crime
સ્કૂલ વાનના ડ્રાઈવરને ચક્કર આવતા અકસ્માત:ઉધના મગદલ્લા રોડ પર સ્કૂલના બાળકોને લઈ જતી વાન ડિવાઇડર સાથે અથડાઈ, 10માંથી 2 માસુમ બાળકોને ઈજા
સુરત શહેરના વ્યસ્ત ઉધના-મગદલ્લા રોડ પર ખટોદરા નજીક આવેલા બ્રેડ લાઈનર સર્કલ પાસે આજે એક મોટી દૂર્ઘટના ટળી હતી. એક ખાનગી સ્કૂલ વાન અચાનક કાબૂ બહાર જઈને ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને ડિવાઈડર કૂદી ગઈ હતી. અકસ્માત સમયે વાનમાં ત્રણ અલગ-અલગ શાળાના આશરે 10 જેટલા માસુમ વિદ્યાર્થીઓ સવાર હતા. ડ્રાઈવરને ચક્કર આવતાં સર્જાયો અકસ્માત માહિતી મુજબ, સ્કૂલ વાન ચાલક બાળકોને શાળાએ મૂકવા જઈ રહ્યો હતો ત્યારે બ્રેડ લાઈનર સર્કલ પાસે તેને અચાનક ચક્કર આવી જતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં વાન ચાલક અને ત્રણ બાળકોને ઈજા થઈ હતી, જેમાંથી બે બાળકોને સામાન્ય છોલાણ અને નાની ઈજાઓ પહોંચી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. બાળકીઓ રડતાં સ્થાનિકો-વાલીઓ સ્થળ પર દોડી આવ્યા અચાનક સર્જાયેલા અકસ્માતથી ભયભીત થયેલા બાળકો ચીસાચીસ કરવા લાગ્યા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી બાળકોને વાનમાંથી બહાર કાઢી સાંત્વના આપી હતી અને વાલીઓને સંપર્ક કરી જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ગભરાયેલા વાલીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બાળકોને સલામત જોઈ રાહતનો શ્વાસ લીધો હતો.
Read full article on Divya Bhaskar