલોગ્રામ ગાંજો ઝડપાયો હતો. આ કેસમાં વર્તમાન અરજદારે જથ્થો વેચ્યો હોવાનો મુખ્ય આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. મોટરસાઇકલ સાથે ઝડપાયો હતો ગાંજો કેસની વિગત અનુસાર, અગાઉ પકડાયેલા સહ-આરોપીઓ જિગ્નેશ અને નરેશ પાસેથી ગેરકાયદેસર 3.004 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મોટરસાઇકલ સાથે પકડાયો હતો. આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિમાં અરજદાર અરજણભાઈએ ગાંજાનું વેચાણ કરીને સક્રિય ભૂમિકા ભજવી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂઆત કરી હતી કે યુવા પેઢીમાં વધી રહેલા નશાના દૂષણ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન આપવા યોગ્ય નથી. લાંબો સમય ફરાર રહેતા કોર્ટનો નિર્ણય કોર્ટે તપાસ કરનાર અધિકારીના સોગંદનામાની ચકાસણી કરતા નોંધ્યું હતું કે ગુનો બન્યા તારીખ 20/12/2025 થી અરજદાર સતત ફરાર રહ્યો હતો. પોશીના તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં રહીને તેણે પોલીસ તપાસમાં કોઈ સહકાર આપ્યો નહોતો. જામીન આપવામાં આવે તો તે કાયદાકીય પ્રક્રિયા દરમિયાન ગેરહાજર રહી ટ્રાયલ પર અસર પહોંચાડી શકે છે. આથી, પાટણ સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.
Read full article on Divya Bhaskar