top
રાહુલની મહારેલી, મોદીનો વળતો ઘા:કોંગ્રેસની 10 લાખની રેલી ને ભાજપનો કાઉન્ટર પ્લાન, જ્ઞાનેશ મુદ્દો ગરમાયો, 1 નવેમ્બરનો પૂરો પ્લાન
આ દેશના બંધારણે તમને સૌથી મોટી શક્તિ આપી છે મતની. એક મતથી તમે સરકાર બનાવી પણ શકો છો અને પછાડી પણ શકો છો. પણ આ જ અધિકાર તમારી પાસેથી આંચકી લેવામાં આવે તો? ચૂંટણી પંચની SIR પ્રોસેસમાં આવું કરોડો લોકો સાથે થયું હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેના કારણે વિપક્ષ નેતા અને સાંસદ રાહુલ ગાંધી 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં સરકારને સાણસામાં લેવા આંદોલન કરવાના છે. ઈન્ડિયા ગઠબંધનનો શું પ્લાન છે? ભારતની રાજનીતિમાં આનું કેટલું મહત્વ રહી શકે? તેને કાઉન્ટર કરવા ભાજપનો શું પ્લાન છે? આ બધુ તમારે જાણવું કેમ જરૂરી છે? આજે તેની વાત કરીએ… નમસ્કાર… દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી એકવાર લોકશાહી અને સત્તાને લઈને મોટી રાજકીય ટક્કર થવા જઈ રહી છે. કોંગ્રેસ સહિત વિપક્ષી ઈન્ડિયા ગઠબંધને મોદી ગઠબંધન સામે "વોટ બચાવો, દેશ બચાવો"ના બેનર હેઠળ 1 નવેમ્બરથી મહારેલીનું આયોજન કર્યું છે. SIR સામે વિપક્ષના ધારદાર સવાલો આ રેલીના સેન્ટરમાં છે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રોસેસ અને ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર. સર પાછળ ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય હતો કે મતદાર યાદીમાંથી મૃતકો, ડુપ્લિકેટ વોટર્સ અને માઈગ્રેટ થયેલા એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયેલા લોકોના નામની સાફસફાઈ થાય અને મતદાર યાદી પર્ફેક્ટ બને. પણ સરની પ્રોસેસ પાછળ વિપક્ષનો આક્ષેપ છે કે આ પ્રોસેસના નામે અનેક જીવતા અને કાયદેસરના મતદારોના નામ પણ પંચે મતદાર યાદીમાંથી બહાર કરી દીધા છે. સર પ્રોસેસ બંધારણીય જ હતી ને? અહીં સવાલ ખાલી કેટલા નામ કપાયા તે નથી. સવાલ છે કે મતદાર યાદી તૈયાર કરવાની પ્રોસેસમાં કોઈ નાગરિક પોતાના મતાધિકારથી જાણબહાર વંચિત તો નથી રહી ગયા ને? સર પ્રોસેસ થઈ તે બંધારણીય રીતે જ થઈ છે ને? રાહુલ ગાંધીનો ટાર્ગેટ વન મિલિયન આ જ મામલે રાહુલ ગાંધીએ દેશવ્યાપી રાજકીય આંદોલન કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. કોંગ્રેસ આ મહારેલીમાં 10 લાખ લોકો ભેગા થશે એવો ટારગેટ લઈને બેઠી છે. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઈન્ડિયા ગઠબંધનના અનેક નેતા મંચ પરથી સર પ્રોસેસ અને ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવવાના છે. આંદોલનને સફળ કરવા માટે કોંગ્રેસ બીજા વિપક્ષી દળોની પણ મદદ લેવાનું છે. કોક્રોચોનો રાહુલને ફુલ સપોર્ટ જેમ કે મમતા બેનરજી, અખિલેશ યાદવ, ડાબેરી પક્ષો અને આમ આદમી પાર્ટી સહિતના નેતાઓ આંદોલનમાં જોડાવાના છે. આ સુધી તો ઠીક હતું પણ કોક્રોચ જનતા પાર્ટીએ પણ રાહુલ ગાંધીના આંદોલનને સપોર્ટ આપ્યો છે. અભિજીત દીપકેએ આંબેડકરજીના લોકશાહી વિચારોનો ઉલ્લેખ કરીને કહ્યું કે લોકો સરકાર પસંદ કરે, સરકારે પોતાના મતદારો નહીં. મમતા બેનરજીએ કહ્યું છે કે મતદાર યાદીમાં થયેલી ગેરરીતિઓનો જવાબ માંગવાનો હવે સમય આવી ગયો છે. પણ AIMIM આ રેલીથી દૂર રહેવાનું છે, ઔવેસીએ કહ્યું છે કે આ મહારેલીથી અમારે કોઈ લેવાદેવા નથી. વિપક્ષના વધુમાં વધુ લોકો મહાઆંદોલનમાં જોડાય તેની પૂરી જવાબદારી કે. સી. વેણુગોપાલની રહેવાની છે. તેમણે ઘણા દીવસોથી અલગ-અલગ રાજ્યોમાં જઈને વિપક્ષી નેતાઓને મળવાનું પણ શરૂ કરી દીધું છે. આમ, વિપક્ષ આ મુદ્દે સંયુક્ત રાજકીય મંચ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ કોંગ્રેસનો પ્લાન એવો કંઈક છે કે આ મહારેલી ખાલી ભાષણો અને વિરોધ પૂરતી સીમિત ન રહે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષે એગ્રેસિવ એપ્રોચ રાખ્યો છે. સંસદમાં તેમની સામે મહાભિયોગ જેવી પ્રોસેસનો પ્રયાસ સફળ ન થતાં હવે જનતાની અદાલતમાં પ્રતીકાત્મક પબ્લિક ઈમ્પીચમેન્ટ કરવાની રણનીતિ પણ અપનાવવામાં આવી છે. જેમાં પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર અધ્યક્ષતા કરશે અને વિપક્ષી નેતાઓ સાથે મતદાર યાદીમાંથી નામ કપાયા હોવાનો દાવો કરનાર નાગરિકો સાથે વાતચીત પણ કરશે. તો આનો પોલિટિકલ મેસેજ શું હોય શકે? જવાબ છે, વિપક્ષ ચૂંટણી પંચના વડાની વિશ્વસનીયતાને સીધો પડકારવો. કોંગ્રેસની મહારેલી સામે વેપારીઓ મેદાને પણ કોંગ્રેસના પ્લાન સામે દિલ્હીનું વેપારી સંગઠન CTI મેદાને આવ્યું છે. તેમનું કોંગ્રેસને કહેવું છે કે શક્ય હોય તો 10 નવેમ્બર પછી આંદોલન કરે તો વધારે સારું રહેશે. કારણ કે રામલીલા મેદાનની 5 કિલોમીટરની ત્રિજ્યામાં 21 જેટલા મોટા બજારો આવેલા છે. આપણે બધાને ખબર છે કે આ મહિનાની શરૂઆત તહેવારોની છે. ધનતેરસના કારણે આ દિવસોમાં દિલ્લીમાં આશરે 25 હજાર કરોડ રૂપિયાનો વેપાર થવાનો CTIનો અંદાજો છે. રેલીમાં 10 લાખ લોકો અને 15-20 હજાર વાહનો આવે તો ટ્રાફિકના કારણે વેપારીઓને 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે તેવો CTIનો અંદાજો છે. જો કે રાહુલ ગાંધીએ વળતો જવાબ આપતા કહ્યું છે કે મતાધિકાર સુરક્ષિત ન હોય તો વેપાર અને ભવિષ્ય પણ સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે બંધ બધુ સરકારે કરાવ્યું હતું, તમે સરકારને કહીને જ્ઞાનેશ કુમારને હટાવી દો તો 30 સેકન્ડમાં આંદોલન રોકી દઈશું. દિલ્લીના પાટિયા પડી જશે, વાહનોના થોક લાગશે બીજી વાત ટ્રાન્સપોર્ટેશનની પણ સામે આવી રહી છે. આજે દિલ્લીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પંજાબી સિંગર દિલજીત દોસાંજની મ્યૂઝિક કોન્સર્ટ થવાની છે. તેના માટે દિલ્લી પોલીસે અનેક રસ્તાઓ પર ટ્રાફિક રોકી રાખવાનું ફરફરિયું બહાર પાડ્યું છે અને 6 તો ડાઈવર્ઝન પોઈન્ટ બહાર પાડ્યા છે. મેટ્રોની વાયોલેટ અને યલો લાઈન પર મધરાત સુધી ટ્રેન્સ દોડાવાશે અને 2 હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ તહેનાત રાખવામાં આવ્યા છે. અહીં ઈન્ટ્રેસ્ટિંગ વાત એ છે કે રામલીલા મેદાનમાં પ્રદર્શનકારીઓ આવશે તો ચાલીને તો નહીં આવે! તે વાહનો લાવશે તે ક્યાં રખાશે તે જોવાનું રહેશે કારણ કે વાહનો દિલ્લી બોર્ડર બહાર રાખવાની પણ એક વાત છે. રાહુલની મહારેલીમાં પોલીસના કડક નિયમો ટ્રાફિકની વાત થઈ જ રહી છે તો પોલીસની પણ વાત કરી લઈએ. કારણ કે પોલીસે રાહુલ ગાંધીને ધરણા કરવા માટે પરમિશન તો આપી છે પણ નિયમોની ગુલઝાર વરસાવી છે. જેમ કે રેલી સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જ કરી શકાશે. મેદાનોમાં રાત નહીં વિતાવી શકાય, બહાર કૂચ કરવાની પણ મનાહી છે. સુરક્ષા માટે સાડા ત્રણ હજાર જેટલા પોલીસ કર્મચારી હાજર રહેશે અને કોઈ કાંડ ન થઈ જાય તેના માટે સીસીટીવી કેમેરા પણ રાખવા કહેવાયું છે. સૌથી મહત્વની વાત પોલીસના ફરમાનમાં એવી છે કે કોઈ ધર્મ-જાતિ વગેરેને ટારગેટ થાય તેવા ઉશ્કેરણીજનક ભાષણો પણ નહીં આપી શકાય. આટલું જ નહીં પીવાનું પાણી, મહિલાઓ માટે અલગથી ટોઈલેટ રૂમ અને ડ્રેસકોડ સાથે સ્વયંસેવકોની વ્યવસ્થા કરી રાખવા પોલીસે જણાવ્યું છે. પણ કોંગ્રેસની મહારેલી વચ્ચે ભાજપ શું કરી રહ્યું છે? ભાજપ આ લડાઈને સરળતાથી જવા દેવા માગતો નથી. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ પોતાની પોલિટિકલ નિષ્ફળતાને છૂપાવવા માટે ચૂંટણી પંચ જેવી સંસ્થાને નિશાન બનાવી રહી છે. આ સાથે જ ભાજપનો કાઉન્ટર કેમ્પેન છે કે કોંગ્રેસ દેશમાં અરાજકતા ફેલાવે છે. ભાજપે શીખ રમખાણોનો મુદ્દો ઉઠાવ્યો આ વચ્ચે 1 નવેમ્બર પણ રાજકીય વિવાદનું કારણ બની છે. આ દિવસ 1984ના શીખ વિરોધી રમખાણોની વર્ષી છે. ભાજપના નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસે આ સંવેદનશીલ દિવસ જ રેલી માટે કેમ પસંદ કર્યો? ટૂંકમાં વાતત સર પૂરતી સીમિત નથી રહી. એક બાજુ મતાધિકાર અને ચૂંટણી પ્રોસેસની ટ્રાન્સપરન્સીનો મુદ્દો છે તો બીજી બાજુ ભાજપના વળતા પ્રહારો છે. શું ચૂંટણી પંચ ગેરરીતિની જવાબદારી લેશે? પણ આ વચ્ચે એક વાત છે જે આખા વિવાદને કે કોંગ્રેસની રેલીને રાજકીય બાબતથી પણ એક સ્ટેપ ઉપર લઈ જાય છે. જો મતદાર યાદીમાં ખરેખર ગેરરીતિ થઈ રહી હોય તો જવાબદારી કોણ લેશે? ચૂંટણી પંચ? સરકાર કે પછી રાજકીય પક્ષો? અને જો વિપક્ષના આક્ષેપો ખોટા છે તો સાબિત કરવાની જવાબદારી પણ કોની રહેશે? 10 લાખ લોકો જોડાશે પણ ગણિત ખોરવાયું 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં ભીડ કેટલી ભેગી થાય છે તે જોવાનું રહેશે. 10 લાખ એકસાથે આવશે તેવી વાત છે કે આખા આંદોલન દરમિયાન 10 લાખ લોકો જોડાશે તેવું કોંગ્રેસનું ગણિત છે. કારણ કે રામલીલા મેદાનમાં એકસાથે વધુમાં વધુ 1 લાખ લોકો જ સમાઈ શકે તેવી કેપેસિટી છે. તો શું આ લડાઈ ભાજપ-કોંગ્રેસના ઝઘડા પૂરતી સીમિત રહી જશે કે લોકોના મતના અધિકાર પર જ કેન્દ્રીત રહેશે? હાલ આ સવાલોના જવાબ આપવા બહુ જલદી હશે. એક સમય માટે આપણે ભાજપ-કોંગ્રેસને ભૂલી જઈએ. તો સવાલ થાય કે સર પ્રોસેસમાં ખરેખર કેટલા મતદારોના નામ દૂર થયા? શું તે બંધારણીય રીતે દૂર થયા કે બંધારણને બાયપાસ કરીને? ચાલો આંકડાઓથી આખી ગેમ સમજીએ. દાવા કરવામાં આવ્યા છે કે બે તબક્કામાં સર પ્રોસેસમાં 7.2 કરોડ અને ત્રીજા તબક્કામાં વધુ 1.5 કરોડ નામ દૂર થયા છે. જો કે આ આંકડાઓ અલગ તબક્કાઓના છે અને તેમને રાજ્યવાર આંકડાઓ સાથે સીધા ઉમેરીને નવો આંકડો કાઢવો પણ યોગ્ય નહીં ગણાય. સર પ્રોસેસમાં કેટલા લોકોના નામ ઉડ્યાં? છતાં પણ જો રાજ્યવાર સ્થિતિ જોઈએ તો બિહારમાં સર પહેલા 7.89 મતદારો હતા, જે ફાઈનલ પ્રોસેસ પછી 7.42 નોંધાયા હતા. એટલે કે આશરે 47 લાખ નામ ઓછાં થયાં. દિલ્હીમાં 1.45 કરોડની મતદાર સંખ્યા સામે ડ્રાફ્ટ યાદીમાં 97.5 લાખ નામ નોંધાયા હતા. ટૂંકમાં લગભગ 47.6 લાખ નામોનો તફાવત જોવા મળ્યો છે. કર્ણાટકમાં પણ આશરે 99.7 લાખ નામ દૂર થયાનો ઉલ્લેખ છે. પશ્ચિમ બંગાળમાં 27.1 લાખ, કેરળમાં 8.97 લાખ, ગોવામાં 1.27 લાખ અને મેઘાલયમાં આશરે 1.65 લાખ નામો ઓછા થયા હોવાનો અલગ-અલગ રિપોર્ટ્સમાંમાં દાવો કરવામાં આવ્યો છે. અહીં એ વાતનું પણ ધ્યાન રાખવું પડે કે આ દાવાઓ છે, આવું જ થયું એવું ફાઈનલ કન્ક્લુઝન નથી. ચૂંટણી પંચના કારણે મતાધિકાર ગુમાવવાનો ખતરો? પણ આ આંકડાઓ એક વાત પર ધ્યાન ખેંચે છે કે મતદાર યાદીમાંથી નામ દૂર થવાનાં કારણોમાં ખાલી મૃત કે ડુપ્લિકેટ નોંધણી નહીં પણ એબ્સેન્ટ, શિફ્ટેડ, ડેડ જેવી કેટેગરી પણ છે. ટૂંકમાં મતદાર ઘરે ન મળ્યો હોય, સરનામું બદલ્યું હોય અથવા તેની વિગતોમાં કોઈ ભૂલ રહેલી હોય તો તેનું નામ ચકાસણીની પ્રોસેસમાં અસરગ્રસ્ત બની શકે છે. વિપક્ષનો આરોપ છે કે આવી ટેક્નિકલ શ્રેણીઓના કારણે સામાન્ય નાગરિકો પણ મતાધિકાર ગુમાવવાના જોખમમાં મૂકાયા છે. પણ ચૂંટણી પંચના બચાવમાં સૌથી મહત્વનો મુદ્દો છે વિદેશી નાગરિકોના નામ દૂર કરવાનો હેતું. પંચની દલીલ છે કે મતદાર યાદીને શુદ્ધ કરવા માટે મૃત, માઈગ્રેટ, ડુપ્લીકેટ અને વિદેશી નાગરિકોની ઓળખ પણ જરૂરી છે. અહીં એક ઈન્ટ્રેસ્ટિંગ આકડો પણ સામે આવે છે. છ રાજ્યોની સર પ્રોસેસમાં 9.86 કરોડ મતદારોની તપાસમાં 1 હજાર 600 જેટલા શંકાસ્પદ વિદેશી નાગરિકો મળ્યા હોવાનો દાવો છે. SIR પ્રોસેસમાં વિદેશી લોકો ઝડપાયા કર્ણાટકમાં લગભગ 99.7 લાખ નામ દૂર થયાં હોવાના ઉલ્લેખ સામે માત્ર 716 વિદેશી નાગરિકો મળ્યા હોવાનું જણાવાયું છે. ગોવામાં 419, મેઘાલયમાં 2 અને ઝારખંડમાં 3 શંકાસ્પદ વિદેશી નાગરિકો મળ્યા હોવાનો ઉલ્લેખ છે. 1 નવેમ્બરની મહારેલી સાથે આ આંકડાઓને સીધી રીતે કોઈ લેવાદેવા ભલે ન હોય પણ આની સ્વતંત્ર પુષ્ટિ થવી પણ જરૂરી છે. અગાઉની સરથી આ SIR કેવી રીતે અલગ? અગાઉ જ્યારે 2002-2004 વચ્ચે સર પ્રોસેસ થઈ હતી ત્યારે સ્થળાંતર કરનારા મતદારોને નવા સરનામે નોંધવાની સિસ્ટમ હતી. જ્યારે હાલની પ્રોસેસમાં માઈગ્રેટ થયેલા મતદારોના નામ પહેલા દૂર કરીને ફરી નોંધણી કરવાની પ્રોસેસ હોવાનું સામે આવ્યું છે. ખુદ સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચને સવાલ કર્યો છે કે જે ઓલરેડી મતદાર છે તેને નવેસરથી શા માટે મતદાર યાદીમાં જોડાવા માટે પ્રોસેસ કરવાની? ફોર્મ-6 અને 8 મામલે શું બબાલ જામી? આ મામલે જ વિપક્ષનો વિરોધ નામોની સંખ્યાનો નથી રહેતો. વિપક્ષ પૂછે છે કે મતદાર યાદી સુધારવાની પ્રોસેસ નાગરિક માટે કેટલી સરળ અને સમાવેશી છે? નવા નિયમ મુજબ, ફોર્મ છ નવા મતદારોની નોંધણી કરવા માટે રાખવામાં આવ્યું છે. જ્યારે કોઈ મતદાર પોતાનું સરનામું બદલે તો તેના માટે ફોર્મ આઠ છે. પણ સર દરમિયાન ફોર્મ આઠની જગ્યાએ છ ભરાવવા માટેનું દબાણ કરાવવામાં આવે છે. ચૂંટણી પંચની ભૂલનો ભોગ લોકો કેમ બને? એટલે જ 28 ઓક્ટોબર 2026ના સુપ્રીમ કોર્ટમાં આ જ મામલો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે ચૂંટણી પંચને સવાલ કર્યો કે ગણતરી ફોર્મ મતદાર સુધી ન પહોંચે તો તેની સજા મતદારને કેમ? CJIએ કહ્યું કે વહીવટી તંત્રએ મતદારો પોતાની પાસે આવે તેની રાહ જોવાને બદલે તેમના સુધી પહોંચવું જોઈએ. કોર્ટે કહ્યું કે પ્રશાસનની ભૂલને કારણે કોઈ વ્યક્તિનો મતનો અધિકાર કાયમી માટે છીનવી ન શકાય. સુનવણી સમયે ફોર્મ-6,7,8માં કોઈ ફેરફાર ન કરવા અને ફોર્મ-8નો ઓપ્શન અવેલેબલ રાખવા માટે પણ ચૂંટણી પંચને કહ્યું હતું. રાજકારણથી કાનૂની દાયરામાં સુધીની SIRની સફર ટૂંકમાં રાજકીય સાથે આ મામલો હવે કાનૂની તપાસના દાયરામાં પણ આવી ગયો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે સર પ્રોસેસ સમયે ત્રણેય ચૂંટણી કમિશનર્સની સંમતિ લીધી હતી પણ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ બે કમિશનર્સને તો આવા કોઈ નિર્ણયો લેવાયા છે તે છાપામાંથી ખબર પડી. બંનેએ જ્ઞાનેશ કુમાર સામે 14વાર લેટર લખીને વાંધો ઉઠાવ્યો છતાં કોઈ ધ્યાન ન આપવામાં આવ્યું. મતદાર યાદીમાં જ પ્રોબ્લમ હોય તો શું થશે? સામાન્ય રીતે ચૂંટણીની ચર્ચા થાય ત્યારે આપણે ઉમેદવાર, પાર્ટી, પ્રચાર અને મતદાનના દિવસ પર ધ્યાન આપીએ છીએ. પણ ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ એક ઈમ્પોર્ટન્ટ પ્રોસેસ થાય છે, કોણ મત આપી શકશે તેની યાદી તૈયાર કરવી. કહેવાનો મતલબ છે મતદાર યાદી કોઈ સરકારી રજિસ્ટર નથી. તે લોકશાહીમાં લોકોની રાજકીય ભાગીદારીનો એન્ટ્રી પોઈન્ટ છે. જો આ યાદીમાં ભૂલ થાય તો મતદાનના દિવસે ઈવીએમ સામે ઉભા રહીને પણ લોકો પોતાનો મત ન આપી શકે. આ જ કારણ છે કે મતદાર યાદીની ટ્રાન્સપરન્સી ચૂંટણીની નિષ્પક્ષતા જેટલી જ મહત્વની છે. બીજી બાજુ રાહુલ ગાંધી માટે આ મુદ્દો ભાજપ સામે રાજકીય લડાઈ લડવાની સાથે વિપક્ષને એક મંચ પર લાવવાની પણ તક છે. મેદાનની કેપેસિટી 1 લાખ, તો 10 લાખ કેમ ભેગા થશે? પણ આ મહારેલીમાં એક ઈન્ટ્રેસ્ટિંગ વાત નોટ કરી? 10 લાખ લોકો ભેગા કરવાનો કોંગ્રેસનો ટારગેટ છે. આ આંકડો વારંવાર ટીવીમાં અને નેતાઓની પ્રતિક્રિયાઓમાં સાંભળવામાં આવી રહ્યો છે. બની શકે કે આ આંકડાથી ઈન્ડિયા ગઠબંધન પોતાની સંગઠનાત્મક તાકાત, એકતા અને પહોંચ દેખાડવા માગતા હોય શકે. ભાજપે શીખોને રાજનીતિ રમી ભાજપે 1984ના શીખ વિરોધી રમખાણોની વર્ષીને લઈને કોંગ્રેસને ઘેરવાની સ્ટ્રેટેજી બનાવી છે. એટલે કે રેલીમાં રાહુલ ગાંધી કેટલા લોકો લાવે છે તેની સાથે ભાજપના આ રાજકીય હુમલાનો જવાબ કેવી રીતે અપાશે તે પણ જોવાનું રહેશે. એવામાં ત્રણ સવાલો ઉભા થાય છે. 1 નવેમ્બરની રેલીની સફળતા માત્ર રામલીલા મેદાનમાં એકત્ર થનારી ભીડથી નક્કી નહીં થાય. તેની સાચી કસોટી એ હશે કે આ રાજકીય શક્તિપ્રદર્શનથી ચૂંટણી વ્યવસ્થામાં જવાબદારી અને પારદર્શિતા વધે છે કે નહીં. સરકાર કોણ બનાવે તે અધિકાર જનતાનો કારણ કે લોકશાહીમાં સરકાર કોણ બનાવશે તે નક્કી કરવાનો અધિકાર જનતાનો છે. પણ એ અધિકારનો ઉપયોગ કોણ કરી શકશે તેની યાદી તૈયાર કરતી વખતે પણ એટલી જ જવાબદારી અને નિષ્પક્ષતા જરૂરી છે. લોકશાહીમાં માત્ર મતદાન થવું પૂરતું નથી, દરેક લાયક નાગરિકને મતદાન કરવાની તક મળવી પણ એટલી જ જરૂરી છે. અને છેલ્લે… દિલ્હીમાં નેતાઓ મતાધિકાર બચાવવાની વાત કરશે, ત્યારે ગુજરાતમાં એ જ દિવસે નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવાની તક મળશે. કારણ કે ગુજરાતનાં તમામ મતદાન મથકો પર મતદાર નોંધણી માટે વિશેષ કેમ્પ યોજાવાના છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
Read full article on Divya Bhaskar