top
₹25 હજારની લાંચ લેતા ક્લાર્ક ACBના છટકામાં ઝડપાયા:જાંબુઘોડા મામલતદાર કચેરીના સુરપાલસિંહ ઝાલા જમીન નોંધના કામ માટે માંગતા હતા પૈસા
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા મામલતદાર કચેરીની એ.ટી.વી.ટી. શાખામાં ફરજ બજાવતા એક ક્લાર્કને ₹25 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે ઝડપી પાડ્યા છે. લુણાવાડા ACBની ટીમે સફળ છટકું ગોઠવી ક્લાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલાને લાંચની રકમ સ્વીકારતા પકડ્યા હતા. મળતી માહિતી મુજબ, એક ફરિયાદીએ જમીન વેચાણથી રાખી હતી. આ જમીનના વેચાણ દસ્તાવેજ માટે જાંબુઘોડા મામલતદાર કચેરીમાં જમીનમાં નામ દાખલ કરવા અરજી કરી હતી. આ જમીનની નોંધ પાડવાના કામ માટે કચેરીમાં ફરજ બજાવતા ક્લાર્ક સુરપાલસિંહ ઝાલાએ ફરિયાદી પાસે ₹25 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. આ ફરિયાદના આધારે લુણાવાડા ACBની ટીમે કાર્યવાહી શરૂ કરી અને છટકું ગોઠવ્યું. આ દરમિયાન ક્લાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલા ₹25 હજારની લાંચની રકમ સ્વીકારતા ACBની ટીમે તેમને પકડી લીધા. આ કાર્યવાહી પછી આરોપી ક્લાર્ક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગોધરા ACB ટીમ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પંચમહાલ જિલ્લામાં લાંબા સમય પછી ACBની આ કાર્યવાહી સામે આવતા સરકારી કચેરીઓમાં લાંચ લેતા કર્મચારીઓમાં ડર ફેલાયો છે.
Read full article on Divya Bhaskar