crime
સુરતમાં 'આપ'ના મહિલા નેતાની માતાનો આપઘાતનો પ્રયાસ:નારી હુંકાર સંમેલનમાં ભીડ ભેગી કરવા બાબતે દીકરીએ ટોણા મારતાં અનાજમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી
સુરતમાં આમ આદમી પાર્ટીના એક મહિલા નેતાના ઘરે પારિવારિક વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. લસકાણામાં રહેતા અને ગત મહાનગર પાલિકાની ચૂંટણીમાં એમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી ચૂકેલા મહિલા નેતાની 55 વર્ષીય માતાએ અનાજમાં મૂકવાની ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ લસકાણા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. સંમેલનમાં ભીડ ભેગી કરવા મુદ્દે દીકરી સાથે તકરાર થઈ ગત શનિવારે(22 ઓગસ્ટ) આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં 'નારી હુંકાર મહિલા સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન સફળ બનાવવા અને મોટી સંખ્યામાં મહિલાઓને એકત્રિત કરવા માટે આપ મહિલા નેતાએ પોતાની માતા પર દબાણ કર્યું હતું. જોકે, માતાએ મહિલા મંડળની મીટિંગ અને ભીડ ભેગી કરવા બાબતે પોતાની અસમર્થતા દર્શાવતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. 'તમે મારું સારું નથી ઈચ્છી શકતા' કહીને દીકરીએ ટોણા માર્યા હોસ્પિટલમાં સારવાર બાદ બીજા દિવસે ભાનમાં આવેલા 55 વર્ષીય વૃદ્ધાએ પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન નોંધાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સંમેલન બાબતે થયેલી તકરાર દરમિયાન દીકરીએ આવેશમાં આવીને "તમે મારું સારું નથી ઈચ્છી શકતા" અને "હું તમારી દીકરી છું કે નહીં" જેવા મહેણાં-ટોણા માર્યા હતા. દીકરીના આ શબ્દોથી અત્યંત દુઃખી અને ગુસ્સે થઈને તેમણે આવેશમાં આવી ઘરમાં પડેલો ઘઉંમાં નાખવાનો સેલફોસ પાઉડર ગટગટાવી લીધો હતો. ગંભીર હાલતમાં ICUમાં ખસેડાયા, ગુનો નોંધાયો ઝેરી દવા ગટગટાવી લેતાં વૃદ્ધાની તબિયત લથડી હતી, જેથી પડોશીઓ તાત્કાલિક તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમની ગંભીર સ્થિતિને જોતા આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે લસકાણા પોલીસે હોસ્પિટલ પહોંચી વૃદ્ધાનું નિવેદન નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ જાણવાજોગ નોંધ દાખલ કરી હતી.
Read full article on Divya Bhaskar