crime
દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો:દમણથી સુરત જતી કાર આમડપોર પાસે આઈસર ટેમ્પો સાથે અથડાઈ, ડ્રાઈવર ફરાર
તહેવારોની મોસમ નજીક આવતાં જ દક્ષિણ ગુજરાતમાં બુટલેગરો સક્રિય બન્યા છે અને દારૂની માંગ સામે સપ્લાય ચેઈન વધારી દીધી છે. દરમિયાન, નવસારી જિલ્લામાંથી પસાર થતા NH-48 પર દમણથી સુરત તરફ દારૂ ભરીને જઈ રહેલી એક સ્વિફ્ટ કારને અકસ્માત નડ્યો હતો. પોલીસથી બચવા માટે ઓવરસ્પીડમાં દોડી રહેલી આ કારે આમડપોર પાસે એક આઈસર ટેમ્પોને ટક્કર મારી હતી. દક્ષિણ ગુજરાતમાં દારૂ મંગાવવા માટે સેલવાસ અને દમણ મુખ્ય વિકલ્પો છે. દમણથી સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને તેને સંભવિત રીતે સુરત લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસ પકડથી બચવા અને વહેલી તકે માલ પહોંચાડવા માટે કાર ચાલક ખૂબ જ ઓવર સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો. આ દરમિયાન, નવસારી જિલ્લાની હદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આમડપોર ગામ પાસે કાર ચાલકે આગળ જઈ રહેલા આઈસર ટેમ્પોને જોરદાર ટક્કર મારી દીધી. અકસ્માતમાં કારચાલક ઈજાગ્રસ્ત થયો હોઈ શકે છે, પરંતુ તેણે પોલીસ પકડથી બચવા માટે તરત જ કારમાંથી બહાર આવીને નાસી છૂટ્યો. અકસ્માત એટલો જોરદાર હતો કે સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને ગ્રામ્ય પોલીસને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસનો સ્ટાફ તરત જ સ્થળ પર પહોંચી ગયો. અકસ્માતગ્રસ્ત સ્વિફ્ટ કારની અંદર જઈને તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી. કારની અંદરથી બે લાખ રૂપિયાથી વધુ કિંમતનો દારૂનો જથ્થો મળ્યો. પોલીસે 2,62,500 રૂપિયાની કિંમતનો દારૂ અને અંદાજે 1.50 લાખ રૂપિયાની કિંમતની કાર મળીને કુલ 4,00,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની સાથે જ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને બુટલેગરનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં તપાસ ચાલુ છે. નોંધનીય છે કે રાજ્યમાં થોડા દિવસો પહેલા જ લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ બની હોવા છતાં, બુટલેગરોમાં પોલીસનો કોઈ ડર ન હોય તેમ દારૂની હેરાફેરીમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી.
Read full article on Divya Bhaskar