crime
'બાથરૂમ સાફ નહીં કરું' કહેતા સાસુનો પુત્રવધુ પર એસિડ એટેક:પરિણીતાને ગળા અને મોઢાના ભાગે ગંભીર ઈજા, આરોપી પતિની અટકાયત; સાસુ-સસરા અને બે નણંદ ફરાર
વડોદરાના ગોરવા વિસ્તારમાં બાથરૂમ સાફ કરવા માટે એસિડનો ઉપયોગ કરવાની ના પાડતાં સાસુએ ઉશ્કેરાઈ પુત્રવધૂના મોઢા અને ગળા પર એસિડ ફેંક્યું હતું. આ કેસમાં ગોરવા પોલીસે આરોપી પતિની અટકાયત કરી છે. જ્યારે સાસુ-સસરા બે નણંદ પોલીસ પકડથી દૂર છે. આ કેસમાં ગોરવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાસરિયાઓ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસનો આક્ષેપ ગોરવા વિસ્તારમાં પંચવટી સહયોગ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી 26 વર્ષીય પરિણીતાના લગ્ન વર્ષ 2021માં વડોદરાના યુવક પિયુષ દુધરેજીયા સાથે થયા હતા. લગ્ન બાદથી જ સાસુ, સસરા, પતિ અને બે નણંદો નજીવી બાબતોને લઈને તેની સાથે ઝઘડો કરી માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હતા. સાસુ દ્વારા માર મારવામાં આવતો હતો. આ ઉપરાંત નણંદો પતિને તેની વિરુદ્ધ ચઢાવતી હોવાનો તેમજ પરિવારજનો તેના ચારિત્ર્ય અંગે શંકા કરતા હતા. એસિડથી બાથરૂમ સાફ કરવાની ના પાડતા સાસુ ઉશ્કેરાયા આ દરમિયાન 10 સપ્ટેમ્બરના રોજ બપોરે સાસુએ પુત્રવધૂને બાથરૂમ એસિડથી સાફ કરવા કહ્યું હતું. જોકે, પરિણીતાએ પોતાને એસિડથી એલર્જી હોવાથી એસિડથી સફાઈ કરવાની ના પાડી હતી. આ વાતથી ઉશ્કેરાયેલી સાસુ બાથરૂમમાંથી એસિડની બોટલ લઈ આવી હતી અને પુત્રવધૂના ગળાના જમણા ભાગ તથા મોઢા પર એસિડ ફેંકી દીધું હતું. પરિણીતાને ગળા અને મોઢાના ભાગે ગંભીર ઈજા એસિડ પડતાં પરિણીતાને ગળા અને મોઢા પર ગંભીર બળતરા થતાં તેણે પતિને ફોન કરી જાણ કરી હતી. જોકે, પતિ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતાં પિયરમાં પિતરાઈ ભાઈઓની મદદથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર લીધા બાદ પરિણીતા પોતાના વતન સાવરકુંડલા ગઈ હતી અને ત્યારબાદ પરત આવી ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોરવા પોલીસે ફરિયાદના આધારે સાસુ અને પતિ સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. ગોરવા પોલીસે ફરિયાદી મહિલાના પતિ પિયુષભાઈ ગણપતભાઈ દુધરેજીયાની અટકાયત કરી છે. આરોપીઓના નામ આરોપી પતિની અટકાયત કરી છે: ACP ACP આર. ડી. કવાએ જણાવ્યું હતું કે, સાસુએ ઉશ્કેરાટમાં આવીને પુત્રવધૂ પર એસિડ છાંટ્યું હતું. આ ગંભીર ઘટના છે. એસિડ સંબંધિત ગુનાને હળવાશથી ન લઈ શકાય. આરોપી પતિની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સાસુ-સસરા અને બંને નણંદની અટકાયત કરવાની બાકી છે. આ કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar