crime
પ્રેમલગ્નનો ખાર રાખી નવવધૂના ઘરે લાકડીઓ સાથે ત્રાટકેલા ટોળાનો આતંક:છત્રાલમાં પિયરીયાઓએ હદ વટાવી, હુમલો કરી સ્કોર્પિયોમાં કાકા સહિતના આરોપીઓ ફરાર
ગાંધીનગર કલોલ તાલુકાના છત્રાલ ગામની માવલકૃપા સોસાયટીમાં રવિવારે(20 સપ્ટેમ્બર) રાત્રે પ્રેમલગ્નની અદાવતમાં હિંસક હુમલાની ઘટના સામે આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર યુવતી અને તેના સાસરિયાઓ પર યુવતીના કાકાના મિત્રો અને અજાણ્યા શખસોએ લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર થી પાંચ શખસો વિરુધ ગુનો નોંધવામાં આવ્યો છે. બ્લેક સ્કોર્પિયો આવીને હુમલાખોરોએ ધમાલ મચાવી કલોલના છત્રાલમાં 23 વર્ષીય નિકીતા પટેલે ગત 13 માર્ચના રોજ પરિવારની મરજી વિરુદ્ધ જઈને દીવ્યાંગ રજનીશભાઈ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ નવદંપતી છત્રાલ ખાતે સાસરીમાં રહેતું હતું. ગઈકાલે રાત્રે નિકીતા તેના સાસુ સુનિતાબેન અને સસરા રજનીશભાઈ સાથે ઘરમાં જમવા બેઠી હતી. ત્યારે નંબર પ્લેટ વગરની કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં આવેલા હુમલાખોરોએ ધમાલ મચાવી હતી. યુવતીને બળજબરીથી પોતાની સાથે આવવા દબાણ કર્યું જે પૈકી મોઢે રૂમાલ બાંધેલા એક અજાણ્યા શખસ સાથે ઘરમાં ઘૂસેલા શંભુજી ઠાકોર (રહે. ધોળાકુવા) અને મુકેશભાઈ જીવાભાઈ વાણવોટીયાએ (રહે. મોટા કાલાવડ, ભાણવડ, દેવભૂમિ દ્વારકા) નિકીતા સાથે જપાજપી કરી હતી. હુમલાખોરોએ યુવતીને બળજબરીથી પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું. 'તારા છોકરાને કહી દે અમારી છોકરી પાછી સોંપી દે નહીં તો બધાને મારી નાખીશું' આ દરમિયાન બચાવવા વચ્ચે પડેલા સાસુ-સસરાને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. એ વખતે પતિ દીવ્યાંગ ઘરની બહારથી આવી પહોંચતા જ હુમલાખોરોએ તેને પણ પતાવી દેવાની ધમકી આપી હતી. સ્થિતિ વણસતી જોઈ સાસુ-સસરા અને પરિવારે ઘરની જાળી બંધ કરી દીધી હતી. જોકે બહાર ઉભેલા અન્ય એક મોઢે રૂમાલ બાંધેલા અજાણ્યા શખસે સસરા રજનીશભાઈને પકડી રાખ્યા હતા અને શંભુજી ઠાકોર તથા તેની સાથેના શખસે લાકડીઓ વડે તેમના પર હુમલો કરી દીધો હતો. અને હુમલાખોરોએ 'તારા છોકરાને કહી દે અમારી છોકરી પાછી સોંપી દે નહીં તો બધાને જાનથી મારી નાખીશું' તેવી ધમકીઓ આપી રાડારાડ કરી મૂકી હતી. હુમલો કરી યુવતીના કાકા સહિતના આરોપીઓ ફરાર જેના પગલે સોસાયટીના રહીશો ભેગા થઈ જતાં તમામ આરોપીઓ કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં બેસીને ભાગી છૂટ્યા હતા. એ ગાડીમાં નિકીતાના સગા કાકા મયુરભાઈ દેવાનંદભાઈ ભુથર પણ બેઠેલા જોવા મળ્યા હતા. જેમના ઈશારે આ સમગ્ર હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસે નિકીતાની ફરિયાદના આધારે મુકેશ વાણવોટીયા, શંભુજી ઠાકોર અને અન્ય અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar