crime
ફર્લો પરથી ફરાર કેદી મુંબઈમાંથી ઝડપાયો:બળાત્કાર-પોક્સોના ગુનામાં સજા ભોગવતો આરોપી 7 માસથી ફરાર હતો
બળાત્કાર, અપહરણ અને પોક્સોના ગંભીર ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલો કેદી પ્રકાશ રાવતારામ મકવાણા મહારાષ્ટ્રમાંથી ઝડપાયો છે. ફર્લો રજા પરથી છેલ્લા સાત માસથી ફરાર આ કેદીને ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે પકડી પાડ્યો છે. પોલીસે આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં ગુનો નોંધાયો હતો. આરોપી પ્રકાશ રાવતારામ મકવાણા વિરુદ્ધ IPC કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની કલમ 3(A), 4, 5(L) અને 6 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના ડુંગરી તાલુકાના તાનપી-માધવપુર વિસ્તારનો રહેવાસી છે. વર્ષ 2023માં વેરાવળની સેશન્સ કોર્ટે આરોપીને IPC કલમ 363 હેઠળ ત્રણ વર્ષ, કલમ 366 હેઠળ ત્રણ વર્ષ અને પોક્સોના ગુનામાં 10 વર્ષની સજા ફટકારી હતી. ત્યારથી તે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આરોપીને ફર્લો રજા પરથી તા. 4 જાન્યુઆરી, 2024ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થયો નહોતો અને ત્યારથી ફરાર હતો. LCB અને પેરોલ-ફર્લો સ્કવોડે માનવ સૂત્રો અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા તેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ ટીમે આરોપીના વતન રાજસ્થાનના તાનપી-માધવપુર ખાતે જઈ વેશપલટો કરીને સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પોલીસથી બચવા અલગ-અલગ સ્થળોએ ભટકતો હતો અને પરિવારના માત્ર એક વ્યક્તિ સાથે સંપર્કમાં હતો. તે મહારાષ્ટ્રમાં મજૂરી કરવા ગયો હોવાની કડી મળતાં પોલીસે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પેણ વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં LCB અને પેરોલ-ફર્લો સ્કવોડના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે ફરાર કેદીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar