crime
સજ્જડ સુરક્ષા વચ્ચે દશામા મૂર્તિ વિસર્જન સંપન્ન:સાત કૃત્રિમ કુંડ અને કેનાલ બ્રિજ પર આશરે 5 હજારથી વધુ મૂર્તિઓનું સુરક્ષિત વિસર્જન કરાયું, ફાયર ટીમ ખડેપગે તહેનાત રહી
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પવિત્ર દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે મૂર્તિ વિસર્જન પ્રક્રિયા ભારે ભક્તિભાવ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે. પર્યાવરણની જાળવણી અને નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને મનપા તંત્ર દ્વારા શહેરના વિવિધ 7 સ્થળો પર વિશેષ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. સુવ્યવસ્થિત આયોજનના પરિણામે આશરે 4000 થી 5000 જેટલી મૂર્તિઓનું ભાવિક ભક્તો દ્વારા સુરક્ષિત અને શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. કેનાલના બ્રિજ સહિત 19 સ્થળો પર ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમો તૈનાત ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા કોઈ પણ અપ્રિય ઘટના ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા શહેર અને આસપાસના 19 જેટલા મુખ્ય સ્થળોની ઓળખ કરીને નર્મદા કેનાલના તમામ બ્રિજ તેમજ તમામ કૃત્રિમ કુંડ ખાતે આધુનિક સાધન-સામગ્રી સાથે સજ્જ રેસ્ક્યુ ટીમો ખડેપગે રાખવામાં આવી હતી. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાના કારણે સમગ્ર જિલ્લામાં કોઈપણ દુર્ઘટના વિના વિસર્જન શાંતિપૂર્ણ રીતે પાર પડ્યું હતું. 70 થી વધુ કર્મચારીઓ ખડેપગે રહ્યા, સતત ત્રીજા વર્ષે સુરક્ષા વ્યવસ્થા સફળ આ સમગ્ર વિસર્જન પ્રક્રિયાને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાના 70 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ સતત ફિલ્ડમાં રહીને નિષ્ઠાપૂર્વક કામગીરી સંભાળી હતી. મનપા તંત્રનું સચોટ સંકલન, ફાયર બ્રિગેડની સજ્જતા અને નાગરિકોના સહકારના પરિણામે સતત ત્રીજા વર્ષે પણ દશામા મૂર્તિ વિસર્જન અભિયાન સંપૂર્ણપણે સફળ રહ્યું હતું.
Read full article on Divya Bhaskar