crime
પાટણમાં બોગસ તબીબ ઝડપાયો:ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા શખ્સને SOGએ પકડ્યો, ₹2,809નો મુદ્દામાલ જપ્ત
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામેથી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા એક બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. તાલુકા હેલ્થ કચેરી અને SOG પોલીસની સંયુક્ત ટીમે શૈલેષ શંકરભાઈ રાવળ નામના આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SOG પોલીસ સ્ટાફ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, ચંદ્રુમાણા ગામના બસ સ્ટેન્ડ પાસે કાંતિભાઈ ત્રિભોવનદાસ પટેલના મકાનની ઉપરના ભાગે ભાડે રાખેલી ઓરડીમાં એક શખ્સ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો. આ બાતમીના આધારે તાલુકા હેલ્થ ઓફિસર, ફાર્માસિસ્ટની ટીમ અને પંચોને સાથે રાખીને સ્થળ પર રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઓરડીમાંથી શૈલેષભાઈ શંકરભાઈ રાવળ (ઉંમર 52, રહે. જીવરાજ પાર્ક, પાટણ, મૂળ રહે. ભેમોસણ, તા.જી. પાટણ) નામનો શખ્સ મળી આવ્યો હતો. તેણે તબીબી પ્રેક્ટિસ માટે કોઈ લાયસન્સ કે ડિગ્રી ન હોવાનું કબૂલ્યું હતું અને જણાવ્યું હતું કે તેણે માત્ર ગ્રેજ્યુએશન સુધીનો જ અભ્યાસ કર્યો છે. શૈલેષ રાવળ અનુમાન અને અનુભવના આધારે દરરોજ 20 થી 25 જેટલા દર્દીઓને તપાસીને એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શનો આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. પોલીસે સ્થળ પરથી વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ, સિરપ, ઇન્જેક્શનો અને મેડિકલ સાધનો સહિત કુલ ₹2,809.28 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શૈલેષ રાવળ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 319(2) અને ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 ની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar