top
PM મોદીના 25 વર્ષ રાષ્ટ્ર સમર્પણ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’:પાટણ HNGU ખાતેથી બાઇક યાત્રાને મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું; વિવિધ નદીઓનું જળ ભેગું કરી કાશી વિશ્વનાથમાં જળાભિષેક કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતેથી ભવ્ય બાઇક યાત્રાનો પ્રારંભ થયો છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે લીલીઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક યાત્રા કમલીવાડા અને સિદ્ધપુર થઈને વડનગર તરફ રવાના થઈ હતી. યાત્રા દરમિયાન વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. કમલીવાડા ખાતે વૃક્ષારોપણ અને મેડિકલ કેમ્પ પાટણથી શરૂ થયેલી બાઇક યાત્રા કમલીવાડા ગામે પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સ્થાનિક શાળા પરિસરમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર અને અન્ય આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ યોજાયેલા મેડિકલ કેમ્પની મુલાકાત લઈ મંત્રીએ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી અને પોતાના સ્વાસ્થ્યની પણ ચકાસણી કરાવી હતી. નદીઓના જળથી કાશી વિશ્વનાથમાં જળાભિષેક કરાશે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે એક મહિના સુધી રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી પ્રવૃત્તિઓ ચાલશે. બાઇક યાત્રા દરમિયાન ગુજરાતની પવિત્ર નદીઓમાંથી જળ એકત્રિત કરીને વડનગરથી વારાણસી લઈ જવામાં આવશે, જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવને જળાભિષેક કરવામાં આવશે. આ ઉપરાંત 17 સપ્ટેમ્બરે વિવિધ સ્થળોએ મહાઆરતીનું પણ આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં કાર્યકરો અને અગ્રણીઓ જોડાયા આ બાઇક યાત્રામાં યુવાનો અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, સિદ્ધપુર ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, રમેશ સિંધવ તેમજ એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ સહિતના સ્થાનિક અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar