business
Surat RTOની ધીમી કામગીરીથી 700થી 800 ડીલરો પરેશાન! એક મહિનાથી સોફ્ટવેર બંધ
સુરત આરટીઓ (RTO) ની અત્યંત ધીમી કામગીરી અને કથળેલી વ્યવસ્થાના કારણે શહેરના 700 થી 800 જેટલા વાહન ડીલરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી આરટીઓનું સોફ્ટવેર વારંવાર બંધ રહેતું હોવાથી દૈનિક કામગીરી સંપૂર્ણપણે અટવાઈ ગઈ છે. સોફ્ટવેરની ટેકનિકલ ખામીઓના કારણે ડીલરોના રોજીંદા વ્યવહારો પર માઠી અસર પડી છે અને તેમનો વેપાર-ધંધો ચોપટ થઈ ગયો છે. ફેસલેસ કામગીરી અટવાઈ, ગાડી અને લોન ટ્રાન્સફરમાં ભારે વિલંબ સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવતી ફેસલેસ (Faceless) સેવાઓ સુરતમાં સાવ નિષ્ફળ નીવડી રહી છે. સામાન્ય રીતે જે કામગીરી માત્ર 7 દિવસમાં પૂર્ણ થઈ જવી જોઈએ, તે કામગીરી છેલ્લા એક મહિનાથી પણ વધુ સમય વીતી જવા છતાં પૂર્ણ થઈ રહી નથી. ખાસ કરીને જૂના વાહનોની ગાડી ટ્રાન્સફર, લોન ટ્રાન્સફર તથા લોન કેન્સલેશન (HPC) જેવી મહત્વની કામગીરી અટકી પડી છે, જેના કારણે ડીલરોની સાથે સાથે સામાન્ય નાગરિકો અને અરજદારો પણ ચક્કર કાપીને હેરાન-પરેશાન થઈ રહ્યા છે. આરટીઓ તંત્રના બિનસંતોષકારક જવાબોથી રોષ ડીલરો દ્વારા આ અંગે આરટીઓ કચેરીના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર તરફથી કોઈ જ સંતોષપૂર્વક કે સકારાત્મક જવાબ આપવામાં આવતો નથી તેવા ગંભીર આક્ષેપો કરાયા છે. અધિકારીઓની આવી બેદરકારી અને નકારાત્મક વલણથી ડીલરોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં ડીલર એસોસિએશન દ્વારા નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના પરિવહન મંત્રીને રૂબરૂ મળીને આકરા પાણીએ રજૂઆત કરવાની આક્રમક ચીમકી આપવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : વરસાદને મહિનો થયો છતાં વિરમગામના ખેતરો જળમગ્ન! 350થી વધુ વીઘા જમીન પાણીમાં
Read full article on Sandesh