crime
અમરેલી પોલીસની કામગીરીની સરકારે નોંધ લીધી:SD Pay એપ્લિકેશન છેતરપિંડીનો ભોગ બનેલા માટે ગૂગલ ફોર્મ જાહેર કર્યું હતું; લોકોના વધુ નાણાં ફસાતા અટકી ગયા; 9 ઝડપાયા
અમરેલી પોલીસે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનારા ₹635 કરોડથી વધુના પોંજી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. SD Pay એપ્લિકેશન મારફતે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે અમરેલી પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરીને મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ સહિત 9 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ₹635 કરોડના વિશાળ પોંજી કૌભાંડનો પર્દાફાશ અમરેલી પોલીસે ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોટા પોંજી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ ₹635 કરોડથી પણ વધુની માતબર રકમનું હોવાનું સામે આવ્યું છે. આશરે એક વર્ષ અગાઉ ગુજરાત CID ક્રાઈમમાં આ સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી. જોકે તે સમયે આરોપીઓ પકડાયા ન હોવાથી તપાસ અટકી પડી હતી અને કૌભાંડનો વ્યાપ સતત વધતો રહ્યો હતો. અગાઉની નિષ્ક્રિયતા બાદ અમરેલી પોલીસ સક્રિય CID ક્રાઈમમાં FIR નોંધાયા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતાં અમરેલી પોલીસે સ્થિતિની ગંભીરતા સમજીને તપાસ હાથ ધરી હતી. આ કૌભાંડની તપાસ રાજ્ય સરકાર કોઈ મોટી તપાસ એજન્સીને સોંપવાની તૈયારીમાં હતી. પોલીસ બેડામાં એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે ઉત્તર ગુજરાતની પોલીસને આ કૌભાંડ અંગે જાણ હોવા છતાં યોગ્ય તપાસ કરવામાં આવી ન હતી. રોકાણકારોને આકર્ષક વળતરની લાલચ આપી છેતરપિંડી આ આખા રેકેટમાં એક આયોજનબદ્ધ પોંજી સ્કીમ તૈયાર કરીને લોકોને જુદી જુદી આકર્ષક લાલચો આપવામાં આવતી હતી. આ લાલચમાં આવીને સેંકડો લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. મુદત પૂરી થવા છતાં રોકાણકારોને તેમના નાણાં પાછા ન મળતાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ કૌભાંડ સંદર્ભે સૌપ્રથમ ગાંધીનગર CID ક્રાઈમમાં ગુનો નોંધાયો હતો. મુખ્ય આરોપીઓ ફરાર રહેતા કૌભાંડ ફેલાયું SD Pay એપ્લિકેશનનો મુખ્ય સંચાલક ધવલ પટેલ અને તેના સહ-આરોપીઓ લાંબા સમયથી ફરાર ચાલી રહ્યા હતા. તેમની સમયસર ધરપકડ ન થવાના કારણે આ છેતરપિંડીની જાળ વધુ ઘેરી બની હતી. પરિણામે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના અનેક નિર્દોષ લોકો પણ આ ઠગાઈનો ભોગ બન્યા હતા અને રેકેટ આંતરરાજ્ય સ્તરે ફેલાઈ ગયું હતું. ₹10 લાખની ફરિયાદથી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ આ દરમિયાન અમરેલી SP સમક્ષ ₹10 લાખની છેતરપિંડી અંગેની એક અરજી આવી હતી. SPએ આ અરજીને અત્યંત ગંભીરતાથી લઈને આખી પોંજી સ્કીમની પેટર્નનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તમામ ટેકનિકલ અને ગુપ્ત માહિતી એકત્રિત કર્યા બાદ આ મલ્ટી-સ્ટેટ કૌભાંડ હોવાનું સ્પષ્ટ થતાં જ અમરેલી પોલીસે ગુનો નોંધીને SITની રચના કરી હતી. SITની કાર્યવાહી અને 9 આરોપીઓની ધરપકડ IPS જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવેલી SITએ ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ સહિત કુલ 9 આરોપીઓને ઝડપી લીધા હતા. અમરેલી પોલીસની ખાસ ટીમે મુખ્ય આરોપી ધવલને ઓડિશાના સંબલપુરથી દબોચી લીધો હતો અને તેને ફ્લાઈટ મારફતે અમરેલી લાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ રાજ્યભરમાંથી ભોગ બનનાર લોકો પોતાના નિવેદન નોંધાવવા અમરેલી પહોંચ્યા હતા. અરજદારો માટે ગૂગલ ફોર્મ જાહેર કરાયું અમરેલી પોલીસે બહારના જિલ્લા અને રાજ્યોના અરજદારો સરળતાથી પોતાની વિગતો આપી શકે તે માટે ગૂગલ ફોર્મ જાહેર કર્યું હતું. આ સમયસરની કામગીરીના કારણે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના લોકોના વધુ નાણાં ફસાતા અટકી ગયા હતા. અમરેલી પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીની ગુજરાત સરકાર અને ગૃહ વિભાગે પણ ખાસ નોંધ લીધી છે.
Read full article on Divya Bhaskar