politics
નર્મદા પોલીસે ગણેશ વિસર્જન માટે આયોજકો સાથે બેઠક કરી:કૃત્રિમ તળાવમાં જ વિસર્જન થશે, 10 ફૂટથી ઊંચી મૂર્તિઓને આવતા વર્ષે પરવાનગી નહીં મળે
રાજપીપળામાં ગણેશ વિસર્જન શાંતિથી થાય તે માટે નર્મદા પોલીસે ગણેશ મહોત્સવના આયોજકો સાથે એક બેઠક કરી હતી. નર્મદા જિલ્લા અને રાજપીપળા શહેરમાં 500થી વધુ ગણેશ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. રાજપીપળામાં 15થી 20 મોટા સ્થળો પર મોટી મૂર્તિઓનું સ્થાપન થયું છે. બેઠકમાં આયોજકોએ કૃત્રિમ તળાવને બદલે નદીમાં મૂર્તિ વિસર્જન કરવાની માંગ કરી હતી, પરંતુ પાલિકા અને પોલીસે આ માંગને માન્ય રાખી ન હતી. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી કે, આ વર્ષે 10 ફૂટથી ઊંચી મૂર્તિઓ ચલાવી લેવામાં આવશે, પરંતુ આવતા વર્ષે આવી મૂર્તિઓ લાવનારાઓને પરવાનગી મળશે નહીં. પોલીસે જણાવ્યું કે, વિસર્જન દરમિયાન દારૂ પીધેલા લોકોની જવાબદારી જે તે મંડળના આયોજકોની રહેશે. આવા લોકોને પકડવા માટે અલગ ટીમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, વિસર્જનમાં કોઈ પણ ફાયર ઇવેન્ટ કરી શકશે નહીં. ડીજેમાં વધારે અવાજ કરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. નિયમ કરતાં વધુ અવાજ કરનારા ડીજે તાત્કાલિક જપ્ત કરવામાં આવશે અને આયોજકો તેમજ ડીજે સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. નર્મદા પોલીસ વડાએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની વાત કરી અને મંડપ આયોજકોને સહકાર આપવા વિનંતી કરી. તેમણે ગણેશ મહોત્સવ શાંતિથી અને ઉત્સાહથી ઉજવી, ગણપતિ દાદાને પણ શાંતિથી વિદાય આપવા કહ્યું. પાલિકાના ચીફ ઓફિસર વૈશાલી વરિયાએ કૃત્રિમ તળાવમાં મૂર્તિ વિસર્જનના વિરોધ અંગે જણાવ્યું કે, આ વર્ષે કૃત્રિમ તળાવને પૂરતું ઊંડું અને પાણીથી ભરીને શાંતિપૂર્ણ વિસર્જન કરાશે. તેમણે ગણપતિ દાદાનું વિસર્જન ફૂલોથી કરવા અને પ્લાસ્ટિકની પટ્ટીઓનો ઉપયોગ ટાળવા પણ અપીલ કરી, કારણ કે તેનાથી સફાઈમાં મુશ્કેલી પડે છે. આ બેઠક રાજપીપળાના ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. જેમાં પોલીસ વડા વિશાખા ડાબરાલ, ડી.વાય.એસ.પી. રાજેન્દ્ર દેવધા, LCB પીઆઈ આર.બી ચૌધરી, ટાઉન પીઆઈ એસ.કે ગામીત અને પાલિકાના ચીફ ઓફિસર વૈશાલી વરિયા સહિત ઘણા ગણેશ મંડપના આયોજકો હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar