top
સમાણા એરફોર્સ સ્ટેશનમાં POSH કાયદા અંગે કાર્યશાળા યોજાઈ:એડવોકેટ કાજલ પંડ્યાએ જાતીય સતામણીના નિવારણ, કાયદાકીય અધિકારો અને આંતરિક સમિતિ વિશે માર્ગદર્શન આપ્યું
કાર્યસ્થળે મહિલાઓ માટે સુરક્ષિત અને ભેદભાવમુક્ત વાતાવરણ બનાવવા સમાણા એરફોર્સ સ્ટેશન ખાતે POSH Act, 2013 અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ હતી. જામનગરનાં એડવોકેટ અને ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી કાજલ પંડ્યાને કાયદાકીય નિષ્ણાત તરીકે આમંત્રિત કરાયાં હતાં. કાર્યશાળામાં અંદાજે 50થી 55 એરફોર્સના જવાનો, સાર્જન્ટ, સમાણા કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો, અન્ય કર્મચારીઓ અને સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રિસાઇડિંગ ઓફિસર નંદિની મેડમે મહેમાનો અને સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે કાર્યક્રમનો હેતુ જણાવ્યો અને કાજલ પંડ્યાનો પરિચય કરાવ્યો હતો. કાજલ પંડ્યાએ પ્રેઝન્ટેશન દ્વારા POSH Act, 2013નો ઇતિહાસ, કાયદાકીય પૃષ્ઠભૂમિ, મુખ્ય જોગવાઈઓ, જાતીય સતામણીનાં સ્વરૂપો અને ફરિયાદની પ્રક્રિયા સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કાર્યસ્થળે જાતીય સતામણી માત્ર શારીરિક વર્તન પૂરતી મર્યાદિત નથી. અનિચ્છનીય શારીરિક સંપર્ક, જાતીય લાભની માગણી, જાતીય ટિપ્પણીઓ, અશ્લીલ સામગ્રી બતાવવી અને અન્ય અનિચ્છનીય જાતીય વર્તન પણ કાયદા હેઠળ આવી શકે છે. તેમણે કર્મચારીઓને પોતાના કાયદાકીય અધિકારો અને જવાબદારીઓ વિશે જાગૃત રહેવા જણાવ્યું હતું. કેસ સ્ટડી અને ઉદાહરણો દ્વારા ફરિયાદ કેવી રીતે કરવી, ફરિયાદની પ્રક્રિયા, આંતરિક સમિતિની ભૂમિકા અને અસરગ્રસ્ત મહિલાને મળતી કાયદાકીય મદદ વિશે સમજાવાયું હતું. અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. કર્મચારીઓએ કાયદાકીય અને વ્યવહારુ પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબ કાજલ પંડ્યાએ આપ્યા હતા. કાર્યક્રમના સમાપન સમયે એરફોર્સ સ્ટેશનના કેપ્ટન રંજને કાજલ પંડ્યાને ભેટ આપી સન્માનિત કર્યા હતા.
Read full article on Divya Bhaskar