crime
'સપનું વર્લ્ડ ક્લાસ, સુવિધાઓ થર્ડ ક્લાસ?':ગિફ્ટ સિટીમાં રોજ આવતા હજારો લોકો માટે અપ-ડાઉન મુશ્કેલ, 6 મહિનાથી પાર્કિંગનો લોચો અને નેવિગેશનની ભારે હાલાકી
ગાંધીનગર નજીક સ્થિત ‘ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી’ ઝડપથી આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ટેક્નોલોજી હબ તરીકે ઉભરી રહી છે. દેશ-વિદેશની અગ્રણી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ અહીં પોતાના કાર્યાલયો શરૂ કરી રહી છે. જોકે, ઊંચી ઇમારતો અને ભવ્ય આયોજનની પાછળ રોજિંદા કામકાજ માટે આવતા હજારો કર્મચારીઓ અને મુલાકાતીઓ પાયાની સુવિધાઓના અભાવે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કંપનીમાં નોકરી પર જોખમ આવવાના ડરથી મોટા ભાગના લોકો કેમેરા સામે બોલવાનું ટાળી રહ્યા છે, પરંતુ તેમની મુખ્ય માંગ એક જ છે વિઝન. જો વર્લ્ડ ક્લાસ હોય તો પાયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેટલું જ મજબૂત હોવું જોઈએ. 6 મહિનાથી ધીમી ગતિએ ચાલતું રસ્તાનું કામ અને વાહનચાલકોની હાલાકી ગિફ્ટ સિટી તરફ જતા મુખ્ય માર્ગને 4 લેનમાંથી 6 લેન બનાવવાની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. સ્થાનિકો અને કર્મચારીઓની ફરિયાદ છે કે રસ્તો પહોળો કરવાનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ અને આવન-જાવનમાં વિલંબ થાય છે. દરરોજ હજારોની સંખ્યામાં આવતા લોકો માટે આ રસ્તો ઝડપથી પૂર્ણ થાય તે અત્યંત જરૂરી બન્યું છે. નવી વ્યક્તિ માટે કંપની શોધવી મુશ્કેલ વિશાળ વિસ્તાર ધરાવતા આ પ્રોજેક્ટમાં પહેલીવાર આવનાર વ્યક્તિ માટે પોતાના લક્ષ્યસ્થાન કે ચોક્કસ ઓફિસ સુધી પહોંચવું પડકારજનક બની રહે છે. કયા બ્લોકમાં જવું, કયા રોડ પરથી વળવું તેની સ્પષ્ટ માહિતી આપતા દિશા-સૂચક બોર્ડનો અભાવ જોવા મળે છે. લોકોની માંગણી છે કે મુખ્ય પ્રવેશદ્વારથી જ મોટા અને સ્પષ્ટ ડિજિટલ સાઈનબોર્ડ મૂકવામાં આવે જેથી બહારથી આવતા મુલાકાતીઓએ વારંવાર રસ્તા પૂછવા ન પડે. પાર્કિંગ અને પદયાત્રીઓ માટેની સુવિધાઓનો પ્રશ્ન કંપનીઓ અને કર્મચારીઓની સંખ્યા વધવાની સાથે પાર્કિંગનો પ્રશ્ન પણ જટિલ બન્યો છે. યોગ્ય અને સુવ્યવસ્થિત પાર્કિંગ સ્પેસ ન હોવાને કારણે લોકો રસ્તાની બાજુમાં વાહનો પાર્ક કરવા મજબૂર બને છે. તે જ રીતે, ગિફ્ટ સિટીમાં એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ જવા માટે સુરક્ષિત ફૂટપાથ અને પેડેસ્ટ્રિયન ક્રોસિંગ જેવી સુવિધાઓને પણ પ્રાથમિકતા આપવાની માંગ થઈ રહી છે, જેથી ચાલનારા લોકો સુરક્ષિત રીતે અંદર ફરી શકે. બસ સેવા ઉપલબ્ધ પરંતુ સમયપત્રક અને રૂટ અંગે અસ્પષ્ટતા જાહેર પરિવહન હેઠળ ગિફ્ટ સિટી માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ તેની સમયસર માહિતીનો અભાવ છે. કઈ બસ ક્યારે આવશે, કયા રૂટ પર જશે તેની વિગતો દર્શાવતા માહિતી બોર્ડ કે ડિજિટલ ડિસ્પ્લે મુખ્ય સ્ટોપ અને કંપનીઓની બહાર મુકવામાં આવે તો દૈનિક અપ-ડાઉન કરતા કર્મચારીઓને મોટી રાહત મળી શકે છે.
Read full article on Divya Bhaskar