શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
Ahmedabad News: અમદાવાદ શહેરની કાગડાપીઠ પોલીસ ટીમે 05 સપ્ટેમ્બર 2026ના રોજ ત્વરિત કાર્યવાહી કરીને શેરબજારમાં થયેલા ભારે આર્થિક દેવાના કારણે આત્મહત્યા કરવા નીકળેલા 28 વર્ષીય યુવકને 3 કલાકની ભારે જહેમત બાદ સહી-સલામત શોધી કાઢી તેનો જીવ બચાવ્યો છે. મૂળ બનાસકાંઠાના વતની એવા રોહન (નામ બદલેલ છે) નામના યુવકે સવારે 04:00 વાગ્યે પિતા અને મામાના દીકરાને વોટ્સએપ પર સુસાઇડ નોટ મોકલી ફોન બંધ કરી દીધો હતો. પરિવારે કંટ્રોલ રૂમમાં જાણ કરતાં સવારે 09:01 વાગ્યે કાગડાપીઠ પોલીસને સંદેશ મળ્યો હતો. સિનિયર પીઆઈ એસ. એ. ગોહીલ અને પીઆઈ એસ. એસ. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી યુવકનું લોકેશન મેળવી તેને સમયસર શોધી લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, યુવક છેલ્લા છ મહિનાથી શેરબજારના આર્થિક દેવાના કારણે ભારે માનસિક તણાવમાં હતો. ચારે તરફથી નિરાશા ઘેરી વળતાં તેણે આ આત્યંતિક પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. કંટ્રોલ રૂમના મેસેજ બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની 'ટુ મોબાઇલ', 'વન મોબાઇલ' અને સર્વેલન્સ સ્કવોડની 3 અલગ-અલગ ટીમો કામે લાગી હતી.
આ પણ વાંચો... ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
પોલીસે સઘન તપાસ અને લોકેશન ટ્રેકિંગના આધારે યુવકને આત્મહત્યા કરે તે પહેલાં જ શોધી કાઢ્યો હતો. પોલીસ ટીમે યુવકને જરૂરી સાંત્વના અને હિંમત આપી તેનું કાઉન્સિલિંગ કર્યું હતું અને ત્યારબાદ તેને પરિવારજનોને સોંપ્યો હતો. અણીના સમયે પુત્રનો જીવ બચાવવા બદલ પરિવારજનોએ કાગડાપીઠ પોલીસનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
UPથી અપહરણ થયેલી સગીરાને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યુંતમને જણાવી દઈએ કે, જુલાઈ મહિનામાં પણ કાગઠાપીઠ પોલીસે એક સગીરાનું જીવન બચાવ્યું હતું, આ અંગે વિગતે જોઈએ તો, અમદાવાદ શહેર પોલીસની કાગડાપીઠ પોલીસ સ્ટેશનની SHE ટીમ અને ડી-સ્ટાફે સંવેદનશીલતા અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં ઉત્તર પ્રદેશમાંથી અપહરણ થયેલી 14 વર્ષની સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી ઉત્તર પ્રદેશ પોલીસને સહીસલામત સોંપી હતી. બાળકીના પિતા લાંબા સમય બાદ પોતાની દીકરીને સુરક્ષિત જોઈ ભાવુક બની ગયા હતા અને કાગડાપીઠ પોલીસની કામગીરી અને અમદાવાદ શહેર પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
25 જૂન, 2026ના રોજ અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં એક 14 વર્ષની સગીર બાળકી એકલી રડતી હાલતમાં મળી આવી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની SHE ટીમે તરત જ બાળકીની સંભાળ લઈને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તપાસમાં ઉત્તર પ્રદેશમાં અપહરણનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું
પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉત્તર પ્રદેશના અકરાબાદ પોલીસ સ્ટેશનમાં FIR નં. 297/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 137(2) મુજબ અપહરણનો ગુનો નોંધાયો હતો. આ માહિતી મળતાં જ કાગડાપીઠ પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.