crime
સિવિલમાં રજાના દિવસે પણ દર્દીઓ ઉમટ્યા:રાજકોટનાં રૈયા ગામમાં ગૅસ લીકેજથી આગ ભભૂકી, ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી જાનહાની ટળી
રાજકોટના રૈયા ગામમાં 50 વારિયા પ્લોટમાં આવેલા એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ભરવાડ પરિવારના લાખાભાઈ ફાંગલિયાના મકાનમાં વહેલી સવારે રસોઈ બનાવતી વખતે ગૅસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં અચાનક લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી. લાખાભાઈના મોટાભાઈનું 1 માસ પૂર્વે અવસાન થયું હોય આજે તેની વિધિ હોવાથી પરિવારના સભ્યો વહેલી સવારે જાગી ગયા હતા. રસોઈ કરવા જતાં રેગ્યુલેટરમાં લીકેજના કારણે આગ લાગતાં પરિવારમાં ગભરાટ ફેલાયો હતો. જોકે પરિવારે તાત્કાલિક ગૅસનો બાટલો તુરંત મકાનની બહાર ફળિયામાં રાખી દીધો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વહેલી સવારે 5:53 કલાકે કોલ મળતા જ રામાપીર ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ ઘટનાસ્થળે તાકીદે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવીને સમયસર આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. સદભાગ્યે પરિવારની ત્વરિત સૂઝબૂઝ અને ફાયર બ્રિગેડની કામગીરીને કારણે આ ઘટનામાં કોઈ જાનહાની કે મોટું નુકસાન થવા પામ્યું નથી. આ આગ ઓલવવાની કામગીરીમાં રામાપીર સ્ટેશનના ઓફિસર વિજયભાઈ તથા સ્ટાફ રોહિતભાઈ કટારા, ધ્રુવભાઈ ત્રિવેદી અને મેહુલભાઈ સહિતના કર્મચારીઓ સાથે રહ્યા હતા. રાજકોટ-પડધરી હાઈવે પર ગેરકાયદે ડિવાઈડર તોડનાર સામે કડક પગલાંનો કલેક્ટરનો આદેશ રાજકોટ-પડધરી હાઈવે પર ગેરકાયદે રીતે ડિવાઈડર તોડીને માર્ગ વ્યવસ્થામાં ફેરફાર કરનાર સામે તંત્ર દ્વારા આકરાં પગલાં ભરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાને અસર પહોંચાડતી આ પ્રકારની પ્રવૃત્તિ સામે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે કડક વલણ અપનાવ્યું છે. રાજકોટ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા નિયમોનો ભંગ કરનાર 2 યુનિટ વિરુદ્ધ FIR નોંધવા એજન્સીને સૂચના આપવામાં આવી છે. હાઈવે પર ડિવાઈડર તોડવાની પ્રવૃત્તિ ધ્યાન પર આવતાં આ નિર્ણય લેવાયો છે. હાઈવે પર ડિવાઈડર ટ્રાફિક નિયંત્રિત કરવા, વાહનોની અવરજવર સુવ્યવસ્થિત રાખવા તેમજ અકસ્માતનું જોખમ ઘટાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આવા ડિવાઈડરમાં મનસ્વી રીતે તોડફોડ કરવાથી વાહનચાલકોની સલામતી સામે મોટું જોખમ ઊભું થાય છે. તંત્રના આ કડક વલણથી જાહેર મિલકતને નુકસાન પહોંચાડતા અને ટ્રાફિક વ્યવસ્થામાં ગેરકાયદે હસ્તક્ષેપ કરનાર તત્વોને સ્પષ્ટ સંદેશો પાઠવવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રજાના દિવસે પણ મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટ્યા રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (PDU) સિવિલ હોસ્પિટલમાં સંવત્સરીની જાહેર રજાના દિવસે આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ હતી. પવિત્ર પર્વ નિમિત્તે હોસ્પિટલમાં જનરલ ઓપીડી સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી. દૈનિક સારવાર માટે આવતા દર્દીઓને યોગ્ય જાણકારી નહીં હોવાથી સવારથી જ પરિસરમાં દર્દીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. ઓપીડી વિભાગ બંધ જણાતાં દર્દીઓ સારવાર અર્થે ઈમરજન્સી વિભાગ તરફ દોડી ગયા હતા. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાંથી આવતા હજારો દર્દીઓનો બોજ અચાનક ઈમરજન્સી વિભાગ પર આવી પડ્યો હતો. ઈમરજન્સી વિભાગમાં સામાન્ય દિવસો જેટલો જ સ્ટાફ હાજર હોવાથી કેસ વિન્ડો તેમજ બહાર લાંબી કતારો લાગી હતી. દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું. દરમિયાન દર્દીના સગા અને સ્ટાફ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા. આજે તંત્રના આગોતરા આયોજનના અભાવે દૂર-દૂરથી આવેલા ગરીબ દર્દીઓને ભારે શારીરિક અને માનસિક યાતના ભોગવવાનો વારો આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા "પોષણ ઉત્સવ-2026" અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન રાજકોટ મહાપાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના અધ્યક્ષસ્થાને ઘટક તેમજ જિલ્લા કક્ષાનો “પોષણ ઉત્સવ-2026 પૌષ્ટિક વાનગી સ્પર્ધા” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી કાર્યકર બહેનોએ THR (ટેક હોમ રાશન) તેમજ મિલેટ્સમાંથી સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગી બનાવી રજૂ કરી હતી. ન્યુટ્રીશન ઝલકબેન વઘાસળીયા દ્વારા સ્ટેટ કક્ષાના નિર્ધારિત માપદંડો મુજબ વાનગીઓનું મૂલ્યાંકન કરીને વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ ચેરમેન શિશુ કલ્યાણ સમિતિ જ્યોત્સનાબેન ટીલાળા, માધવીબેન જોગીયા, કિરણબેન હરસોડા, કિરણબેન માકડીયા, નીતાબેન લાલ, મેડિકલ ઓફિસર ધ્રુતીબેન વકાણી સહિત અધિકારીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ વધારવાનો છે.
Read full article on Divya Bhaskar