crime
ઓડિટ પ્રક્રિયા શરૂ થતાં જ મંત્રી રેકર્ડ મૂકીને ફરાર:ગોરાદ દૂધ મંડળીમાં 20.52 લાખથી વધુની ઉચાપત, ભૂતપૂર્વ મંત્રી અજીતસિંહ ડાભી સામે પોલીસ ફરિયાદ
મહેસાણા તાલુકાના ગોરાદ ગામે આવેલી ‘ધી ગોરાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.’માં નાણાકીય ગેરરીતિ અને વિશ્વાસઘાતનો મોટો પર્દાફાશ થયો છે. મંડળીના તત્કાલીન મંત્રી અજીતસિંહ જવાનજી ડાભી સામે 20.52 લાખથી વધુની રકમની કાયમી અને હંગામી ઉચાપત કરવા બદલ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મંડળીના પ્રમુખ હિતેન્દ્રભાઈ જેઠાલાલ વિઠલદાસ પટેલે કારોબારીની મંજૂરી બાદ આ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઓડિટ પ્રક્રિયા શરૂ થતાં જ મંત્રી રેકર્ડ મૂકીને ફરાર આરોપી અજીતસિંહ ડાભી વર્ષ 2010થી ગોરાદ દૂધ મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા હતા અને મંડળીના તમામ હિસાબો તથા દસ્તાવેજો નિભાવવાની તેમની જવાબદારી હતી. વર્ષ 2022-23 દરમિયાન જ્યારે પ્રમુખ અને ઓડિટર દ્વારા હિસાબી ચોપડા રજૂ કરવા જણાવવામાં આવ્યું, ત્યારે તેઓ એકાઉન્ટન્ટ પાસે હોવાના બહાના બતાવી ચોપડા આપવાનું ટાળતા રહ્યા હતા. આખરે તા. 27 જાન્યુઆરી, 2023ના રોજ ઓડિટ પ્રક્રિયા શરૂ થતાં જ આરોપી મંત્રી રેકર્ડ મૂકીને મંડળીમાંથી ભાગી ગયા હતા. દૂધ સાગરદાણ, ઘી અને રોકડ સિલકની રકમ વાપરી નાખી ઓડિટ દરમિયાન મંડળીના રેકર્ડ અને બિલની ચકાસણી કરતા માલૂમ પડ્યું હતું કે, આરોપી મંત્રીએ દૂધ સાગરદાણ, સાગર ઘી, દૂધ વેચાણની કૂપનોની રકમ તેમજ રોકડ સિલક મળીને કુલ 18,82,425 બેંકમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત વપરાશ માટે વાપરી નાખી કાયમી ઉચાપત કરી હતી. આ ઉપરાંત સાગરદાણના બાકી લેણાં અને અન્ય હિસાબી ગેરરીતિ મળીને 1,70,154ની હંગામી ઉચાપત પણ સામે આવી હતી. ઓડિટ અહેવાલ બાદ કાયદેસરની તપાસ શરૂ આમ, મંડળી સાથે વિશ્વાસઘાત કરી કુલ રૂ. 20,52,582ની રકમની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું 2022-23ના ઓડિટ અહેવાલમાં સ્પષ્ટ થતાં મંડળીની કારોબારી સભામાં કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. મહેસાણા તાલુકા પોલીસે પ્રમુખની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી ભૂતપૂર્વ મંત્રી સામે આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar