crime
રિવ્યૂ બેઠક:ફટાકડાની લારી-તંબુઓથી દુર્ઘટના થશે તો ફાયર, દબાણ અને જમીન મિલકત વિભાગ જવાબદાર
દિવાળીને પગલે ભરચક વિસ્તારોમાં આડેધડ ઊભી કરાયેલી ફટાકડાની લારી-તંબુ મુદ્દે મ્યુ. કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. રિવ્યૂ બેઠકમાં મ્યુ. કમિશનરે સ્પષ્ટ કહ્યું કે, ફટાકડાની લારી કે તંબુઓથી દુર્ઘટના થશે તો સંપૂર્ણ જવાબદારી ફાયરબ્રિગેડ, દબાણ શાખા અને જમીન-મિલકત કોમર્શિયલ વિભાગની રહેશે. ભરચક વિસ્તારોમાં બેરોકટોક 5 હજાર લારી-ગલ્લા અને તંબુ ઊભા કરી ફટાકડાનું વેચાણ કરાઈ રહ્યું છે. જેમાં મોટાભાગે સત્તાવાર પરવાનગી લેવાતી નથી. તેવામાં મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ દુર્ઘટના થશે તો ફાયરબ્રિગેડ જ નહીં પણ દબાણ શાખા અને જમીન-મિલકત કોમર્શિયલ વિભાગ પણ જવાબદાર રહેશે તેવી સ્પષ્ટતા કરતાં અધિકારીઓ દોડતા થયા છે. ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું કે, પોલીસને સાથે રાખી ઘણા દિવસોથી ફટાકડા વેચતી લારી- તંબુ પર તપાસ કરી કાર્યવાહી શરૂ કરાઈ છે. મોડી સાંજે સમા મહેસાણાનગર રોડ પર દબાણો હટાવવાની કાર્યવાહી કરાઈ હતી. ઉપરાંત ગેરકાયદે લગાવાયેલા હોર્ડિંગ્સ પણ તાત્કાલિક હટાવી દેવા મ્યુ. કમિશનરે અધિકારીઓને સૂચના આપી હતી. ગંદકી જોઈ અધિકારીઓનો ઉધડો લીધો મ્યુનિ. કમિશનરને વોર્ડ 7-13માં ગંદકી દેખાતાં અધિકારીઓનો કાન આમળ્યો હતો. તેઓએ તાત્કાલિક સફાઈ કરાવવા સૂચના આપી હતી. સાથે સફાઈમાં બેદરકારી ચલાવી નહીં લેવાય તેવી ચીમકી આપી હતી. મારામારીની ઘટનાની ચર્ચા સુધ્ધાં ન થઈ વોર્ડ 4ના કાઉન્સિલર મયૂર ચોવટિયા અને અધિકારી પ્રકાશ રોહિત વચ્ચે થયેલી મારામારીનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. બેઠકમાં આ ગંભીર ઘટનાની ચર્ચા સુધ્ધાં ન થતાં અધિકારીઓમાં આશ્ચર્ય સાથે નારાજગી જોવા મળી હતી. ભંગાર કૌભાંડમાં સસ્પેન્ડ કરવાની સૂચના આપી અટલાદરા ડમ્પિંગ સાઇટ પાછળ ગોકુલનગર પાસે એકત્ર થતા કચરામાંથી ભંગાર અલગ કરી વગે કરવાના કથિત કૌભાંડનો મામલો બેઠકમાં ઊઠ્યો હતો. મ્યુ.કમિશનરે આ મામલે કડક વલણ અપનાવી જવાબદારી નિભાવવામાં બેદરકારી દાખવનારા સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
Read full article on Divya Bhaskar