top
પ્રેમિકાએ પ્રેમીની પૈસાની જરુરિયાત સંતોષવા ઘરમાં જ હાથફેરો કર્યો:તિજોરીમાંથી દાદીના 3 લાખના દાગીના ચોર્યા, યુવતીના પિતાએ પોલીસ ફરિયાદની ધમકી આપતા ભાંડો ફૂટયો
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક પરિવારની 18 વર્ષીય યુવતીએ પોતાના પ્રેમીની પૈસાની જરૂરિયાત સંતોષવા માટે પોતાના જ ઘરમાં હાથફેરો કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિવારના મોભી સમા વૃદ્ધાના કબાટમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીના રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ ગયા હતા. પરિવારજનો લાંબા સમય સુધી ઘરેણાં ક્યાંક મુકાઈ ગયા હોવાનું માનીને શોધખોળ કરતા રહ્યા હતા, પરંતુ ઘરની જ દીકરી આ શોધખોળમાં બિલકુલ રસ ન દાખવતી હોવાથી ભાઈ-બહેનને શંકા ઉપજી હતી. આખરે પિતાએ કડકાઈ દાખવી પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપતાં જ યુવતી ભાંગી પડી હતી અને તેણે પોતાના પ્રેમી માટે દાદીના દાગીના ચોરી લીધા હોવાની કબૂલાત કરી હતી. માતાના અવસાન બાદ પરિવાર ઘાટલોડિયા સ્થળાંતર થયો હતો મૂળ બનાસકાંઠાના વતની અને 56 વર્ષીય આધેડ હાલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને સ્થાનિક સ્તરે કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા સમય અગાઉ પત્નીનું અવસાન થતાં વેપારી પોતાના પુત્ર, બે પુત્રીઓ અને વૃદ્ધ માતા સાથે ઘાટલોડિયામાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. પરિવાર જ્યારે વતનમાં રહેતો હતો ત્યારે વૃદ્ધા પોતાની 18 વર્ષીય પૌત્રી પર પૂર્ણ ભરોસો રાખીને તિજોરીમાંથી સોનાના દાગીના મૂકવા કે કાઢવાનું કામ તેને જ સોંપતા હતા. ગત 2 એપ્રિલના રોજ વેપારીનો પુત્ર તિજોરીમાંથી કોઈ ચીજવસ્તુ લેવા ગયો ત્યારે અંદર મૂકેલા દાદીના સોનાના દાગીના ગાયબ જણાયા હતા. દીકરીના ઉડાઉ જવાબોથી શંકા ઘેરાઈ તિજોરીમાંથી દાગીના ગુમ થતાં પુત્રએ પિતા સહિત પરિવારના તમામ સભ્યોને જાણ કરી હતી. પરિવારે શરૂઆતમાં કોઈ અજાણી જગ્યાએ દાગીના મુકાઈ ગયા હોવાનું અનુમાન લગાવીને આખા ઘરમાં ખૂણે-ખૂણે શોધખોળ શરૂ કરી હતી. સતત એક મહિના સુધી શોધવા છતાં દાગીનાનો કોઈ પતો ન લાગતાં પરિવારની ચિંતા વધી ગઈ હતી. આ સમગ્ર શોધખોળ દરમિયાન 18 વર્ષીય દીકરી સહેજ પણ રસ લીધા વગર અલિપ્ત રહેતી હોવાથી અન્ય ભાઈ-બહેનને તેના વર્તન પર શંકા ગઈ હતી. પરિવારે શાંતિથી તેમજ દબાણપૂર્વક પૂછપરછ કરતાં તે સતત ઉડાઉ જવાબો આપીને વાત ટાળવાનો પ્રયાસ કરતી રહી હતી. પોલીસ ફરિયાદની વાત આવતાં જ ભેદ ખુલ્યો દીકરીના શંકાસ્પદ વલણથી કંટાળીને આખરે વેપારી પિતાએ આ મામલે સીધી પોલીસ ફરિયાદ નોંધાવવાની કડક ચેતવણી આપી હતી. પોલીસ ફરિયાદનું નામ સાંભળતાં જ યુવતી ગભરાઈ ગઈ હતી અને રડતાં-રડતાં ચોરીની સમગ્ર હકીકત જણાવી દીધી હતી. તેણે કબૂલાત કરી હતી કે છેલ્લા દોઢેક વર્ષથી તેને જાલમસંગ ઉર્ફે ટીનાજી ઠાકોર નામના યુવક સાથે પ્રેમસંબંધ છે. પ્રેમીને રૂપિયાની તાતી જરૂરિયાત હોવાથી તેણે તિજોરીમાંથી દાદીના આશરે ₹3 લાખની કિંમતના 3 તોલા સોનાના દાગીના ચોરીને તેને આપી દીધા હતા. આ કબૂલાત બાદ પિતાએ પોતાની પુત્રી તેમજ તેના પ્રેમી જાલમસંગ વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરાયેલા દાગીના રિકવર કરવા સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar