crime
રાજકોટમાં દિવાળીમાં ચોરી - સાયબર ફ્રોડ અટકાવવા પોલીસ સજ્જ:રોકડ - દાગીના સગા-સંબંધીના ઘરે અથવા બેંક લોકરમાં રાખવા, લકી ડ્રો કે ઓફરમાં ન ફસાવવા અપીલ
રાજકોટ શહેરમાં દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઘરફોડ ચોરી, સાયબર ફ્રોડ, વાહન ચોરી અને સ્નેચિંગ જેવા ગુનાઓ વધવાની શક્યતાઓ રહેતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે તમે જ્યારે હરવા ફરવા માટે જાઓ ત્યારે રોકડ રકમ અને દાગીના સગા-સંબંધીના ઘરે કે બેંક લોકરમાં રાખવા, બહારગામ ફરવા જતી વખતે સોશિયલ મીડિયા પર લાઈવ અપડેટ્સ આપવાનું ટાળવું, કોઈ લકી ડ્રો, દિવાળી ઓફર કે ગિફ્ટના નામે અજાણી લિંક પર ક્લિક ન કરવું અને પોલીસ, સીબીઆઈ કે ઈડીના નામથી ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ કાયદામાં હોતી નથી. તહેવાર દરમિયાન હોટસ્પોટ્સ પર વિશેષ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવશે અને 24/7 સંવેદનશીલ સ્થળો ઉપર બંદોબસ્ત રહેશે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, દિવાળી અને તહેવારોની રજાઓ દરમિયાન નાગરિકો ખરીદી, પ્રવાસ કે ધાર્મિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે. આ સમયગાળા દરમિયાન ઘરફોડ ચોરી, સાયબર ફ્રોડ, વાહન ચોરી અને સ્નેચિંગ જેવા ગુનાઓ વધવાની શક્યતાઓ રહેતી હોય છે. રાજકોટ શહેર પોલીસ વતી નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ બહાર જાવ ત્યારે ઘરના તાળા, બારી, દરવાજા અને કબાટ વ્યવસ્થિત અને યોગ્ય રીતે બંધ કરીને જવા. ઘર બહાર જતી વખતે પડોશી કે કોઈ સગા-સંબંધીને જાણ કરીને જવું. ઘરમાં વધારે માત્રામાં રોકડ રકમ કે દાગીના રાખવાનું ટાળવું અથવા તેમને કોઈ સગા-સંબંધીના ઘરે કે બેંક લોકરમાં રાખવા. જેથી ઘરફોડ ચોરી જેવા બનાવો ન બને. આ સાથે જ તેમને જણાવ્યું હતું કે, બહારગામ ફરવા જતી વખતે સોશિયલ મીડિયા પર લાઈવ અપડેટ્સ આપવાનું ટાળવું. કારણકે આજુબાજુના કે સંપર્કમાં રહેલા લોકોને ખબર પડી જાય છે કે વ્યક્તિ ઘરે નથી. ઘરમાં કે આજુબાજુ સારી ક્વોલિટીના એન.પી.આર. અને નાઇટ વિઝન કેમેરા ઇન્સ્ટોલ કરવા. જેથી ગુના બનવાની સ્થિતિમાં પોલીસને ડિટેક્શનમાં સગવડ રહે. રાજકોટ શહેર પોલીસ દ્વારા આ વખતે પ્રાઇવેટ આઈ.પી. બેઝ્ડ કેમેરાના એક્સેસ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં લેવામાં આવનાર છે. જેથી સોસાયટીના આઈ.પી. બેઝ્ડ કેમેરાનું લાઈવ મોનિટરિંગ કરી શકાય. ભીડભાડવાળી જગ્યાઓ પર જતી વખતે મોબાઈલ, પર્સ કે બાળકોનો ખ્યાલ રાખવો અને વાહન ચોરી અટકાવવા માટે સુરક્ષિત પાર્કિંગ જોઈને જ વાહન પાર્ક કરવું. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, કોઈ લકી ડ્રો, દિવાળી ઓફર કે ગિફ્ટના નામે અજાણી લિંક આવે તો તેના પર ક્લિક ન કરવું અને પોલીસ, સીબીઆઈ કે ઈડીના નામથી ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ કાયદામાં હોતી નથી. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત જ પોલીસની સ્ટેટવાઈડ હેલ્પલાઇન નંબર 112 ડાયલ કરવો. મિલકત સંબંધી ગુનાના હોટસ્પોટ્સ પર વિશેષ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવશે અને 24/7 સંવેદનશીલ સ્થળો ઉપર બંદોબસ્ત રહેશે. તેમણે જણાવ્યું કે, સોની બજારના તમામ વેપારીઓ જેમાં જૂની આંગડિયા પેઢી, જ્વેલર્સ અને કીમતી ઘરેણાંની લેવડદેવડ કરતાં માણસો છે તેમને લોકલ પોલીસ સ્ટેશન દ્વારા જઈને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા છે. જૂના બનાવો બાબતે તમામ પાસેથી સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવ્યા છે અને તેમને સુરક્ષા બાબતે શું શું પગલાં લેવાના રહેશે તે બાબતે સેન્સિટાઈઝ કરવામાં આવ્યા છે. આ સિવાય જે ભીડભાડવાળા એરિયા છે તેમાં ચોરીઓ થાય છે એ બાબતે અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ આપ કોઈ ભીડભાડવાળા એરિયામાં જાઓ ત્યારે પોતાના મોબાઈલ, પર્સ અને કીમતી ઘરેણાની આપ વિશેષ ખાતરી રાખો કેમકે સ્નેચિંગ જેવી બનાવોની શક્યતા ત્યાં વધી જાય છે. જ્યારે અત્યાર સુધી જેટલા બનાવ બન્યા છે એમાં જે આરોપી પકડ્યા છે એના ઉપર જે પ્રિવેન્ટિવ એક્શન લેવાના થાય છે એ અમે લઈશું.
Read full article on Divya Bhaskar