top
સાયબર ક્રાઇમની નવી મોડસ ઓપરેન્ડી:આર્મીના નિવૃત્ત સુબેદાર મેજર સાથે 5 લાખની ઠગાઈ,બેંકિંગ એપ હેક કરી મુંબઈથી સોનાના સિક્કા ખરીદી લીધા
ગાંધીનગરના સરઘાસણ ખાતે રહેતા 75 વર્ષીય ઈન્ડિયન આર્મીના નિવૃત્ત સુબેદાર મેજર સાથે પાંચ લાખ જેટલી ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાયબર ઠગોએ પંજાબ નેશનલ બેંકની મોબાઈલ એપ્લિકેશન હેક કરી ખાતામાંથી આ રકમ મુંબઈના બંધન બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ગોલ્ડ કોઈન વેન્ડિંગ મશીનમાંથી સોનાના સિક્કા ખરીદી રોકડા કરી લેવામાં આવ્યા મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના સરગાસણની શિક્ષાપત્રી સ્કાયલાઈન ખાતે રહેતા નિવૃત્ત આર્મી ઓફિસર આઝાદસિંગ મલિકે પંજાબ નેશનલ બેંકમાં રહેલી રીકરીંગ ડિપોઝીટ પાકતી હોવાથી 23 જૂનના રોજ પોતાના ફોનમાં PNB One એપ્લિકેશન ઓપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એપ્લિકેશનમાં સતત પાંચેક વખત સાચો પાસવર્ડ નાખવા છતાં લોગઈન થઈ શક્યું નહોતું. આથી તેમણે ગુગલ પરથી કસ્ટમર કેર નંબર શોધી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સામેથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. બાદમાં બીજા દિવસે સવારે તેમના મોબાઈલની આખી સ્ક્રીન પર પી.એન.બી. વનના લોગો વાળી ડિસ્પ્લે આવી હતી જેમાં રજિસ્ટ્રેશન લખેલું હતું. તેમણે તેના પર ક્લિક કરતા જ કઈંક ગરબડ હોવાનો અહેસાસ થતાં તરત જ એપ્લિકેશન બંધ કરી દીધી હતી. જોકે તેના થોડા જ સમય બાદ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામે વાળી વ્યક્તિએ એપ્લિકેશનમાં કોઈ પ્રોબ્લેમ છે કે કેમ તેમ પૂછ્યું હતું. મલિકને શંકા જતાં તેમણે કોઈ સમસ્યા નથી તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. પરંતુ મનમાંથી શંકા ન જતાં તેમણે તરત જ પોતાના પરિચિત બેંક અધિકારીનો સંપર્ક કરી ખાતાનું સ્ટેટમેન્ટ ચકાસવા જણાવ્યું હતું. આ ચકાસણી દરમિયાન તેમના ખાતામાંથી રૂ.4,99,990 કપાઈ ગયા હોવાનું માલૂમ પડતાં તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ અંગે તેમણે તુરંત જ સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.જે આધારે ગાંધીનગર સાયબર ક્રાઈમ સેલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. સાયબર સેલની તપાસમાં આઝાદસિંગના ખાતામાંથી ટ્રાન્સફર થયેલી રકમ મુંબઈના શિવાજીનગર ગોવંડી ખાતે આવેલી બહુજન પંચાયત સમિતિ નજીક રહેતી રૂપાલી સિતારામ કામ્બલેના (રહે.બહુજન પંચાયત સમિતી, શાખા નં. 533, ન્યુ ગૌતમ નગર, ગોવન્ડી, પોસ્ટ શિવાજીનગર, મુંબઈ) બંધન બેંકના ખાતામાં ગઈ હતી. આ એકાઉન્ટના ડેબિટ કાર્ડથી તુરંત 2 લાખ એટીએમ મારફતે ઉપાડી લેવામાં આવ્યા હતા.જ્યારે બાકીની રકમમાંથી એસ્પેક્ટ બુલિયન કંપનીમાંથી સોનાના સિક્કા ખરીદવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસે કંપની પાસેથી મેળવેલા સીસીટીવી ફૂટેજમાં મુંબઈના ઈનોરબીટ મોલ ખાતે મૂકવામાં આવેલા ઓટોમેટિક વેન્ડિંગ મશીનમાંથી મોહમ્મદ જુનેદ મુનીર અહેમદ શેખ (રહે.મહમંદ રફી નગર, પાર્ટ-2, બાબે રહેમતનગર મસ્જીદ પાસે, શિવાજીનગર, ગોવન્ડી, મુંબઈ)નામના શખ્સે ગોલ્ડ કોઈન મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી મુંબઈ સ્થિત ઠગ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar