crime
નવી ગર્લફ્રેન્ડના મોજશોખ પૂરા કરવા એક્સ-ગર્લફ્રેન્ડને બ્લેકમેઈલ કરી:ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગતો વિદ્યાર્થી બોપલમાંથી ઝડપાયો
અમદાવાદના બોપલ વિસ્તારમાં નવી ગર્લફ્રેન્ડના મોજશોખ અને ખર્ચા પૂરા કરવા માટે પૂર્વ ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરી પૈસા પડાવતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. ઈન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આરોપીએ યુવતી સાથે ન્યૂડ વીડિયો કોલ કરી સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું અને બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી માસિક ખંડણીની માંગણી કરી હતી. યુવતીના પરિવારજનોની સતર્કતા બાદ બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આરોપી કર્તવ્ય મણિયારને દબોચી લીધો છે. વીડિયો કોલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી પગ પર નામ લખાવડાવ્યું પોલીસ તપાસમાં જાણવા મળેલી વિગતો મુજબ આરોપી કર્તવ્ય મણિયાર ઈન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, જ્યારે ભોગ બનનાર યુવતી પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે. બંને અગાઉ એક જ સોસાયટીમાં રહેતા હોવાથી પરિચયમાં આવ્યા હતા અને બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો. બ્રેકઅપ થયા બાદ બંને સોશિયલ મીડિયા મારફતે ફરી સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ ઇન્સ્ટાગ્રામ બરાબર ચાલતું નથી તેવું બહાનું બનાવી યુવતીનું આઈડી અને પાસવર્ડ પણ મેળવી લીધા હતા. નવી ગર્લફ્રેન્ડના ખર્ચા માટે માસિક ₹10,000ની ખંડણી માંગી આરોપીએ યુવતી સાથે વીડિયો કોલ દરમિયાન નગ્ન કરાવી, યુવતીના પગના ભાગે પોતાના નામના પહેલા અક્ષર લખાવડાવ્યા હતા. આ દરમિયાન ગુપ્ત રીતે સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ₹4,000 પડાવી લીધા હતા. આરોપીએ રેકોર્ડ કરેલો ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી દર મહિને ₹10,000 ની ખંડણી માંગવાનું શરૂ કર્યું હતું. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીએ અન્ય એક યુવતી સાથે નવો પ્રેમસંબંધ બાંધ્યો હતો. તે નવી ગર્લફ્રેન્ડ પાછળ થતા મોજશોખના ખર્ચા કાઢવા માટે પૂર્વ ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરતો હતો. સતત બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસના કારણે યુવતી ઘરમાં ગુમસુમ રહેતી હતી. પરિવારજનોને શંકા જતાં તેમણે પ્રેમથી પૂછપરછ કરી હતી, જેમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. પરિવારે હિંમત આપી યુવતી મારફતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના સમયમાં આરોપી કર્તવ્ય મણિયારને જેલભેગો કર્યો છે.
Read full article on Divya Bhaskar