top
નિવૃત ડેપ્યુટી કલેક્ટરની અરજી રદ્દ કરતી હાઈકોર્ટ:આવક કરતાં વધુ મિલકતોનો કેસ, અરજદારે કહ્યું- પત્ની સાથે વૈવાહિક મતભેદોને લઈને ફરિયાદ નોંધાઈ
ગુજરાત હાઇકોર્ટમાં નિવૃત ડેપ્યુટી કલેક્ટર કમલેશ ગોરાડિયા દ્વારા પોતાની સામેની કાનૂની કાર્યવાહી રદ્દ કરવા અરજી કરવામાં આવી હતી, જેને કોર્ટે નકારી નાખી છે. તેઓની સામે અમદાવાદના ACB પોલીસ મથકે વર્ષ 2015 માં ફરિયાદ નોધાઇ હતી. જેનો કેસ ACB કોર્ટમાં ચાલી રહ્યો છે. અરજદાર 1986 ના વર્ષમાં સીધા મામલતદાર તરીકે જોડાયા હતા અને પદોન્નતિ મેળવીને ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા તથા વર્ષ 2015 ના રોજ નિવૃત્ત થયા હતા. ACB દ્વારા તપાસ માટે 1 જાન્યુઆરી, 2000 થી 31 ડિસેમ્બર, 2008 સુધીનો 9 વર્ષનો સમયગાળો તપાસ માટે નક્કી કરવામાં આવ્યો હતો. આવકની સરખામણીએ વધારાની 1.04 કરોડની અપ્રમાણસર મિલકત સરકારી નોકરી દરમિયાન કાયદેસરની આવકની સરખામણીએ વધારાની 1.04 કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનો આક્ષેપ હતો. ચાર્જશીટ બાદ તપાસ મુજબ આ આંકડો વધીને 2.32 કરોડ જેટલો થયો હતો. જે આવક કરતાં 455 ટકા જેટલો છે. પત્ની સાથેના વૈવાહિક વિવાદો અને મતભેદો અરજદારે દલીલ કરી હતી કે તેમની અલગ રહેતી પત્ની સાથેના વૈવાહિક વિવાદો અને મતભેદોના કારણે આ ફરિયાદો કરવામાં આવી હતી. ભૂતકાળમાં પત્નીએ કરેલી કલમ 498A ની ફરિયાદમાં પોલીસે 'B' સમરી રિપોર્ટ, ખોટી ફરિયાદનો ભર્યો હતો. તપાસ અધિકારીએ 1986 થી 1999 સુધીની 14 વર્ષની સેવા અને તે સમયની બચતો ધ્યાને લીધા વગર માત્ર 2000 થી 2008 નો ગાળો જ પસંદ કર્યો હતો. મિલકતો અને રોકાણો અરજદારના માથે મઢી દેવાયા વર્ષ 2000 થી અલગ રહેતી પત્ની અને સ્વતંત્ર કમાણી ધરાવતી પુખ્ત વયની બહેનોની મિલકતો અને રોકાણો અરજદારના માથે મઢી દેવાયા છે. મ્યુચ્યુઅલ ફંડમાં પાકતી મુદતે મળેલા નાણાં ફરીથી રોકાણ કરવામાં આવ્યા હતા. પરંતુ તપાસ અધિકારીએ રીડીમ થયેલી રકમને આવક તરીકે ન ગણી માત્ર નવા રોકાણ તરીકે ગણીને બે-ત્રણ વાર ગણતરી કરી દીધી. ઘરખર્ચ દર્શાવીને ડબલ કપાત કરવામાં આવી પગારમાંથી ઘરખર્ચ પેટે 30% નો કાપ મુક્યા બાદ પણ સ્ટેટમેન્ટ-D માં ફરીથી ઘરખર્ચ દર્શાવીને ડબલ કપાત કરવામાં આવી. સગાંઓ તરફથી મળેલા ભેટના સોગંદનામા અને અમરેલીના પરિવાર તરફથી મળેલા નાણાં આશરે 53 લાખના પુરાવા ધ્યાને ન લેવાયા. વળી 2015 ની FIR બાદ ચાર્જશીટ ફાઇલ કરવામાં 6 વર્ષ જેટલો બિનજરૂરી વિલંબ થયો હતો. અરજદાર સામે પ્રથમ દર્શનીય ગુનો સરકારી વકીલે દલીલો કરી હતી કે અરજદાર સામે પ્રથમ દર્શનીય ગુનો બને છે. રોકાણો, બેંક ખાતાઓમાં જમા થયેલી રોકડ રકમો, અને લોન કે ભેટના નામે રજૂ કરાયેલા દસ્તાવેજોની સત્યતા તપાસવાનો અધિકાર માત્ર ટ્રાયલ કોર્ટને છે. કલમ 482 હેઠળ હાઈકોર્ટે મિની ટ્રાયલ ન કરવી જોઈએ કે હિસાબી ઓડિટ ન કરવું જોઈએ. ફરિયાદ પાછળનો અંગત દ્વેષ ગૌણ બની જાય છે કોર્ટે નોંધ્યું હતું કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગુનાઓમાં જો સ્વતંત્ર પુરાવાઓથી ગુનો બનતો હોય, તો ફરિયાદ પાછળનો અંગત દ્વેષ ગૌણ બની જાય છે. તપાસ એજન્સી શંકાસ્પદ સમયગાળા આધારે ચેક પીરિયડ નક્કી કરી શકે છે. જો અરજદાર પાસે 2000 પહેલાની બચત હોય, તો તે સાબિત કરવાની જવાબદારી ભારતીય પુરાવા અધિનિયમની કલમ 106 હેઠળ અરજદારની પોતાની રહે છે, જે ટ્રાયલ દરમિયાન સાબિત કરવાનું રહે છે. હિસાબી વિસંગતતાઓ એ જટિલ નાણાકીય પુરાવાનો વિષય મ્યુચ્યુઅલ ફંડ્સનું રોટેશન, રીડીમ કરેલી રકમો, ડબલ ગણતરી કે હિસાબી વિસંગતતાઓ એ જટિલ નાણાકીય પુરાવાનો વિષય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર હાઈકોર્ટ કલમ 482 હેઠળ ઓડિટર તરીકે કામ કરી શકતી નથી. તપાસ દરમિયાન ખાનગી વ્યક્તિઓ દ્વારા અપાયેલા ભેટ અંગેના સોગંદનામા એ આપોઆપ આખરી પુરાવો બની જતા નથી. સાક્ષીઓએ કોર્ટમાં આવીને જુબાની આપવી પડે અને તેમની ઊલટતપાસ થાય ત્યારે જ તેની સત્યતા નક્કી થાય છે. હાઈકોર્ટે અરજદારની અરજી નકારી નાખી ચાર્જશીટ દાખલ થઈ ગયા પછી જો પ્રાથમિક આધાર મળી આવતો હોય, તો કેસ રદ કરવાને બદલે આરોપીએ ટ્રાયલ કોર્ટ સમક્ષ જઈને ડિસ્ચાર્જ અરજી અથવા ટ્રાયલનો સામનો કરવો જોઈએ. હાઈકોર્ટે અરજદારની અરજી નકારી નાખી હતી. તેમજ ACB કોર્ટ અમદાવાદને કાયદા મુજબ આગળ ચલાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar