crime
નવા નરોડાની 'નિલકંઠ કોમ્યુનિકેશન'નું સર્વર હેક:ભેજાબાજોએ વેપારીના સર્વરની C-Panel હેક કરી વોલેટમાંથી ₹43.57 લાખ ચાંઉ કર્યા
અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સર્વિસ પૂરી પાડતી એજન્સીના સર્વરની સી-પેનલ હેક કરીને સાયબર માફિયાઓએ વોલેટમાંથી ₹43,57,000ની જંગી રકમ બારોબાર ટ્રાન્સફર કરી લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ભેજાબાજોએ સર્વરમાંથી મની ટ્રાન્સફર સેવા માટે વપરાતા અત્યંત સંવેદનશીલ API આઈડી અને પાસવર્ડ ચોરી લીધા હતા અને ગણતરીના કલાકોમાં 80થી વધુ ગેરકાયદે ટ્રાન્ઝેક્શન પાર પાડી વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. આ બનાવ સંદર્ભે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ટેકનિકલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નિલકંઠ કોમ્યુનિકેશન દ્વારા 250 રિટેલર્સને અપાતી હતી ઓનલાઇન સેવાઓ વિગતો અનુસાર, નવા નરોડામાં રહેતા 38 વર્ષીય મનીષભાઈ સાવલીયા 'નિલકંઠ કોમ્યુનિકેશન' નામે વ્યવસાય ધરાવે છે. તેઓ પોતાની ખાસ મોબાઇલ એપ્લિકેશન મારફતે વિવિધ વિસ્તારોના 250 જેટલા રિટેલર્સને મની ટ્રાન્સફર, મોબાઇલ-ડીટીએચ રિચાર્જ, લાઈટ બિલ અને ફાસ્ટેગ જેવી ઓનલાઇન નાણાકીય સેવાઓ પૂરી પાડતા હતા. આ એપ્લિકેશન તેમણે અગાઉ લક્ષ્મણસિંહ નામના ડેવલપર પાસેથી ખરીદી હતી, જેના કારણે એપ્લિકેશન જે સર્વર પર હોસ્ટ હતી તેની સી-પેનલના એડમિન આઈડી અને પાસવર્ડ ડેવલોપર પાસે પણ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મની ટ્રાન્સફરની કામગીરી સરળતાથી ચાલે તે માટે સુરતના વરાછા સ્થિત 'એના એન્ટરપ્રાઇઝ' પાસેથી API સર્વિસ લેવામાં આવી હતી. ગ્રાહકના ટ્રાન્ઝેક્શન ફેઈલ થયા અને સમગ્ર ભાંડો ફૂટ્યો ગત 26 સપ્ટેમ્બરના રોજ ગ્રાહક દીપકભાઈએ મનીષભાઈને ફોન કરીને જાણ કરી હતી કે એપ્લિકેશન મારફતે મની ટ્રાન્સફરના ટ્રાન્ઝેક્શન વારંવાર ફેલ થઈ રહ્યા છે. આથી મનીષભાઈએ તાત્કાલિક પોતાનું મુખ્ય સર્વિસ વોલેટ લોગિન કરીને ચકાસતા તેમના હોશ ઊડી ગયા હતા, કારણ કે વોલેટમાં જમા રકમમાંથી લાખો રૂપિયા કપાઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. તેમણે તુરંત જ એપ્લિકેશન ડેવલપર લક્ષ્મણસિંહનો સંપર્ક કરી સર્વર ચેક કરાવ્યું હતું. 80થી વધુ ટ્રાન્ઝેક્શન કરી અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં સેરવી લીધા ડેવલપર દ્વારા સિસ્ટમ એનાલિસિસ કરતાં ખુલાસો થયો હતો કે કોઈ અજાણ્યા સાયબર હેકર્સે સર્વરની સી-પેનલમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી હતી. હેકર્સે સર્વરમાંથી સુરતની પેઢીના API આઈડી અને સિક્રેટ પાસવર્ડ ચોરી લીધા હતા. ત્યારબાદ આ ક્રેડેન્શિયલ્સનો દુરુપયોગ કરી એક પછી એક અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં 80થી વધુ ગેરકાયદે ટ્રાન્ઝેક્શન રન કરીને વોલેટમાંથી કુલ ₹43,57,000 સેરવી લીધા હતા. આ છેતરપિંડી મામલે મનીષભાઈ સાવલીયાએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે અજાણ્યા ભેજાબાજો સામે લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે બેંક ખાતાઓની કડીઓ અને સર્વર આઈપી એડ્રેસના આધારે તપાસ શરૂ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ મહિલા સંપર્કમાં આવી હતી અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલાને અમેરિકા (USA)માં ઊંચા પગારની નોકરી અને વર્ક પરમિટ વિઝા અપાવવાની લોભામણી લાલચ આપી સાયબર ગઠિયાઓએ ₹13,93,000ની જંગી રકમ પડાવી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભેજાબાજોએ ઝૂમ એપ્લિકેશન પર બોગસ ઇન્ટરવ્યુ ગોઠવી અમેરિકાના સરકારી અને કંપનીના અસલી જેવા લાગતા ડઝનબંધ બનાવટી દસ્તાવેજો બનાવી મહિલા સાથે વિશ્વાસઘાત આચર્યો હતો. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. 'માઇકલ કીમ' નામ ધારણ કરી વોટ્સએપ અને ઇમેઇલથી જાળ બિછાવી વિગતો અનુસાર, ખાનપુર ગેટ સામે રહેતા 45 વર્ષીય નીલમ સમીર શેખે ગત 7 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર યુએસએમાં આકર્ષક જોબ અને વર્ક પરમિટ વિઝા આપવા અંગેની એક જાહેરાત જોઈ હતી. વિદેશ જવાની ઇચ્છાથી તેમણે તેમાં આપેલા સંપર્ક નંબર પર વાતચીત કરી હતી. ત્યારબાદ સામે પક્ષેથી અજાણ્યા શખ્સે પોતાનું નામ 'માઇકલ કીમ' હોવાનું જણાવી વોટ્સએપ પર ચેટિંગ શરૂ કર્યું હતું અને અલગ-અલગ ઇમેઇલ આઇડી પરથી પ્રક્રિયા અંગેના પત્રો મોકલવાનું શરૂ કર્યું હતું. બનાવટી DS-160 ફોર્મ અને કોન્સ્યુલર એપોઇન્ટમેન્ટ લેટર મોકલ્યા ગઠિયાઓએ 'કુલસન એન્જિનિયરિંગ' નામની કથિત કંપની વતી નીલમબેનનો ઝૂમ મીટિંગ પર ઓનલાઇન ઇન્ટરવ્યુ ગોઠવ્યો હતો. તેમાં પોતાને એચ.આર. હેડ અને ઇન્ટરવ્યુ ઓફિસર તરીકે રજૂ કરી પૂરો વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ મહિલાને અમેરિકાના બોગસ જોબ ઑફર લેટર, વિઝા માટેનું બનાવટી DS-160 ફોર્મ, મેડિકલ એપોઇન્ટમેન્ટ કન્ફર્મેશન, IC-497 નોટિસ, કરન્સી એક્સચેન્જ લેટર, બાયોમેટ્રિક એપોઇન્ટમેન્ટ તેમજ યુએસ કોન્સ્યુલર ઇન્ટરવ્યુ ડેટ કન્ફર્મેશન લેટર જેવા અધિકૃત દેખાતા દસ્તાવેજો તૈયાર કરીને મોકલી આપ્યા હતા. ₹13.93 લાખ ચૂકવ્યા છતાં વિઝા ન મળતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ તમામ દસ્તાવેજો સાચા હોવાની ખાતરી કરાવીને ઠગ ટોળકીએ પ્રોસેસિંગ ફી, વિઝા ચાર્જ, એમ્બેસી ફી અને અન્ય વહીવટી ખર્ચાઓના નામે અલગ-અલગ તારીખોએ વિવિધ બેંક ખાતાઓમાં કુલ મળીને ₹13,93,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. લાખો રૂપિયા ચૂકવી દીધા બાદ પણ લાંબો સમય સુધી નોકરી કે ઓરિજિનલ વર્ક વિઝા ન મળતાં અને સામે પક્ષેથી રકમ પરત આપવાના બદલે ઉડાઉ જવાબો મળતાં નીલમબેનને પોતે સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થયો હતો. અંતે તેમણે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બેંક ખાતાઓ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read full article on Divya Bhaskar