top
વાપીમાં બે મહિનાથી પગાર ન મળતા દંપતીનો આપઘાતનો પ્રયાસ:સોશિયલ મીડિયા પોસ્ટથી ડુંગરા પોલીસે બંનેને બચાવ્યા, બાકી પગાર પણ શેઠ પાસેથી અપાવ્યો
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા પર મૂકાયેલી આપઘાતની પોસ્ટને ગંભીરતાથી લઈ પોલીસે સમયસૂચકતા દાખવી એક દંપતીનો કિંમતી જીવ બચાવ્યો હતો. શેઠ દ્વારા બે મહિનાનો પગાર નહીં ચૂકવાતા આર્થિક સંકડામણમાં આવેલા દંપતીએ આપઘાતનું પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. બે મહિનાથી પગાર ન મળતાં આર્થિક મુશ્કેલી મળતી માહિતી મુજબ, વાપીના છીરી-રામનગર વિસ્તારમાં રહેતા દંપતીને તેમના શેઠ દ્વારા છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નહોતો. દંપતીના જણાવ્યા મુજબ, તેમણે કરેલા કામના રૂ. 10 હજાર જેટલા બાકી નીકળતા હતા, પરંતુ બે મહિનાથી આ રકમ નહીં મળતાં પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો. સતત આર્થિક તંગીથી કંટાળીને યુવકે સોશિયલ મીડિયા પર આપઘાત કરી લેવાની પોસ્ટ મૂકી હતી. કંટ્રોલ રૂમના મેસેજથી ડુંગરા પોલીસ દોડતી થઈ યુવકની સોશિયલ મીડિયા પોસ્ટની જાણ થતાં વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ડુંગરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસની ટીમ તાત્કાલિક દંપતી સુધી પહોંચી હતી અને સમયસર બંનેને રેસ્ક્યૂ કરી આપઘાતનું પગલું ભરતાં અટકાવ્યા હતા. પોલીસે શેઠને બોલાવી બાકી રકમ અપાવી પોલીસે દંપતીની પ્રાથમિક પૂછપરછ કરતાં પગાર નહીં મળવાના કારણે તેઓ આર્થિક સંકટમાં મુકાયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે દંપતીના શેઠને પોલીસ સ્ટેશન બોલાવી જરૂરી સમજ આપી હતી. પોલીસની દરમિયાનગીરી બાદ દંપતીને મળવાપાત્ર બાકી રકમ અપાવવામાં આવી હતી. પોલીસની સમયસૂચક કામગીરીથી જીવ બચ્યો વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધીક્ષક બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસની ટીમે સમગ્ર ઘટનામાં સમયસર કાર્યવાહી કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટને આધારે તાત્કાલિક પગલાં ભરવામાં આવતા દંપતીને આપઘાત કરતાં અટકાવી તેમનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
Read full article on Divya Bhaskar