lifestyle
સાબરકાંઠામાં PMના જન્મદિવસે 6 સ્થળે રક્તદાન કેમ્પ યોજાયા:કુલ 202 બોટલ રક્ત એકત્ર થયું, દરેક સ્થળે રક્તદાન અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી
સાબરકાંઠા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 'સેવા મેરા યોગદાન' અભિયાન હેઠળ છ અલગ-અલગ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં કુલ 202 બોટલ રક્ત એકત્ર થયું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, ગુરુવારે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે મુડેટીમાં 51, ઇડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 55, પ્રાંતિજમાં 26, હરસોલમાં 52, હિંમતનગર અર્બન હેલ્થ સેન્ટરમાં 16 અને ખેડબ્રહ્મામાં 2 યુનિટ રક્ત એકત્ર થયું હતું. આ રીતે કુલ 202 યુનિટ રક્તદાન થયું. આ અભિયાન અકસ્મિક પરિસ્થિતિઓ, સર્જરી અને ગંભીર બીમારીઓમાં સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવા માટે ખૂબ મહત્વનું સાબિત થશે. દરેક સ્થળે રક્તદાન અંગેની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. હિંમતનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા હાજર રહ્યા હતા. તેમણે રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો અને સેવાભાવી કાર્યમાં જોડાયેલા સૌનો આભાર માન્યો. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવા સેવાકીય કેમ્પનું મોટું યોગદાન રહે છે. તેમણે વધુમાં વધુ લોકોને રક્તદાન કરી સમાજસેવામાં જોડાવા અપીલ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, તાલુકા પ્રમુખ હિતેન્દ્ર પટેલ, શહેર પ્રમુખ કુલદીપ પાઠક, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજેશ પટેલ તેમજ નગરપાલિકાના તમામ કોર્પોરેટરો સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar