crime
પાલડીમાં જાહેરમાં હત્યા કરવાનો કેસ:બે આરોપીઓની જામીન અરજી નકારતી હાઈકોર્ટ, સાક્ષીઓ ઉપર દબાણ કરાઈ રહ્યું હોવાની કોર્ટે નોંધ લીધી
અમદાવાદના પાલડીમાં જાહેરમાં થયેલી હત્યામાં ગુજરાત હાઇકોર્ટમાં આરોપી જયેશ ઠાકોર અને શૈલેષ ઠાકોર દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે નકારી નાખી છે. આરોપીઓ સામે પાલડી પોલીસ મથકે વર્ષ 2025માં હત્યાનો ગુન્હો નોંધાયો હતો. ભાઈની હત્યાનો બદલો લેવા યુવાનની હત્યા કરવામાં આવી'તી 12 સપ્ટેમ્બર 2025ના રોજ મોડી રાત્રે પાલડી પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર હિરલ શોપિંગ સેન્ટર પાસે નૈશલ ઠાકોર નામના વ્યક્તિની ઘાતક હથિયારો વડે ક્રૂર હત્યા કરવામાં આવી હતી. આ હત્યા આરોપી મહેશ ઠાકોરના ભાઈની હત્યાનો બદલો લેવા નૈશલની હત્યા કરવામાં આવી હતી. મૃતક શરીર પર કૂલ 68 જેટલા ઘાના નિશાન મળી આવ્યા હતા. હુમલા બાદ આરોપીઓએ મૃતક પર મારુતિ સ્વિફ્ટ કાર પણ ચઢાવી દીધી હતી. અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે જેથી હવે કોઈ રિકવરી બાકી નથી. FIRમાં તેનું નામ નહોતું પરંતુ સહ-આરોપીના નિવેદન પરથી નામ ઉમેરાયું છે. તેના કપડાં પર લોહીના ડાઘ મળ્યા નથી અને ઘટના સ્થળે તેની હાજરી કે હિંસામાં ભાગ લીધો હોવાના કોઈ સીધા પુરાવા નથી. અન્ય સહ-આરોપીઓને જામીન મળ્યા હોવાથી સમાનતાના ધોરણે જામીન મળવા જોઈએ. સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, અરજદાર ગેરકાયદેસર મંડળીનો સક્રિય સભ્ય હતો અને ગુનાહિત કાવતરામાં સામેલ હતો. ઘટના પહેલા અરજદારે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો અને ઘટના બાદ અન્ય સહ-આરોપી સાથે સંપર્કમાં હતો. CCTV ફૂટેજમાં પણ તેની હાજરી મળી આવી છે. અરજદારના નિવેદન આધારે લોહીના ડાઘ વાળું હથિયાર રિકવર કરવામાં આવ્યું છે. સાક્ષીઓ અને પ્રત્યક્ષદર્શી પર દબાણ લાવવાનો અને તેમને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્ટે જામીન અરજી ફગાવી BNS ની જોગવાઈઓ મુજબ, જ્યારે સમાન ઈરાદાથી જૂથમાં ગુનો આચરવામાં આવે ત્યારે દરેક સભ્યની શારીરિક હિંસા સાબિત કરવી જરૂરી નથી, મંડળીના ભાગ હોવું જ પૂરતું છે. જે સહ-આરોપીઓને જામીન મળ્યા છે તેમનો રોલ માત્ર વાહન કે હથિયાર આપવા પૂરતો હતો, જ્યારે અરજદાર ઘટનાસ્થળે સક્રિય રીતે હાજર હતો, તેથી તેને સમાનતાનો લાભ આપી શકાય નહીં. કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે સાક્ષીઓ પર દબાણ કરવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે, જે જામીન ફગાવવા માટે પૂરતું કારણ છે.
Read full article on Divya Bhaskar