crime
ખાંભામાં RTI માંગનાર હોમગાર્ડ પર હુમલો:ગ્રામપંચાયત બ્લોક રોડની ઇન્કવાયરી દાખલ કરવાના મનદુ:ખમાં 3 ઈસમોએ માર માર્યો
અમરેલીના ખાંભા શહેરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રવીણ ખીમજી સરવૈયા પર વહેલી સવારે જીવલેણ હુમલો થયો હતો. આ ઘટના બાદ તેમને સારવાર માટે પ્રથમ ખાંભા, પછી સાવરકુંડલા અને ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ખાંભા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રવીણ સરવૈયાની ફરિયાદ મુજબ, આ હુમલા પાછળનું કારણ RTI દ્વારા માંગવામાં આવેલી માહિતી અને કોર્ટમાં દાખલ કરાયેલી ઇન્કવાયરી છે. ચાર મહિના પહેલા ભગવતીપરા વિસ્તારમાં મનોજ પીપળીયાના રહેણાંક મકાનથી બાપાસીતારામના ઓટા સુધી ખાંભા ગ્રામપંચાયત દ્વારા શેરીમાં બ્લોકનું કામ મંજૂર થયું હતું, પરંતુ તે કામ થયું ન હતું. આ અંગે પ્રવીણભાઈએ RTI દ્વારા માહિતી માંગી હતી અને કોર્ટમાં ઇન્કવાયરી દાખલ કરી હતી. આરોપીની ભત્રીજી સરપંચ હોવાથી આ બાબતનું મનદુઃખ રાખીને હુમલો કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે, ભરત ભીખુ ખુમાણ, દિલુ ભીખુ ખુમાણ અને એક અજાણ્યા શખ્સ સહિત કુલ ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ લોખંડના પાઇપ વડે પ્રવીણને આડેધડ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમને મારી નાખવાના ઇરાદે હુમલો કરાયો હોવાનું અને જાતિ પ્રત્યે અપમાનિત કરાયા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ખાંભા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar