top
સુરતમાં ફૂડ પોઇઝનિંગથી બાળકીના મોત બાદ મનપાનું ચેકિંગ નાટક:લા-પિનોઝ પીઝામાં ઇયળ નીકળતાં કાર્યવાહી છૂપાવી, ₹30,000નો દંડ કરી સમગ્ર મામલે ભીનું સંકેલ્યું?
સુરતના વરાછા ઝોનમાં ઇશ્વરકૃપા રોડ પર આવેલી શીતલ રેસ્ટોરન્ટનું પંજાબી શાક ખાધા બાદ ગંભીર ફૂડ પોઇઝનિંગ થવાના કારણે એક નિર્દોષ બાળકીનું મોત નીપજતાં સમગ્ર શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ આઘાતજનક ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં હોટેલ-રેસ્ટોરન્ટ્સ સામે ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જોકે, આ સમગ્ર ઝુંબેશ માત્ર નાના લારી-ગલ્લા અને સામાન્ય વેપારીઓને પરેશાન કરવા પૂરતી સીમિત રહી હોવાના અને મોટા માથાઓ સામે આંખ આડા કાન કરાતા હોવાના ગંભીર આક્ષેપો ઊઠી રહ્યા છે. મોટા વરાછા લા-પિનોઝ પીઝામાંથી જીવતી ઇયળો નીકળતાં વિવાદ અગાઉ અડાજણ સ્થિત ડી-માર્ટમાં ફૂગવાળી બ્રેડ વેચવાના મામલે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સમિત દેસાઈની કામગીરી ભારે વિવાદમાં રહી હતી, ત્યારે હવે મોટા વરાછા સ્થિત જાણીતી ફૂડ ચેઇન 'લા-પિનોઝ પીઝા'ની શાખામાં પીઝામાંથી જીવતી ઇયળો નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહકે પીઝામાં ઇયળ નીકળવાનો વીડિયો અને રીલ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા બાદ પણ શરૂઆતમાં સરથાણા ઝોનના આરોગ્ય વિભાગે કોઈ ત્વરિત પગલાં ભર્યા ન હતા. રાત્રે 2 વાગ્યા સુધી તપાસ અને કાર્યવાહી ગુપ્ત રાખવા સામે સવાલો સોશિયલ મીડિયા પર મામલો ઉગ્ર બનતાં આખરે નાયબ આરોગ્ય અધિકારી ડૉ. અર્પિત દુધવાલાની આગેવાની હેઠળની ટીમે રાત્રે 2:00 વાગ્યા સુધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાતાં આઉટલેટને સીલ મારીને આશરે ₹30,000 નો દંડ ફટકારવામાં આવ્યો હોવાની ચર્ચા છે પરંતુ, આ સમગ્ર કાર્યવાહીની સત્તાવાર માહિતી જાહેર કરવાને બદલે તંત્ર દ્વારા તેને ગુપચુપ રીતે દબાવી દેવામાં આવી હતી. મોટી બ્રાન્ડ્સને બચાવવા તંત્રના પક્ષપાતી વલણ સામે નારાજગી સામાન્ય લારી-ગલ્લા ધારકો સામે નાની ક્ષતિઓમાં પણ પ્રેસનોટ જારી કરીને ઢોલ પીટતું પાલિકા તંત્ર લા-પિનોઝ જેવી નામાંકિત બ્રાન્ડ સામે થયેલી કાર્યવાહી છુપાવી રહ્યું હોવાથી ભ્રષ્ટાચાર અને સાંઠગાંઠની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. જો ગ્રાહકે વીડિયો વાયરલ ન કર્યો હોત તો તંત્ર તપાસ કરવા પણ પહોંચ્યું ન હોત. પ્રજાના આરોગ્ય અને સુરક્ષા સાથે સીધા ચેડાં કરતી આવી મોટી બ્રાન્ડ્સને રક્ષણ આપવાને બદલે જવાબદાર અધિકારીઓ સામે પણ ઉચ્ચ સ્તરીય તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગણી પ્રબળ બની છે.
Read full article on Divya Bhaskar