crime
સોનગઢમાં ATM કાર્ડ બદલી વૃદ્ધાના ₹20,000 ઉપાડ્યા:હિન્દી ભાષી ગઠિયાઓએ નજરબંધી કરી ઠગાઈ આચરી
તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં એક વૃદ્ધાના એટીએમ કાર્ડ બદલીને તેમના ખાતામાંથી ₹20,000ની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. સોનગઢના ઉકાઈ રોડ પર આવેલા એસ.બી.આઈ.ના એટીએમ બૂથમાં હિન્દી ભાષી ગઠિયાઓએ નજરબંધીનો ખેલ રમી આ છેતરપિંડી આચરી હતી. આ ઘટના 07 ઓગસ્ટ, 2026ના રોજ બની હતી. સોનગઢના ડોસવાડા ડુંગરી ફળિયામાં રહેતા બાવનેશભાઈ ભગુભાઈ ગામીત તેમની દાદી ગુસીબેનના એસ.બી.આઈ. બેંકના ખાતામાંથી ખેતીકામ માટે ₹10,000 ઉપાડવા સોનગઢ આવ્યા હતા. તેઓ તેમના મિત્ર આશિષભાઈ સાથે ઉકાઈ રોડ પરના એસ.બી.આઈ. એટીએમ પર પહોંચ્યા હતા. એટીએમની અંદર પહેલાથી જ બે અજાણ્યા શખ્સો હાજર હતા. બાવનેશભાઈએ કાર્ડ મશીનમાં નાખતા જ એક ગઠિયાએ કાર્ડ બહાર કાઢી લીધું અને "એટીએમ ઊંધું નાખ્યું છે" તેમ કહીને કાર્ડ બદલી નાખ્યું. આરોપીઓએ નકલી કાર્ડ અંદર નાખી પિન નંબર મેળવી લીધો અને કોઈ ટેકનિકલ બહાનું બતાવી ત્યાંથી ફરાર થઈ ગયા. બાવનેશભાઈએ મુખ્ય એસ.બી.આઈ. બેંક પર જઈને કાર્ડ ચેક કરતા તે તેમની દાદીનું નહીં, પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિનું એટીએમ કાર્ડ હોવાનું જણાયું. બેંકમાં સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મળ્યું કે ગઠિયાઓ દ્વારા બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ ₹20,000 (દસ-દસ હજારના બે હપ્તામાં) ઉપાડી લેવામાં આવ્યા હતા. ઠગાઈ કરનાર બંને શખ્સો હિન્દી ભાષી, આશરે 35 થી 40 વર્ષની ઉંમરના અને થોડા જાડા બાંધાના હતા. એક શખ્સે કાળા રંગનો ચોકડીવાળો શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પહેર્યું હતું, જ્યારે બીજા શખ્સે સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પહેરેલું હતું. એક ત્રીજો શખ્સ એટીએમની બહાર ચોકી પહેરો આપી રહ્યો હતો. આ મામલે ભોગ બનનારે સોનગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મશીભાઈ નાનીયાભાઈ ગામીતને વધુ તપાસ સોંપી છે. સોનગઢ પંથકમાં એટીએમ સંબંધિત છેતરપિંડીના આવા કિસ્સાઓ વધતા નાગરિકોમાં ચિંતા વ્યાપી છે.
Read full article on Divya Bhaskar