crime
સુરત બાદ હવે અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશન:ખાનગી પ્લોટમાં દુકાનો તોડી પાડી, કોર્પોરેશન કરાવ્યું હોવાનું ખાનગી એજન્સીના માણસે વીડિયોમાં કબૂલ્યું, AMCએ ના પાડી
સુરતના નાસીરનગર ડિમોલિશન જેવી જ ઘટના અમદાવાદમાં બનતા ચકચાર મચી ગઈ છે. નાનાચિલોડા વિસ્તારમાં ટોયેટાના શોરૂમની બાજુમાં ખાનગી પ્લોટમાં 3 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. જોકે, આ ડિમોલિશન AMCના નામે ખાનગી સિક્યુરિટી એજન્સીના માણસો દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. દુકાનો તોડી પાડવામાં આવી અને કોર્પોરેશનના નામથી ડિમોલિશન થયું હોવાની જાણ થતાં જ ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. સમગ્ર મામલે તપાસ કરતા ખાનગી વ્યક્તિ દ્વારા આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કોર્પોરેશનના નામે ડિમોલિશન કરાયું છે તો આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ડિમોલિશન સ્થળ પર 'રાજપૂત સિક્યુરિટી' એજન્સીના માણસો હતા ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે, નાનાચિલોડાના જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલા ખાનગી પ્લોટ પર આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. એસ્ટેટ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે સ્થળ પર 'રાજપૂત સિક્યુરિટી' નામની ખાનગી એજન્સીના માણસો અને મશીનરી હાજર હતા. ત્યાં AMCનો કોઈપણ અધિકારી કે કોર્પોરેશનની સિક્યુરિટી ટીમ હાજર નહોતી. AMCના નામનો દુરુપયોગ કરનાર સામે ફરિયાદ નોંધવા આદેશ કોઈ ખાનગી વ્યક્તિ અથવા એજન્સી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના બોગસ નામે આ ડિમોલેશન પાર પાડવામાં આવ્યું હોવાની આશંકા છે. આ ગંભીર બાબત ધ્યાને આવતાં AMC તંત્ર દ્વારા તપાસ ઝડપી બનાવવામાં આવી છે અને કોર્પોરેશનના નામનો દુરુપયોગ કરવા બદલ જવાબદારો સામે તુરંત પોલીસ ફરિયાદ નોંધાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar