top
પંચમહાલમાં સ્કોર્પિયો-એનમાંથી ₹8.97 લાખનો દારૂ જપ્ત:સંતરોડ ચોકડી પાસે નાકાબંધી દરમિયાન પોલીસ કાર્યવાહી
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સંતરોડ ચોકડી પાસે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસે સ્કોર્પિયો-એન ગાડીમાંથી ₹8.97 લાખની કિંમતની 3,504 બોટલ દારૂ જપ્ત કર્યો છે. આ સાથે ₹10 લાખની કાર મળી કુલ ₹18.97 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પંચમહાલ-ગોધરા રેન્જ DIG વિધિ ચૌધરી અને SP ડૉ. હરેશભાઈ દુધાતની સૂચનાથી આ કામગીરી કરાઈ હતી. LCB PI એ.બી. વોરાએ દારૂની હેરાફેરી અટકાવવા સ્ટાફને ખાસ આદેશ આપ્યા હતા. પોલીસ હેડ કોન્સ્ટેબલ કૃષ્ણકાંતને સફેદ સ્કોર્પિયો ગાડીમાં દારૂની હેરાફેરી થવાની ચોક્કસ બાતમી મળી હતી. આ દારૂ દાહોદથી સંતરોડ થઈ ગોધરા અને આણંદ તરફ જવાનો હતો. ચોક્કસ બાતમીના આધારે સંતરોડ ચોકડી પર નાકાબંધી બાતમી મળતા જ PSI ડી.એન. પરમાર અને LCB સ્ટાફે સંતરોડ ચોકડી પાસે નાકાબંધી ગોઠવી હતી. પોલીસને જોઈને સ્કોર્પિયો-એન ગાડીના ચાલકે કાર સાલીયા ગામ તરફ ભગાવી દીધી હતી. LCB ટીમે કારનો પીછો કરીને મોરવા હડફ પોલીસને પણ તુરંત જાણ કરી હતી. પોલીસની વોચ દરમિયાન કાર પરબીયા ગામ તરફ જતી મળી આવી હતી. જોકે ચાલક ભગત ફળિયાના સીસી રોડ પર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો પોલીસે બિનવારસી હાલતમાં મળેલી કારની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. જપ્ત કરાયેલા માલમાં રોયલ ચેલેન્જ વ્હિસ્કીની 1,056 બોટલ કિંમત ₹2,94,624 મળી આવી હતી. આ ઉપરાંત ઓલ સીઝન વ્હિસ્કીની 1,536 બોટલ કિંમત ₹4,16,256 જપ્ત કરાઈ હતી. પાર્ટી સ્પેશ્યલ વ્હિસ્કીની 912 બોટલ કિંમત ₹1,87,046 અને ₹10 લાખની કાર પણ કબજે થઈ હતી. ફરાર આરોપીઓ અને દારૂના નેટવર્ક સામે તપાસ આ મામલે કારના ચાલક, કાર માલિક, દારૂ ભરી આપનાર અને મંગાવનાર સામે ગુનો નોંધાયો છે. મોરવા હડફ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે. દારૂની હેરાફેરીના આ સમગ્ર નેટવર્કને ઊંડાળપૂર્વક શોધી કાઢવા વધુ તપાસ ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar