top
નાનીપાળીયાળી નજીક પીકઅપ અને બાઈક વચ્ચે અકસ્માત:પાલીતાણાથી બાઈક પર ઘરે જઈ રહેલા વૃદ્ધ દંપતિને અડફેટે લીધું, પતિની નજર સામે પત્નીનું મોત
પાલીતાણામાં હોસ્પિટલનું કામ પતાવી વૃદ્ધ દંપતિ પોતાના ગામ નાના રાજસ્થળીએ જઈ રહ્યુ હતું, ત્યારે નાની પાળીયાળી, શેત્રુજી ડેમ વિસ્તારમાં પહોંચતા બોલેરો ચાલકે તેઓને અડફેટે લીધા હતા. જેથી અકસ્માત સર્જાતા દંપતિને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં મહિલાનું સારવાર દરમિયાન મૃત્યું નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વૃદ્ધએ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ફરાર પિકઅપ વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પૂરઝડપે બોલેરો ચલાવી બાઈકને ટક્કર મારી પાલીતાણાના નાની રાજસ્થળી ગામે રહેતા 70 વર્ષીય શિબા લવજી લુખીએ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં બોલેરો પીકઅપ નંબર GJ-04-W-5829ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ અને તેના પત્ની સમજુબેન બન્ને પાલીતાણા હોસ્પિટલના કામ સબબ ગયા હતા ત્યા કામ પુરુ કરી પોતાના બાઈક લઈને પોતાના ગામ જવા નિકળ્યા હતા. આ દરમિયાન સવારે 11 30 કલાકના સુમારે તેઓ પાલીતાણાના નાની પાળીયાળી ગામ નજીક શેત્રુજી ડેમ વિસ્તારમાં પહોંચતા પાછળથી આવી રહેલા બોલેરો પીકઅપના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી તેના બાઈક સાથે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતબાદ વાહન ચાલક ફરાર થયો જે બાદ અકસ્માત સર્જી પોતાનું વાહન સ્થળ પર છોડી નાસી છૂટ્યો હતો. જ્યારે તેઓ અને તેના પત્ની સમજુબેનને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે પાલીતાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના ડોકટરે તેના પત્નીને મૃત જાહેર કર્યા હતા. પતિની નજર સામે જ અકસ્માતમાં પત્નીનું મોત નિપજતા ભારે અરેરાટી છવાઈ ગઈ હતી. આ બનાવ સંદર્ભે પાલીતાણા રૂરલ પોલીસે ફરાર પીકઅપ ચાલક સામે BNS એક્ટ 281, 106(1), 125(A), 125(B), મોટર વાહન અધિનિયમ 177, 184, 134, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
Read full article on Divya Bhaskar