crime
Surendranagar News: PGVCLનો સપાટો, 45 ટીમોના દરોડામાં 108 જગ્યાએ વીજ ચોરી પકડાઈ, રૂ. 54.22 લાખનો માતબર દંડ ફટકારાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરીનું પ્રમાણ ડામવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા અત્યંત આક્રમક પગલાં ભરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એસ. એન. અમીનની સીધી રાહબરી હેઠળ PGVCL ની કુલ 45 જેટલી વિશેષ ટીમો બનાવીને મેગા ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. 10 વિસ્તારોમાં પોલીસ પ્રોટેક્શન સાથે સઘન તપાસ PGVCLની આ ટીમો દ્વારા સુરેન્દ્રનગર વર્તુળના ગળથળ, જશાપર, લીંબડી, કાન્ધાસર, મુન્જપર, નવાગામ, તલસાણા, ટીડાણા, ઉમરડા અને વીજળીયા સહિત કુલ 10 જેટલા વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સરકારી કામગીરીમાં અડચણ ન આવે તે માટે 20 જેટલા પોલીસ જવાનોની સુરક્ષા અને 05 વીડિયોગ્રાફરોની ટીમ સાથે રાખવામાં આવી હતી, જેથી દરેક પુરાવા રેકોર્ડ પર લઈ શકાય. 108 વીજ જોડાણોમાં ચોરી ઝડપાતા ફફડાટ આ મેગા ડ્રાઈવ દરમિયાન કુલ 617 ઘર વપરાશના વીજ જોડાણોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી ચોંકાવનારી બાબત સામે આવી કે 108 જેટલા વીજ જોડાણોમાં ગેરકાયદેસર રીતે વીજ ચોરી કરવામાં આવી રહી હતી. PGVCL દ્વારા આ તમામ વીજ ચોરો વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરતા કુલ રૂ. 54.22 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એકસાથે આટલી મોટી કાર્યવાહી થતા વીજ ચોરી કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
Read full article on Sandesh