crime
ડેટિંગ એપ પર ફ્રેન્ડશિપ કરી સુરતી યુવકને ₹5.88 લાખનો ચૂનો:ઈ-કોમર્સમાં નફાની લાલચ આપનાર વારાણસીનો જિમ ટ્રેનર ઝડપાયો, ક્રિપ્ટોકરન્સી થકી રૂપિયા દુબઈ મોકલ્યાનો ઘટસ્ફોટ
ડેટિંગ એપ્લિકેશન મારફતે સંપર્ક કરી સામાન્ય નાગરિકોને ઈ-કોમર્સ બિઝનેસમાં ઊંચા વળતરની લાલચ આપી લાખો રૂપિયા પડાવતા આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટના એક શાતિર સાગરીતને સુરત સાયબર ક્રાઇમ સેલે ઉત્તરપ્રદેશના વારાણસીથી દબોચી લીધો છે. પકડાયેલો આરોપી અબ્દુલ્લા ઉર્ફે સોનુ માઝીદ (ઉં.વ. 32, રહે. જૈતપુરા, વારાણસી) વ્યવસાયે જીમ ટ્રેનર છે અને માત્ર ધોરણ 11 સુધી ભણેલો હોવા છતાં આંતરરાજ્ય છેતરપિંડી નેટવર્કમાં સક્રિય હતો. આરોપીઓએ સુરતના એક ભોગ બનનાર સાથે કુલ 5,88,909ની ઓનલાઇન છેતરપિંડી આચરી આ ગુનો આચર્યો હતો. ડેટિંગ એપ પર સંપર્ક કરી ફેક વેબસાઇટથી શિકાર બનાવ્યો આ ગુનાની મોડસ ઓપરેન્ડી મુજબ, આરોપીઓએ સૌપ્રથમ ડેટિંગ એપ મારફતે ફરિયાદી સાથે સંપર્ક સાધી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ઈ-કોમર્સ વેપારમાં સારો નફો મળશે તેવી લાલચ આપી એક બનાવટી વેબસાઇટની લિંક મોકલી હતી. આ ફેક સાઇટ પર ફરિયાદીનું આઇડી બનાવડાવી અલગ-અલગ બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે કુલ 5,88,909 જમા કરાવી લીધા હતા. બાદમાં કોઈ વળતર કે મૂડી પરત ન મળતાં ભોગ બનનારે છેતરપિંડી અંગે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બેંકમાંથી રૂપિયા વિડ્રો કરી USDT ક્રિપ્ટો દ્વારા દુબઈ ટ્રાન્સફર કરતો પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી અબ્દુલ્લા ઉર્ફે સોનુની અત્યંત મહત્વની ભૂમિકા સામે આવી છે. આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીના બેંક એકાઉન્ટમાંથી ફરિયાદીના 1,77,590 અબ્દુલ્લાએ કમિશન પર મેળવેલા બેંક ખાતાઓમાં CDM મશીન મારફતે ડિપોઝિટ કરાવ્યા હતા. ત્યારબાદ અબ્દુલ્લાએ એટીએમ અને ચેક દ્વારા રોકડ ઉપાડી પોતાનું ₹12,590 કમિશન રાખી લીધું હતું, જ્યારે બાકીના ₹1,65,000ના USDT (ક્રિપ્ટોકરન્સી) ખરીદી દુબઈ સ્થિત ફરાર મુખ્ય સૂત્રધારને ટ્રાન્સફર કરી આપતો હતો. મુંબઈના આરોપી બાદ બીજી ધરપકડ સુરત સાયબર ક્રાઈમ ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે વારાણસી ખાતે છાપો મારી આરોપી અબ્દુલ્લાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં અગાઉ મુંબઈના રહેવાસી ઈમરાન યુસુફ ખીલચી (ઉં.વ. 46)ની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેના એચડીએફસી બેંક ખાતામાં છેતરપિંડીના નાણાં જમા થયા હતા. હાલ પોલીસ આ નેટવર્કના દુબઈ સ્થિત વોન્ટેડ માસ્ટરમાઇન્ડ અને નાસતા ફરતા અન્ય આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી રહી છે.
Read full article on Divya Bhaskar