crime
પંચમહાલમાં ત્રણ ગંભીર ગુનાના આરોપીઓના જામીન નામંજૂર:કોર્ટે પ્રેમ પ્રકરણ, ત્રાસ અને બોગસ દસ્તાવેજ કેસમાં અરજીઓ ફગાવી
પંચમહાલ જિલ્લામાં ત્રણ અલગ-અલગ ગંભીર ગુનાઓમાં આરોપીઓ દ્વારા કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજીઓ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસોમાં પ્રેમ પ્રકરણમાં ખંડણી, પત્નીને ત્રાસ આપી મોત માટે પ્રેરવા અને બોગસ દસ્તાવેજો બનાવવાના આરોપોનો સમાવેશ થાય છે. શહેરામાં પ્રેમ પ્રકરણના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગવા અને હુમલો કરવાના કેસમાં પત્રકાર રમીઝ ઈલ્યાસ શેખ સહિત ત્રણ આરોપીઓના જામીન નામંજૂર થયા છે. આરોપીઓએ અગાઉ ₹25,000 લીધા બાદ વધુ ₹25,000ની ખંડણી માંગી હોવાનો આક્ષેપ છે. ફરિયાદીના ભાઈ પર લાકડીઓથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના આરોપો પણ છે. કોર્ટમાં સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બીજા કેસમાં મોરવા હડફમાં પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાના આરોપસર પતિ રાકેશભાઈ કાન્તીભાઈ બારિઆના જામીન ફગાવાયા છે. પોલીસ ફરિયાદ મુજબ, ત્રાસથી કંટાળીને 7 ફેબ્રુઆરી 2026ના રોજ પત્ની સંગીતાબેન પોતાના પાંચ માસના પુત્ર કીયાન સાથે કૂવામાં પડતાં બંનેના મોત થયા હતા. જ્યારે ત્રીજા કેસમાં ગોધરામાં બોગસ જન્મના દાખલા, સ્કૂલ બોનોફાઇડ સર્ટિફિકેટ તથા નગરપાલિકાના બનાવટી સિક્કા અને સહીઓના કૌભાંડના આરોપી મુસ્તાક મુસા પોલાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. આરોપીઓએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી સરકારી યોજનાઓનો લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. આ ત્રણેય કેસમાં સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરે ગુનાની ગંભીરતા અને રજૂ કરાયેલા પુરાવાઓના આધારે દલીલો કરી હતી. કોર્ટ દ્વારા રજૂ થયેલી દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી છે.
Read full article on Divya Bhaskar