top
સાંસદ ગોવિંદ ધોળકિયાના દીકરા સાથે 76.44 લાખની છેતરપિંડી કેસ:સ્ટેમ્પ વેન્ડર પતિ-પત્નીની ધરપકડ, જમીનના દસ્તાવેજ માટે ઈ-સ્ટેમ્પ મંગાવ્યા ને લાખો સેરવી લીધા
સુરતમાં રાજ્યસભાના સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે ઈ-સ્ટેમ્પ પેપરના નામે 76.44 લાખની મોટી છેતરપિંડી અને વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે. જમીન ખરીદીના દસ્તાવેજ માટે ઈ-સ્ટેમ્પ આપવાના બહાને નાનપુરામાં લાયસન્સ ધરાવતા જનરલ સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ કિરીટકુમાર મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલાએ આ રકમ મેળવી લીધી હતી. પૈસા પડાવી લીધા બાદ ઈ-સ્ટેમ્પ પેપર ન આપી વિશ્વાસઘાત આચરતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ (DCB) દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી મેવાવાલા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. પલસાણાની જમીન માટે 76.44 લાખ RTGS મારફતે ટ્રાન્સફર કર્યા હતા ઘટનાની વિગત એવી છે કે પલસાણા ખાતે જમીન ખરીદીના દસ્તાવેજ માટે શ્રેયાંશ ધોળકિયાને મોટા મૂલ્યના ઈ-સ્ટેમ્પ પેપરની જરૂરિયાત ઊભી થઈ હતી. આ માટે એસ.આર.કે. (SRK) કંપનીના મેનેજર કનુભાઈ બાલાભાઈ માલવીયા (ઉં.વ. 58) શ્રેયાંશભાઈના ઓથોરાઇઝ્ડ પર્સન તરીકે નાનપુરા ખાતે જૂના સુડા ભવનની બાજુમાં આવેલી સરકારી માન્યતા પ્રાપ્ત સ્ટેમ્પ વેન્ડર સલોની આર. મેવાવાલા અને તેમના પતિ રામકૃષ્ણ મેવાવાલાના સંપર્કમાં આવ્યા હતા. દંપતીએ પૂરો ભરોસો આપતાં ડિસેમ્બર 2025માં કુલ 76,44,900ની રકમ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અર્થે આરોપીઓના ખાતામાં RTGS મારફતે જમા કરાવી દેવામાં આવી હતી. ઈ-સ્ટેમ્પ ન આપ્યા અને પરત મેળવવા આપેલો ચેક પણ બાઉન્સ થયો લાખો રૂપિયા જમા થઈ ગયા બાદ પણ લાંબા સમય સુધી દંપતી દ્વારા ઈ-સ્ટેમ્પ પેપર આપવામાં આવ્યા નહોતા. જ્યારે ફરિયાદી પક્ષે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ઘટસ્ફોટ થયો હતો. આરોપી દંપતીએ આ રકમમાંથી અન્ય ગ્રાહકોને સ્ટેમ્પ પેપર ઇશ્યૂ કરી તેમાંથી ઊભી થયેલી રોકડ રકમ પોતાના અંગત વપરાશમાં વાપરી લીધી હતી. ઠગાઈનો અહેસાસ થતાં જ્યારે પૈસા પરત માંગવામાં આવ્યા ત્યારે આરોપીઓએ આપેલો ₹76.44 લાખનો ચેક પણ બેંકમાંથી બાઉન્સ થઈને પાછો ફર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે BNS હેઠળ ગુનો નોંધી દંપતીને સકંજામાં લીધુ આ સમગ્ર છેતરપિંડી મામલે પોલીસ કમિશનરની મંજૂરી મેળવી સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આર. જે. જાડેજાના જણાવ્યા અનુસાર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2), 316(5) અને 54 હેઠળ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુરુવારે સાંજે ડીસીબી પોલીસે રાંદેર રોડ, શિલ્પી સોસાયટી ખાતે રહેતા રામકૃષ્ણ મેવાવાલા અને સલોની મેવાવાલાની ધરપકડ કરી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. રૂપિયા ક્યાં વાપર્યા તેની સઘન પૂછપરછ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલા લાખો રૂપિયા કઈ-કઈ જગ્યાએ વાપર્યા છે, તે અંગે હાલ પીએસઆઈ ડી. જે. સિસોદિયા દ્વારા રિમાન્ડ મેળવી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, સરકારી એજન્ટ તરીકે જનરલ સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ ધરાવતા આ દંપતી સામે કાયદાકીય ગાળિયો વધુ મજબૂત કરવા માટે તેમનું સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ રદ કરવા સંબંધિત તંત્રમાં રિપોર્ટ કરવાની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar