top
રાસોત્સવ : 2026માં આહીર સમાજની સ્વદેશી અપનાવવા અપીલ:સુરેન્દ્રનગરમાં આહીર સમાજ પરંપરાગત વેશભૂષામાં ભક્તિના રંગે રંગાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં આહીર સમાજની ભલે મર્યાદિત વસ્તી હોય, પરંતુ સમાજમાં રહેલી પરસ્પરનો સ્નેહ, એકતા અને બંધુત્વની ભાવના ઉદાહરણરૂપ રહી છે. પોતાના કામકાજ અને સતત વ્યસ્તતામાંથી સમય કાઢીને આહીર પરિવારો અવારનવાર સ્નેહમિલનના કાર્યક્રમો યોજીને પોતાની આગવી ઓળખ અને સંસ્કૃતિને જીવંત રાખે છે. આ જ પરંપરાને આગળ ધપાવતાં સુરેન્દ્રનગરના આંગણે સમર્પણ રેસીડેન્સી ખાતે સતત પાંચમા વર્ષે રાસોત્સવ-2026ની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સમાજના લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા, દેશસેવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા અપીલ કરાઈ હતી. તા. 31 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલા આ સાંસ્કૃતિક પર્વમાં સમગ્ર જિલ્લામાંથી વસેલા આહીર પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શરદોત્સવ નિમિત્તે યોજાયેલા આ રાસોત્સવમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક અર્જુનભાઈ આહીર અને હિનાબેન આહીરના મ્યુઝિકલ ગ્રૂપે સુર-તાલની એવી રમઝટ બોલાવી કે વાતાવરણ વ્રજભૂમિની જેમ કૃષ્ણમય બની ગયું હતું. આ કાર્યક્રમમાં આહીર સમાજના પ્રમુખ જગદીશભાઈ આહીરે જણાવ્યું હતું કે, આહીર સમાજમાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અગાધ શ્રદ્ધા, ભક્તિ રહેલી છે. આ ઉજવણીમાં દરેક વ્યક્તિ કૃષ્ણભક્તિના રંગે રંગાઈ હતી. સમાજ શ્રેષ્ઠી દિપકભાઈ આહીરે આ પ્રસંગને ગોકુળના વ્રજવાસીઓના કૃષ્ણ રાસ સાથે સરખાવ્યો હતો, જ્યારે મંત્રી મહેશભાઈ ચાવડાએ સમાજમાં શિક્ષિત અને બુદ્ધિપ્રતિભા ધરાવતા યુવાનોના વધતા યોગદાનને બિરદાવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સમાજની આહીરાણીઓ દ્વારા કરવામાં આવેલો રાસ હતો. પ્રોફેસર ડૉ. હરેશભાઈ બાંભણીયાના જણાવ્યા અનુસાર, પરંપરાગત આભૂષણો અને આગવા પહેરવેશમાં સજ્જ થઈને બહેનોએ આખી રાત ઉત્સાહભેર રાસ રમીને સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી. આ સિવાય, સુરેન્દ્રનગર મેડિકલ કોલેજના 40થી વધુ તબીબી વિદ્યાર્થીઓ, તબીબો, પ્રોફેસરો, સરકારી અધિકારીઓ તેમજ હળવદ, પીપળા, ઢોરા પીપળીયા, મોટી મજેઠી અને વઢાણી જેવા વિવિધ ગામોમાંથી આવેલા પરિવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સી.યુ. શાહ મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. અશોક નકુમ, સાયલા મામલતદાર રાજુભાઈ બોડભાયા, નિવૃત્ત વન અધિકારી બોગરા સહિત સમાજના અનેક શ્રેષ્ઠીઓ, બિલ્ડરો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું. આ સમગ્ર રાસોત્સવને સફળ બનાવવા માટે મુકેશભાઈ જલુ, પ્રોફેસર ડૉ. વિપુલભાઈ નકુમ, હિતેશભાઈ રામ, ભીમસીભાઈ વરોતરિયા અને પ્રકાશભાઈ બલદાણીયા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
Read full article on Divya Bhaskar