crime
વોરાબજારમાં હેડ કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કરનાર શખ્સ ઝડપાયો:બુલેટ ધીમે ચલાવવા અને વધુ અવાજવાળું સાયલેન્સર બદલવા સૂચના આપતાં તેની દાઝ રાખી હુમલો કર્યોં
ભાવનગરના વોરાબજારમાં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કરનાર શખ્સ ઝડપાયો છે. બુલેટ ધીમે ચલાવવા અને વધુ અવાજવાળું સાયલેન્સર બદલવા સૂચના આપતાં જેની દાઝ રાખી ધાકધમકી આપી હુમલો કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે કરચલિયા પરાના શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શું છે સમગ્ર ઘટના? ભાવનગર સીટી ટ્રાફિક પોલીસ શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વ્રનિત બાલુ સોઢાતરે તા. 27 ઓક્ટોબરના ગંગાજળિયા પોલીસ મથકમાં મયંક ઉર્ફે મયુ મનીષ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઇ કાલે તેઓ ટ્રાફિક નિયમન અંગેની સરકારી ફરજમાં હતા. તે દરમિયાન આરોપી મયંક ઉર્ફે મયુ મનીષ ચૌહાણ ખારગેટ ખાતે બુલેટ લઈને નીકળ્યો હતો, તેઓએ તેને બુલેટ ધીમે ચલાવવા તેમજ સાયલેન્સરનો અવાજ ખુબ જ હોવાથી સાયલેન્સર બદલાવવા માટે સુચના આપી હતો. છરી વડે જીવલેણ હુમલો કર્યો જે વાતની દાઝ રાખી ગતરોજ બપોરના સાડા બારેક વાગ્યે તેઓ શહેરના વોરાબજારના નાકે તેની ફરજ ઉપર હતા તે સમયે આરોપી મયંક છરી સાથે ત્યાં આવી તેમને તથા ટ્રાફિક બ્રિગેડના સ્ટાફને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેમની ચાલુ ફરજ દરમિયાન છરી વડે જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જે બનાવ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગંગાજળીયા પોલીસ મથકના પીઆઇ આર.બી.ચૌહાણની સૂચના અન્વયે ગંગાજળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી મયંકને ઝડપી પાડી તેની વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar