top
બર્બટાણા રેલવે સ્ટેશન સુધી પણ બસ સુવિધા આપવા લોકોની માંગ:દિવાળીના તહેવારોમાં રાજુલા-સુરત વચ્ચે વધારાની એસ.ટી. બસો દોડાવો
રાજુલામાં દિવાળીના તહેવારોમાં વતન આવવા-જવા માટે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રાજુલાથી સુરત વચ્ચે બે વધારાની એસ.ટી. બસો દોડાવવામાં આવે તેવી માંગ ઊઠી છે. તહેવારોના દિવસોમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા ઊંચા ભાડાં વસૂલવામાં આવતાં સામાન્ય મુસાફરોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો શરૂ કરવામાં આવે તો મુસાફરોને મોટી રાહત મળી શકે તેમ છે. દિવાળીના પર્વે પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો વતન તરફ આવનજાવન કરતા હોય છે. આ દરમિયાન મુસાફરોની સંખ્યા વધી જતાં ખાનગી વાહનોમાં ભાડાં વધારવામાં આવતાં હોવાની ફરિયાદો સામે આવે છે. પરિણામે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને મુસાફરી માટે વધુ નાણાં ખર્ચવાની ફરજ પડે છે. સાથેજ શહેરથી આશરે પાંચ કિલોમીટરના અંતરે આવેલા બર્બટાણા રેલવે સ્ટેશન પર સુરત તરફથી આવતી ટ્રેનો વહેલી સવારે તેમજ બપોરના સમયે આવતી-જતી હોવાથી મુસાફરોની અવરજવર પણ વધતી હોવાથી રેલવે સ્ટેશન સુધી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. વિભાગ દ્વારા મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સમયસર નિર્ણય લેવામાં આવે તો રાજુલા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વતન આવવા-જવામાં રાહત મળી શકે તે માટે લોકોએ રજૂઆત કરી છે.
Read full article on Divya Bhaskar