top
સુરતમાં બેકાબૂ કારે દોઢ કિ.મી.માં રિક્ષા-બાઇક સહિત 5 વાહનોને ફંગોળ્યા:રોષે ભરાયેલા ટોળાએ ચાલકને બહાર ખેંચી ફટકાર્યો, નશામાં ધૂત હોવાનો દાવો; BJP કાર્યકર્તા સહિત બે ઈજાગ્રસ્ત
સુરત શહેરના ખરવર નગરથી લઈને ઉધના ત્રણ રસ્તા સુધીના આશરે દોઢ કિલોમીટરના રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતી કારે રિક્ષા, ઇકો, બે બાઇક અને મોપેડ સહિત એક પછી એક પાંચ વાહનોને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી દીધા હતા. આ કમકમાટીભર્યા અકસ્માતમાં ભાજપના મહિલા કાર્યકર્તા સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત BJP મહિલા અગ્રણી કપિલાબેનના પગમાં ગંભીર ફ્રેક્ચર થતાં તેમને તાત્કાલિક વેસુની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિકોએ ચાલકને કારમાંથી બહાર ખેંચી મેથીપાક આપ્યો દોઢ કિલોમીટર સુધી રોડ પર મોતના ખેલની જેમ બેફામ દોડેલી કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે ભોગ બનનાર વાહનોની સાથે-સાથે અકસ્માત સર્જનાર કારના આગળના ભાગનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. એક પછી એક પાંચ વાહનોને કારે અડફેટે લેતા આસપાસ અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ દ્રશ્યો જોઈને ઘટનાસ્થળે હાજર રાહદારીઓ અને સ્થાનિક દુકાનદારોનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ કારને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને અંદર બેઠેલા ચાલકને બહાર ખેંચી કાઢીને ઢોર માર માર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ કારના આગળના કાચ પણ તોડી નાખી ભારે હોબાળો મચાવ્યો હતો. કારચાલક દારુના નશામાં હોવાનો પ્રત્યક્ષદર્શીનો દાવો પ્રત્યક્ષદર્શી નાગરિકોના જણાવ્યા મુજબ ગાડી ચલાવી રહેલો શખ્સ સંપૂર્ણપણે દારૂના નશામાં ચૂર હતો અને ભાન ગુમાવી બેઠો હોવાના કારણે જ આ ગંભીર અકસ્માતની વણઝાર સર્જાઈ હતી. પકડાયેલા આરોપીની ઓળખ 30 વર્ષીય નીરજ તિવારી તરીકે થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે નીરજ સુરતના ભટાર વિસ્તારમાં આવેલા કેશવ નગર સ્થિત આશીર્વાદ પેલેસ ખાતે રહે છે અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. નશાની હાલતમાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દઈ તેણે માર્ગ પર નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓના જીવને ભારે જોખમમાં મૂકી દીધા હતા. પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી આ ભયાનક અકસ્માત અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી અને ચાલકને ટોળાના સકંજામાંથી મુક્ત કરાવી કસ્ટડીમાં લીધો હતો. વાહનના રજિસ્ટ્રેશન નંબરની તપાસ કરતાં આ કાર મયંક બિહારી લાલ છાપરીયાના નામે હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. પોલીસે આરોપી નીરજ તિવારી સામે કાયદેસરનો ગુનો નોંધી, તે નશાની હાલતમાં હતો કે કેમ તેની પુષ્ટિ કરવા મેડિકલ તપાસ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar