top
દિવાળીમાં નોનસ્ટોપ ST, ટ્રાફિકને પહોંચી વળવા 9630 એક્સ્ટ્રા ટ્રીપ મારશે:1 લાખથી વધુ ટિકિટો બુક, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત માટે જાણો ક્યાંથી મળશે બસ?
દિવાળીના તહેવારોમાં વતન જવા નીકળતા મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે GSRTC દ્વારા મોટા પાયે વિશેષ બસ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારોને હજુ એક અઠવાડિયુ બાકી છે ત્યારે જ એસ.ટી. નિગમની 1 લાખથી વધુ ટિકિટોનું ઓનલાઈન અને એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. આ વર્ષે સમગ્ર રાજ્યના વિવિધ એસ.ટી. વિભાગોમાં કુલ 9,630 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે. દિવાળી 2025માં રાજ્યભરમાં 8,648 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેની સરખામણીએ આ વર્ષે 982 ટ્રીપ વધુ એટલે કે આશરે 11.4%નો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદથી 2-8 નવેમ્બર દરમિયાન 350 જેટલી વધારાની બસો મુકાશે અમદાવાદ એસ.ટી. વિભાગના વિભાગીય અધિકારી જે.બી. કરોતરાના જણાવ્યા અનુસાર, અમદાવાદ ડિવિઝન દ્વારા આગામી 2થી 8 નવેમ્બર દરમિયાન આશરે 1,150 જેટલી વધારાની ટ્રીપ દોડાવવાનું આયોજન કરાયું છે. આ માટે ખાસ 300થી 350 જેટલી વધારાની બસો સેવામાં મૂકવામાં આવશે. ગયા વર્ષે અમદાવાદથી 678 એક્સ્ટ્રા ટ્રીપ દોડી હતી, જેની સામે આ વર્ષે 472 વધુ ટ્રીપ સાથે સીધો 69.6%નો વધારો પ્લાનિંગમાં લેવાયો છે. મુસાફરોનો ધસારો વધશે તો સ્થિતિ મુજબ તાત્કાલિક ધોરણે વધુ ટ્રીપ પણ ઉમેરાશે. અમદાવાદમાં ગીતામંદિર ઉપરાંત ઇસ્કોન, CTM અને અડાલજથી પણ બસો ઉપડશે મુસાફરોને મુખ્ય બસ સ્ટેન્ડ (ગીતામંદિર/રાણીપ) સુધી લાંબા ન થવું પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ શહેરમાં ઇસ્કોન ચાર રસ્તા, CTM એક્સપ્રેસ-વે અને અડાલજ ત્રિમંદિર પાસે વધારાના બસ સ્ટોપેજ ઊભા કરવામાં આવ્યા છે. મુસાફરો આ પોઇન્ટ્સ પરથી સીધા જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત તરફ જતી બસો પકડી શકશે. સંચાલન યોગ્ય રીતે થાય અને મુસાફરોને માર્ગદર્શન મળે તે માટે આ નવા સ્ટોપેજ પર સુપરવાઇઝરી સ્ટાફ અને કંટ્રોલ પોઇન્ટ્સ તહેનાત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં 50% ગ્રૂપ બુકિંગ ફૂલ દિવાળી વેકેશનમાં સૌથી વધુ ધસારો સૌરાષ્ટ્ર તરફ રહેતો હોવાથી અમરેલી, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ તરફ નિયમિત અંતરે વધારાની બસો દોડાવવામાં આવશે. અધિકારીના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર રૂટની મોટાભાગની બસોમાં 50% જેટલું ગ્રૂપ બુકિંગ એડવાન્સમાં પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, ગોધરા તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ જતા શ્રમિકો અને પરિવારો માટે પણ પૂરતી સંખ્યામાં એક્સ્ટ્રા બસો ઉપલબ્ધ રહેશે. ખાનગી ટ્રાવેલ્સની લૂંટ સામે STનું નિયમિત ભાડું તહેવારો દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો બમણા-ત્રણ ગણા ભાડાં વસૂલી લૂંટ ચલાવતા હોય છે, ત્યારે GSRTC દ્વારા તમામ વધારાની બસોમાં પણ સામાન્ય સરકારી નિયત ભાડા દર જ લાગુ રાખવામાં આવ્યા છે. લોકલ, એક્સપ્રેસ કે ગુર્જરનગરી કેટેગરી મુજબ મુસાફરો પાસેથી સામાન્ય દિવસો જેટલું જ ભાડું લેવાશે. વધુમાં, રોકડ છૂટા પૈસાની ઝંઝટ ન રહે તે માટે બસમાં બેઠા પછી કંડક્ટર પાસેથી ટિકિટ લેતી વખતે મુસાફરો UPI (Google Pay, PhonePe, Paytm વગેરે) દ્વારા સીધું ડિજિટલ પેમેન્ટ કરી શકશે. રાજ્યના તમામ 16 ડિવિઝનમાં નડિયાદ અને સુરત ટ્રીપમાં મોખરે રાજ્યવ્યાપી સંચાલન પર નજર કરીએ તો સૌથી વધુ 1,870 ટ્રીપ નડિયાદ વિભાગ દ્વારા અને 1,600 ટ્રીપ સુરત વિભાગ દ્વારા દોડાવાશે. આ સિવાય હિંમતનગરમાં 900, જૂનાગઢમાં 840, અમદાવાદમાં 700 (વિભાગીય આયોજન 1,150), મહેસાણામાં 670, પાલનપુરમાં 550, વડોદરામાં 455, રાજકોટમાં 450, ગોધરામાં 380, ભાવનગરમાં 370, અમરેલીમાં 300, ભરૂચમાં 170, જામનગરમાં 155, ભુજમાં 110 અને વલસાડમાં 110 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar