crime
પંચમહાલમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓને 20 વર્ષની સજા:સાયબર ફ્રોડમાં 3ની જામીન અરજી ફગાવાઈ, પોલીસકર્મીના આગોતરા જામીન રદ્દ
પંચમહાલ જિલ્લાની અદાલતે ત્રણ અલગ-અલગ ગંભીર ગુનાઓમાં મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક મહિલા પરના સામૂહિક દુષ્કર્મ કેસમાં હાલોલ એડિશનલ સેશન્સ કોર્ટે 3 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત શહેરા PDC બેંકના ₹3.27 કરોડના સાયબર ફ્રોડ કેસમાં તત્કાલીન બેંક મેનેજર સહિત 3 આરોપીઓની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે, જ્યારે છેતરપિંડીના મામલે એક પોલીસકર્મીની આગોતરા જામીન અરજી કોર્ટે રદ્દ કરી છે. સામૂહિક દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓને 20 વર્ષની કેદ અને દંડ કાલોલમાં મહિલાને પડતર ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરવા, વાંધાજનક ફોટા પાડવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં હાલોલ એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. સરકારી વકીલ એલ.આર. શેઠની દલીલો અને FSL રિપોર્ટના આધારે કોર્ટે આરોપી દીપકસિંહ પરમાર, ભયલુ પરમાર અને ઉમેશકુમાર પરમાર (તમામ રહે. બાકરોલ કાંટાવેડા ફળિયા)ને દોષિત ઠેરવી પ્રત્યેકને 20 વર્ષની સખત કેદ અને ₹25,000ના દંડની સજા ફટકારી છે. દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજા ભોગવવી પડશે. આ કેસમાં સંડોવાયેલા સગીર આરોપી સામે અલગથી કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. PDC બેંકના ₹3.27 કરોડના સાયબર ફ્રોડમાં જામીન નામાંજૂર પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ (PDC) બેંકની શહેરા શાખામાં 4 બોગસ મ્યુલ ખાતાઓ ખોલાવી સાયબર ક્રાઈમની રકમ જમા કરાવવા તેમજ ખોટી સહીવાળા ચેક-સ્લીપ દ્વારા ₹3.27 કરોડ ઉપાડી છેતરપિંડી આચરવાના કેસમાં પંચમહાલ સેશન્સ કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એન.સી. રાવલે સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની દલીલો ધ્યાને લઈ તત્કાલીન બેંક મેનેજર સપન પરીખ, રાહુલ અગ્રવાલ અને પ્રદિપ કોટવાણીની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. ₹5 લાખની છેતરપિંડી કેસમાં પોલીસકર્મીના આગોતરા જામીન રદ્દ ત્રીજા કેસમાં ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં સ્કોર્પિયો ગાડી ગીરો મૂકી ₹5 લાખ લીધા બાદ ગાડી કે નાણાં પરત ન આપી છેતરપિંડી આચરવાના મામલે ગોધરા 'A' ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી પોલીસકર્મી જિતેન્દ્રસિંહ સોલંકીએ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જોકે, સરકારી વકીલ દ્વારા આરોપીના ગુનાહિત ઇતિહાસને રજૂ કરાતાં 6ઠ્ઠા એડિશનલ સેશન્સ જજ આર.એસ. શાહે પોલીસકર્મીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
Read full article on Divya Bhaskar