crime
પુરી-વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી 4 કિલો ગાંજો ઝડપાયો:SOG અને એન્ટી નાર્કોટિક્સ વિંગના સંયુક્ત ચેકિંગ દરમિયાન સમલાયા સ્ટેશન પાસેથી પસાર થતી ટ્રેનના AC અને જનરલ કોચ વચ્ચેના કોરીડોરમાંથી બિનવારસી બેકપેક મળી
પશ્ચિમ રેલવે વડોદરાની SOG અને એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) દ્વારા સંયુક્ત ચેકિંગ દરમિયાન પુરી-વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી 2.01 લાખ રૂપિયાની કિંમતનો 4.033 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. ટ્રેનમાં બિનવારસી હાલતમાં મળી આવેલી બેકપેકમાંથી આ માદક પદાર્થ મળી આવ્યો હતો. આ મામલે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને અજાણ્યા શખસની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત રેલવે ટ્રેન મારફતે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં નશાકારક અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે PSI એમ.વી. રબારીના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ રેલવે વડોદરાની SOGના પોલીસ કર્મચારીઓ અને ANWની ટીમ પુરી-વલસાડ એક્સપ્રેસમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ટ્રેન સમલાયા રેલવે સ્ટેશન પસાર થઈ રહી હતી ત્યારે આગળના ભાગમાં AC કોચ A/02 અને જનરલ કોચ વચ્ચેની કોરીડોરમાં લાઇટ બ્લુ રંગની શંકાસ્પદ બેકપેક મળી આવી હતી. બેકપેકની તપાસ કરતાં તેમાંથી કુલ 4.033 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ કોઈ અજાણ્યો શખસ પોલીસથી બચવા માટે ગાંજાથી ભરેલી બેકપેક ટ્રેનમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરીને બેકપેક મૂકનાર અજાણ્યા શખસની શોધખોળ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar