crime
સાતમા માળેથી પડી જતા યુવાનનું મોત:રાજકોટમાં MTV હોટેલ પાસે જાહેરાતનું બલૂન ફાટતાં 4 દાઝ્યા, દોઢ લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર એમટીવી હોટલ પાસે 31 ઓક્ટોબરના દિવસે શનિવારે સાંજે અગાઉ લગાવવામાં આવેલુ નવરાત્રીના કાર્યક્રમની જાહેરાતનું બલૂન ચાર મજૂરો નીચે ઉતારી તેમાં હવા ભરતાં હતાં ત્યારે તેમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગતાં ચાર મજૂર દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બનાવામાં દોઢ લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા છે તો સાતમા માળેથી પડી જતા યુવાનનું મોત નિપજયુ છે. શહેરના તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કાલાવડ રોડ પર એમટીવી હોટલ પાસે 31 ઓક્ટોબરના દિવસે શનિવારે સાંજે અગાઉ લગાવવામાં આવેલુ નવરાત્રીના કાર્યક્રમની જાહેરાતનું બલૂન ચાર મજૂરો નીચે ઉતારી તેમાં હવા ભરતાં હતાં ત્યારે તેમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગતાં ચાર મજૂર દાઝી ગયા હતા. 38 વર્ષના મુકેશભાઇ ડાયાભાઇ ચુડાસમા, 28 વર્ષીય વિરસિંગ રામપ્રસાદ સિંગ, 30 વર્ષીય બીબલ ખુશરૂ કુશરો અને 30 વર્ષીય બુધીયા લાલુભાઇ કુશરો દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. જે અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી હતી. દોઢ લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા રાજકોટ શહેરમાં આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને યુવાધન નશાગ્રસ્ત ન બને અને નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા માટે પોલીસ સજ્જ છે ત્યારે એરપોર્ટ રોડ પરથી દોઢ લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા છે. જ્યારે પુનિતનગર રોડ પર સાતમા માળેથી પડી જતા યુવાનનું મોત નીપજયુ હતું. રાજકોટ SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે એરપોર્ટ રોડ ફાટકથી આગળ જેૈન દેરાસર રોડ પર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી ઓટો રીક્ષા (નંબર જી.જે.23.ઝેડ. 6613) ને અટકાવી હતી. જેમાંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી. ડ્રગ્સ) નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.1,49,900 ની કિંમતનો 46.70 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. આ સાથે જ રૂ.1,200 ની રોકડ, રીક્ષા અને મોબાઇલ મળી રૂ.3,10,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે 34 વર્ષીય રીક્ષા ડ્રાઇવર સાહિલ ઉર્ફે જાડાબાપુ શફીભાઈ કાદરી અને મજૂરી કામ કરતા રૂમીન ઉર્ફે રૂમલો મયુદ્દીનભાઈ જુણેજાની ધરપકડ કરી હતી. યુવકનું સાતમા માળેથી નીચે પટકાતા મોત રાજકોટના પુનિત નગર રોડ પર વાવડી રાધે એવન્યુ સાઈડ પર રહેતો 30 વર્ષીય નાનેશ ટોલસિંઘ ભુરીયાનું શંકાસ્પદ કે અકસ્માતજનક સંજોગોમાં સાતમા માળેથી પડી જવાથી મોત નીપજ્યું છે. 2 નવેમ્બરના રોજ સવારના 11.30 વાગ્યાની આસપાસ નાનેશભાઈ પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન અચાનક સાતમા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમને તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં ફરજ પર હાજર તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. ગાયત્રીનગરમાં માનસિક અસ્વસ્થતાથી કંટાળી વૃદ્ધાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું શહેરમાં માનસિક અસ્વસ્થતાથી કંટાળી વૃદ્ધાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ગાયત્રીનગર શેરી નં.4/10માં રહેતાં 64 વર્ષીય ભાવનાબેન કિરીટભાઈ સાંચલા નામના વૃદ્ધાએ ગંભીર બિમારી અને માનસિક અસ્વસ્થતાથી કંટાળીને પોતાના જ ઘરે એસિડ પી લીધું હતું. આ આત્યંતિક પગલાથી પરિવારમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક ભાવનાબેનને સંતાનમાં બે પુત્રો છે અને તેમના પતિ હયાત નથી. પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓ લાંબા સમયથી માનસિક અસ્વસ્થતા અને ગંભીર બિમારીથી પીડાતા હતા. જેના કારણે કંટાળીને તેમણે આ દુઃખદ પગલું ભર્યું હતું.
Read full article on Divya Bhaskar