Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

SCના 5 સવાલ ને ચૂંટણી પંચના ધજાગરા:કરોડો લોકોને વોટના ફાંફાં, કોના ઈશારે બદલાયો નિયમ? ફોર્મ-8 ના બદલે ફોર્મ-6નો ફંદો, 2003 પછી સૌથી મોટી રામાયણ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 29, 2026 👁 2 views
SCના 5 સવાલ ને ચૂંટણી પંચના ધજાગરા:કરોડો લોકોને વોટના ફાંફાં, કોના ઈશારે બદલાયો નિયમ? ફોર્મ-8 ના બદલે ફોર્મ-6નો ફંદો, 2003 પછી સૌથી મોટી રામાયણ
તમે સવારે ઉઠ્યા અને તમને ખબર પડી કે તમારો સૌથી મોટો અધિકાર એટલે કે વોટ કોઈ સરકારી બાબુએ નહીં પણ કોમ્પ્યુટર પ્રોગ્રામે રાતોરાત છીનવી લીધો છે તો તમારું રિએક્શન કેવું હોય? સુપ્રીમ કોર્ટમાં અત્યારે એક એવો હચમચાવી દેતો કેસ ચાલી રહ્યો છે જેમાં દિલ્લીના 47 લાખ નાગરિકો અચાનક મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. અહીં દાવ પર તમારી નાગરિકતા છે. તો વિગતે સમજીએ સુપ્રીમ કોર્ટ ધીમેધીમે કેવી રીતે ઈલેક્શન કમિશનના પત્તા ખોલી રહ્યું છે? શું ઈલેક્શન કમિશને જે કંઈ પણ કર્યું કે બંધારણીય હતું કે ગેરબંધારણીય? કોના ઈશારે આખી ગેમ થઈ ગઈ અને ભારતની લોકશાહીની કેવી ફજેતી થઈ રહી છે તેના વિશે. નમસ્કાર... ઓક્ટોબર 2026નો મહિનો ઈલેક્શન કમિશન માટે આબરુના ધજાગરા કરી ગયો. SIR મામલે 5 ઓક્ટોબર, 27 ઓક્ટોબર અને 28 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનાવણી ચૂંટણી પંચ સામે સવાલો ઉભા કરી રહ્યું છે કે તેમણે શું કાંડ કર્યા છે. ચૂંટણી પંચ દેશની બંધારણીય સંસ્થા છે માટે કોઈ જેવી-તેવી વાત નથી કે આવું કંઈ થાય. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ્ટ સૂર્યકાંત, જસ્ટિસ વી. મોહના અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચની વર્કિંગ સિસ્ટમની પોલ ખોલતા સવાલો ઉભા કર્યા છે. અહીં વિવાદના સેન્ટરમાં છે નવા મતદાર તરીકે ફોર્મ-6 ભરવાની ફરજ પાડવી, કાયદા મંત્રાલય કે સંસદની મંજૂરી વગર ચૂંટણી પંચના ઓનલાઈ પોર્ટલ પર ફોર્મ-6માં ફરજિયાત ડિક્લેરેશન ઉમેરવું અને દાવો કરવો કે સુપ્રીમ કોર્ટે આવું કરવા કહ્યું છે અને ત્રણમાંથી બે કમિશનર્સના વાંધા છતાં નિર્ણયો કેમ ધડાધડ લઈ લેવામાં આવ્યા. હવે આખી વાતને સમજવા માટે SIRની શોર્ટમાં ટાઈમલાઈન જાણી લઈએ. અત્યાર સુધી કેટલા રાજ્યો કે કેન્દ્રા શાસિત પ્રદેશોમાં SIR પ્રોસેસ થઈ? દેશમાં કુલ 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના 26 સપ્ટેમ્બર 2026ના ઓફિશિયલ ડેટા મુજબ, 20 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પૂરી થઈ ગઈ હતી, જ્યારે 12 રાજ્ય અને કેન્દ્રાશાસિત પ્રદેશમાં SIR પ્રક્રિયા ચાલુ હતી. તમારે આનાથી શું લેવાદેવા? આ સવાલ બધાને થાય કે સુપ્રીમ કોર્ટ, સરકાર કે ચૂંટણી પંચ ગમે તે લશ્કર લડે, મારે શું? તો હવે ધારી લો કે તમે ગુજરાતના કોઈ શહેરમાં રહો છો. ઉદાહરણ તરીકે સુરતમાં રહેતા હતા અને અમદાવાદમાં તમે રહેવા જતા રહ્યા. તમે બેંકથી લઈને આધારકાર્ડ બધુ જ અપડેટ કરી દીધું. પણ ચૂંટણી પંચનું મોકલેલું ફોર્મ તમારા જૂના ઘરે પહોંચ્યું અને પાછું જતું રહ્યું. તો ચૂંટણી પંચના ચોપડે તમે શિફ્ટેડ કે મૃત જાહેર થઈ ગયા છો. હવે તમારે તમારો મતનો અધિકાર પાછો લેવા માટે નવેસરથી સાબિત કરવું પડશે કે વર્ષ 2023માં મારા માતા-પિતા કે દાદા-દાદી ક્યાં રહેતા હતાં. ફોર્મ 8ની જગ્યાએ ફોર્મ 6 કેમ ભરાવ્યા? આ વિવાદ કોઈ ભૂલથી નામ કપાવાનો નથી પણ સત્તાના કેન્દ્રીકરણનો પણ છે. વર્ષ 2026ની હાલની મતદાર યાદીમાં જે નાગરિકોના નામ બોલે છે તેમને ખાલી એક સરકારી ફોર્મ ન મળવાના કારણે સીધા જ નવા મતદાર ગણી લેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે તેમને સરનામું બદલવા માટેનું ફોર્મ 8 ભરવાના બદલે, બળજબરીથી ફોર્મ 6 ભરવાની ફરજ પાડી છે. તો ભાઈ આ ફોર્મ શું છે? ચાલો તે પણ જાણી લઈએ. સુપ્રીમ કોર્ટે બરાબર સવાલ ઉઠાવ્યો કે શું સરકાર કાયદેસરના નાગરિકો પાસેથી બળજબરીથી ખોટો એકરાર કરાવી રહી છે? માત્ર દોઢ મહિનાના સમયગાળામાં 1.45 કરોડ લોકોને દિલ્હીમાં ફોર્મ મોકલવાનો દાવો થયો છે અને 47 લાખ લોકોના ફોર્મ પાછા ન આવ્યા એટલે તેમનો મતાધિકાર છીનવી લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે મતદાર પોર્ટલમાં શું ગરબડ કરી? એમાં પણ સૌથી ચોંકાવનાર વાત એ છે કે આ બધું જ બંધ બારણે થઈ રહ્યું હતું. દેશના કાયદા મંત્રાલય કે સંસદની કોઈ પણ મંજૂરી વગર ઓનલાઈન પોર્ટલ ECINet પર ફોર્મ નંબર છના નિયમો બદલી નાખવામાં આવ્યા હતા. ખુદ સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી નામના બે ચૂંટણી કમિશનર્સે છેલ્લા 10 મહિનામાં 14વાર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના આ નિર્ણયો સામે લેખિતમાં વાંધો ઉઠાવ્યો હતો કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે બરોબર નથી અને તમારે જે કંઈ પણ કરવું હોય તે કરો પણ બંધારણના આધારે કરો. છતાં તેમનું મંતવ્ય જાણ્યા વગર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એકપક્ષીય રીતે કાળો નિયમ દેશ પર થોંપી દીધો. એવામાં હવે ન્યાયતંત્રએ ચૂંટણી પંચને પૂછ્યું છે કે, “જો તમારી સિસ્ટમ મતદાર સુધી પહોંચવામાં ફેલ રહે તો તેની સજા નાગરિકના મતાધિકારને ખતમ કરીને કેમ આપી દેવાની?” ચૂંટણી પંચ કહે છે કે આ તો માત્ર નિયમિત વેરિફિકેશન છે, પણ સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલા આંકડાઓ કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. આંકડા પરથી જ સમજાઈ જશે કે આ કોઈ સામાન્ય ભૂલ નથી, મોટું બ્લન્ડર હોય શકે છે. એક એવી ગણતરીપૂર્વકની સિસ્ટમ જેમાં સામાન્ય માણસ મફતમાં પિસાઈ રહ્યો છે. દિલ્લીના 47 લાખ મતદારો ક્યાં ગયા? ધારો કે તમે દિલ્લીમાં રહો છો. વર્ષ 2026ની શરૂઆતમાં દિલ્લીની મતદાર યાદીમાં કૂલ 1.45 કરોડ મતદારોના નામ નોંધાયેલા હતા.. એટલે કે આટલા લોકો પાસે કાયદેસર રીતે વોટ આપવાનો અધિકાર હતો. તો ચૂંટણી પંચે શું કર્યું? ખાલી દોઢ મહિનામાં એટલે કે 30 જૂનથી 17 ઓગસ્ટ વચ્ચે ઘરે-ઘરે BLO મોકલ્યા. 31 ઓગસ્ટે નવી મતદાયર યાદી બહાર પાડી. આ ઈલેક્શન વોટર લિસ્ટમાં ધડાકો થયો કે દોઢ કરોડમાંથી ખાલી 97.5 લાખ લોકોના જ નામ બચ્યા હતા. બાકીના 47 લાખ 85 હજાર લોકોના નામ સીધા કાપી નાખવામાં આવ્યા. જેના માટે કારણ શું આપવામાં આવ્યું? હવે વિચારો જે 43.62 લાખ લોકો ઘર બદલીને ગયા છે, શું તે દેશ છોડીને જતા રહ્યા છે? માની લો કે વસંત કુંજથી રમેશ નામનો વ્યક્તિ એક મહિના માટે ગુજરાતના ગાંધીનગરમાં ગયો હોય તો શું તેમનો વોટ કાપી જ નાખવાનો? તેમને સરનામું બદલવાનું ફોર્મ આઠ ભરવાનું હોય છતાં તેમને નવા વોટર તરીકે માનીને ફોર્મ છ ભરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમનું નામ મતદાર યાદીમાં હોવા છતાં. જેનો બચાવ કરતા ચૂંટણી પંચના વકીલ નાયડુએ કહ્યું હતું કે SIRમાં જૂની યાદીમાંથી નામ ન મળે તો તેને નવા મતદારની જેમ ગણવામાં આવે છે. પણ જસ્ટિસ બાગચીએ સવાલ કર્યો કે અંતિમ યાદી જાહેર ન થાય ત્યાં સુધી જૂના મતદારો પાસેથી ફોર્મ-8 કેમ ન સ્વીકારાય? કાયદામાં જૂના મતદારે પોતાને નવો મતદાર ગણાવવો પડે એવી કોઈ જોગવાઈ જ નથી. ચૂંટણી પંચને જજે પોતાનું જ ઉદાહરણ આપ્યું સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આ જ મામલે પંચની ઝાટકણી કાઢતા કહ્યું કે, દિલ્લીમાં લોકો કામ ધંધા માટે ઘર બદલતા રહે છે, તેને કારણે તમે કોઈને ગેરહાજર ગણીને યાદીમાંથી કાઢી ન શકો. જો તમારું ફોર્મ એમના સુધી ન પહોંચ્યું તો એમાં વાંક સિસ્ટમનો છે, લોકોનો નહીં. જસ્ટિસ બાગચીએ પોતાનું જ ઉદાહરણ આપતા જણાવ્યું કે તેઓ પોતે હાલમાં તેમના મૂળ મતવિસ્તારમાં હાજર ન હોવા છતાં કાયદેસર રીતે ત્યાંથી શિફ્ટ થયા ગણાય નહીં. પંચે ફોર્મ ન મળ્યું હોય તેવા નાગરિકો માટે કોઈ રેસિડ્યુઅલ કેટેગરી જ બનાવી નથી અને સીધો જ નાગરિકના અસ્તિત્વ પર સવાલ ઉઠાવીને તેને મતદાર યાદીમાંથી બાકાત કરી દીધો છે. બંગાળમાં એલ્ગોરિધમનો આતંક જો દિલ્લીનો ડેટા તમને મોટો લાગતો હોય તો તમે હજુ પશ્ચિમ બંગાળની વાત તો જાણ્યા જ નથી. અહીં ચૂંટણી પંચે માણસના બદલે સીધું કોમ્પ્યુટર સોફ્ટવેરને જ કામે લગાડી દીધું. પંચના સોફ્ટવેરે લોજિકલ ડિસ્ક્રેપન્સી નામનું બહાનું આગળ ધરીને બંગાળના 60.6 લાખ મતદારોને શંકાસ્પદ જાહેર કરી દીધા. જ્યારે આ લોકોની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી 27 લાખ નામો ઉડાવી દેવામાં આવ્યા. પણ જે 16.10 લાખ મતદારો સાચા સાબિત થયા અને કોર્ટને જજે તેમને મતદાર યાદીમાં પાછા ઉમેરવાનો આદેશ આપ્યો, તેને પણ કાઢી નાખવા માટે ખુદ ચૂંટણી પંચના અધિકારીએ અપીલ કરી. મતદારને બહાર કાઢવાની જીદ કોણે પકડી? સુપ્રીમ કોર્ટમાં પંચે જવાબ ન આપી શક્યું કે કયા અધિકારીએ અને કોના આદેશથી આ સાચા મતદારોને બહાર કાઢવાની જીદ પકડી હતી? સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે તમે તમારી બુદ્ધિ વાપરવાની જગ્યાએ મશીનને જ સર્વોપરી બનાવી દીધું જે નિર્ણય કરે કે કોણ મતદાર હશે અને કોણ નહીં. કોર્ટે પંચને રોકડું પરખાવ્યું કે, "અમે તમને પશ્ચિમ બંગાળમાં માત્ર એક વચગાળાની વ્યવસ્થા તરીકે લોજિકલ ડિસ્ક્રેપન્સીની પરવાનગી આપી હતી. અમે તેની કાયદેસરતા પર હજુ સુધી કોઈ અંતિમ ચુકાદો આપ્યો નથી." ટૂંકમાં બંગાળ મામલે સુપ્રીમ કોર્ટની વ્યવસ્થાને બંદૂક બનાવીને ઈલેક્શન કમિશને બીજા રાજ્યોમાં પણ SIR કરીને ફોડી. આ મામલે સુપ્રીમ કોર્ટ અલગથી ઈલેક્શન કમિશનને ખખડાવશે. આ આખો મામલો દેશબરમાં 13 કરોડ લોકોના નામ કપાવા સાથે જોડાયેલો છે. અહીં ખબર પડી રહી છે કે સિસ્ટમની ભૂલનો પૂરો ભોગ માત્ર આમ આદમી બની રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં હાલ જે દલીલો થઈ રહી છે તે ખાલી ફોર્મ કે નિયમની નથી, વાત છે એવા સરકારી છટકાંની જેમાં સામાન્ય માણસને જ ગુનેગાર બનાવી દેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. આધાર કાર્ડ છે, પણ પિતા-દાદાનું નામ 2003 SIRમાં છે? અત્યારે સૌથી મોટો સવાલ એ ચે કે જો તમે 2026ની મતદાર યાદીમાં છો તે તમારી પાસેથી અચાનક 2003ના કાગળિયા કેમ માગવામાં આવે છે? વિચારો તમારી પાસે આજની તારીખનું પાકું આધારકાર્ડ છે, તમારા નામનું લાઈટબિલ છે પણ ચૂંટણી પંચનો નિયમ એવું કહે છે કે જો તમારા પિતા કે દાદાનું નામ 2003ની SIR મતદાર યાદીમાં નથી તો તમને નવો મતદાર જ નહીં ગણવામાં આવે. સુપ્રીમ કોર્ટના સવાલોથી ચૂંટણી પંચ સુન્ન જ્યારે આ વાત સુપ્રીમ કોર્ટમાં પહોંચી ત્યારે જસ્ટિસ બાગચીએ પંચના વકીલ દામા શેષાદ્રી નાયડુને રોકડા શબ્દોમાં પૂછી લીધું કે, મતદાર યાદીમાં નામ હોવા મામલે ચૂંટણી પંચની સમજ શું છે? શું તે 2003ની યાદીમાં નામ હોવું તે છે કે પછી સૌથી છેલ્લી 2026ની મતદાર યાદીમાં નામ હોવું તે છે? તેના જવાબમાં ચૂંટણી પંચના વકીલે સ્વીકાર્યું કે, "SIR પહેલાંની સૌથી છેલ્લી યાદી એટલે કે 2026ની યાદીને આધાર તરીકે લેવામાં આવશે." તો સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે જો તમે 2026ની યાદીને જ આધાર માનતા હો તો પછી તમે 2003ના કાગળિયા કેમ માગી રહ્યા છો? આ સવાલનો કાયદેસર જવાબ પંચ હજુ સુધી આપી શક્યું નથી. હકિકતમાં આ મતદાર સુધારણાના નામે એક છૂપી રીતે નાગરિકતાની ચકાસણી થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જ્યાં સામાન્ય યુવાન કે જે 2003 પછી ભણેલો કે મોટો થયેલો છે તેને પણ પોતાના દાદાના જૂના દસ્તાવેજો શોધવા મજબૂર કરવામાં આવ્યો છે. બંધ બારણે થયેલો કાયદાનો ખેલ બીજી સૌથી મોટી પોલ એ ખુલી છે કે ચૂંટણી પંચે કાયદા મંત્રાલયની કોઈ મંજૂરી લીધા વિના જ ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ નંબર છ બદલી નાખ્યું. ત્રણમાંથી બે કમિશનરે ફાઈલ પર લખીને વિરોધ કર્યો હતો કે આ નિયમ ગેરકાયદેસર છે, છતાં મુખ્ય કમિશનર જ્ઞાનેશ કુમારે તેને બારોબાર લાગુ કરાવી દીધો. સોફ્ટવેર એવું બનાવી દીધું કે જો તમે 2003ના કાગળિયા ન આપો તો તમારું ફોર્મ જમા જ ન થાય, ટૂંકમાં નો ડિક્લેરેશન, નો ફોર્મ સિક્સ. તો હવે આનાથી શું થશે? સુપ્રીમ કોર્ટની ફટકાર પછી દિલ્લીમાં પંચની પાછી પાની કરવી પડી છે અને સમયમર્યાદા લંબાવવી પડી છે. 17 નવેમ્બર 2026ના જ્યારે સુપ્રીમ કોર્ટ મૂળ ફાઈલ ખોલશે ત્યારે ખબર પડશે કે ખરેખર કોમ્પ્યુટરનો આદેશ પણ કોણે આપ્યો હતો? નાગરિકતા માટે ફરી લાઈનમાં લગાડશે સરકાર? અહીં આપણા માટે સૌથી મોટી શીખ એ છે કે, એલ્ગોરિધમ કે સોફ્ટવેરના ભરોસે દેશના કરોડો લોકોના બંધારણીય અધિકારો છીનવી ન શકાય. તમારો વોટ એ માત્ર કાગળનો ટુકડો નથી, તમારી ભારતીય તરીકેની ઓળખ છે. જો ચૂંટણી પંચની આ ક્લીન સ્લેટવાળી રમત સાબિત થઈ ગઈ તો દેશના અડધા મતદારોએ ફરીથી લાઈનમાં ઊભા રહીને એ સાબિત કરવું પડશે કે તેઓ આ દેશના નાગરિક છે અને આ જ માટીમાં રમીને તેઓ મોટા થયા છે. અને છેલ્લે... યમનના હૂથી બળવાખોરોથી સાઉદી અરેબિયાના યુવરાજ કંટાળી ગયા છે. અંતે એવી જાહેરાત કરી દીધી કે હુમલો નહીં કરો તો પૈસા આપીશું. આ એ જ સાઉદી છે જે હમણા થોડા સમયથી અમેરિકાથી ખસીને ઈરાન સાથે સિક્રેટલી ગુફ્તગુ કરી રહ્યું છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan